#173 Sairam Dave

By Faces of Rajkot, February 6, 2016

ખીલખીલાટ હસતું બાળક મોટું થાય ત્યારે હસવાનું ભૂલી જાય છે. આમાં ગરબડ ક્યાં છે? બાળકનાં ઉછેરમાં કે સમાજવ્યવસ્થામાં? મોટા ભાગે આવી વાતો હું મારા પુરતી જ રાખું છુ અને લોકોને હસાવવા માટે બનતું કરી છુટું. મારું નામ સાંઈરામ દવે, લોકો હાસ્યકલાકાર કહે કે પછી કવિ કહે પણ હું કહું કે હું તો માત્ર મારું કામ કરું છુ.

પપ્પા તરફથી ગાયકી મળી અને મા તરફથી રમુજી સ્વભાવ. એક જાણીતા ક્રિકેટરનો હું જબરદસ્ત ફેન અને આજે પણ એની જેમ લાંબા વાળ રાખું છું.

આમ તો અભરખા બધાને આકાશ આંબવાના હોય છે પણ મારા જેવા નસીબ જોગે ફાવી જાય છે. મિત્રો હસવું કે હસાવું સહેલું નથી. ક્યારેક પ્રયત્ન કરી જો જો 5-10 માણસ વચ્ચે ઉભા રહીને બધાને હસવાનો. પ્રસિદ્ધિ પામતાં પહેલાં કસોટી આપવી પડે છે. ઉગવાની જેને બહુ ઉતાવળ હોય એ મોટે ભાગે  બાવળ જ હોય છે.

એક વાર પોરબંદરમાં એક જગ્યાએ મારો ચેરીટી પ્રોગ્રામ હતો. આ પ્રોગ્રામના થોડા કલાકો પહેલા મારા દીકરાની આંગળીમાં ઈજા થઇ અને આંગળી કાપી નાખવાની નોબત આવી. એક વાર તો થયું કે પ્રોગ્રામ રદ્દ કરીને જતો રહું  પણ, કલાકાર માણસ અને એ પણ હાસ્યકલાકાર આવું ના શોભે. પ્રોગ્રામ થયો, લોકો ખુબ હસ્યા પણ હું સ્ટેજ પાછળ જઈને રડી પડ્યો. ઓર્ગેનીઝરને ખબર પડી અને એમણે સ્ટેજ પર જઈને એલાઉન્સ કર્યું , લગભગ 2000 લોકો એ મારા દીકરા માટે પ્રાર્થના કરી અને મારા દીકરાની આંગળી બચી ગઈ. આવી છે મારી ગુજરાતી પ્રજા. રડવા જ ના દયે ફક્ત હસાવે રાખે. કોણે કહ્યું કે મુસીબત થી ડરી જઈશું? અમે રાજકોટના, કટ મારી ને નીકળી જઈશું.

જયારે હું પતિ-પત્ની વિશે રમુજી વાતો સાંભળું છુ તો મને પસંદ નથી આવતી. મારા પ્રોગ્રામમાં કે ઓડીઓમાં ક્યારેય પત્ની વિશે કોઈ જોક્સ નહિ સંભાળવા મળે. સંબંધો તો કોબી જેવા હોય છે, ફોલ્યા કરો તો છેવટે કશુ જ ન વધે. સસ્તી પ્રસિદ્ધિથી પણ દુર રહું છું, વલ્ગર જોક્સ કે હાસ્ય પણ પસંદ નથી. અને એટલેજ મારો પરિવાર મારો સેન્સર બોર્ડ છે.

અરે ભાઈ, હાસ્ય તો દવા છે કોઈ ને ઉતારી પાડવાની રમત નથી.હાસ્ય એટલે ઈન્સ્ટન્ટ વેકેશન.

હું એક પણ સ્કૂલ ચલાવું છું, નચિકેતા સ્કૂલીંગ સિસ્ટમ, નાના મહુઆ રોડ પર  જેમાં બાળકો નું એડમીશન પાંચ તત્વોની પૂજા અને યજ્ઞ સાથે થાય છે. જ્યાં બેલ પણ શાસ્ત્રીય સંગીત અથવા તો લોકસંગીતમાં વાગે છે. થોડો પ્રયત્ન કરું છું  કે ભારતીય પરંપરા અને સંસ્કૃતિને ટકાવી રાખું અને રાજકોટની પ્રજાનો એમાં પુરતો સહયોગ મળે છે.