#253, J. V. Shah, RTO Inspector

By Faces of Rajkot, September 17, 2016

આપણે મંદિર,મસ્જિદ અન્ય કોઈ પણ ધાર્મિક સ્થળે જઈએ તો માથું નમાવ્યા વિના નથી આવતા, શું કામ? કારણ કે એ આપણા સંસ્કાર છે, આપણ ને નાનપણથી જ બતાવવા માં આવ્યું છે કે આમ જ .થવું જોઈએ અને આવું જ હોય. તો પછી આ વસ્તુ આપણે ટ્રાફિકની બાબતમાં કેમ લાગુ ન કરી શકીએ? આપણે આપણા બાળકોને નાનપણથી જ બતાવીયે કે ગમે તેટલી ઉતાવળ હોય, સીટ બેલ્ટ જરૂરી છે, ખોટી જગ્યાએ પાર્ક ન કરીયે, ખોટા હોર્ન ન વગાડીએ, રોન્ગ સાઈડ પર વાહન ન ચલાવીએ. આ બધું તો બાળકો તમને જોઈને જ શીખી શકે જેમ કે ઈશ્વર સામે માથું નામાવવું જ જોઈએ.

જો બાળક કોઈ દિવસ તમને જોશે જ નહિ કે રોન્ગ સાઈડમાં જતાં તો એમને નાનપણથી જ એવો ખ્યાલ રહેશે કે આવું તો ન જ થાય. આજ નહિ તો 10-15 વર્ષ પછી પણ રાજકોટ “સ્માર્ટ સીટી વિથ સ્માર્ટ પીપલ” બનશે એમાં કોઈ બેમત નથી.

શાપરના પી.એસ.આઈ. સાથે મળીને એક પ્રોજેક્ટ કર્યો હમણાં. શાપરથી લઈને ક્રિષ્ના પાર્ક સુધી ઓટો રીક્ષા ચલાવા માટે મહિલાઓ ને તૈયાર કરવી. ટ્રાફિકનાં બધાં નિયમોનું પાલન કરાવું, તેમને શક્ય  મદદ કરવી અને એક જવાબદાર રાજકોટના જવાબદાર નાગરિક તૈયાર કરવા. અતુલ ઓટોએ આગળ આવી ને ઓછા ભાવે રીક્ષા આપી, મુદ્રા બેન્કે લોન પુરી પાડી અને સૂરતની એક સંસ્થા “સેતુ”એ ડાઉન પેમેન્ટ આપ્યું. આ રીતે તૈયાર થઇ રહ્યું છે આપણું રાજકોટ આવતીકાલ માટે. મેં એ તમામ મહિલાઓને ટ્રાફિક અંગેના નિયમો સમજાવ્યા અને એમણે સચોટ રીતે પાળી બતાવ્યા.

હું, જે. વિ. શાહ, આર.ટી.ઓ. ઇન્સ્પેક્ટર, 500 થી પણ વધુ સામાજિક સંસ્થા, સ્કૂલ, કોલેજ, મંડળ, સભા, હોસ્પિટલ જેવી જગ્યાએ મારુ ટ્રાફિકનાં નિયમોનું એક નાનું પ્રેસેંટેશન આપું. શક્ય હોય ત્યાં સુધી વિદ્યાર્થીઓ ને તૈયાર કરું આવતીકાલ માટે. ગુજરાત સરકાર મને છેલ્લા ચાર વર્ષથી મારા આ કામ માટે 15મી ઓગસ્ટે અવૉર્ડ આપીને સન્માનીત કરી અને પ્રોત્સાહિત કરે છે. જબરદસ્તીથી નહિ પણ સ્વૈચ્છિક રીતે લોકો પ્રેમથી અને ગર્વથી ટ્રાફિકનાં નિયમો ને અનુસરે એ માટે હું હંમેશા પ્રયત્નશીલ રહીશ. નાનકડી શરૂઆત છે પણ રાજકોટ એને આગળ લઇ જશે એવો વિશ્વાસ છે.

ખૂબ જ ખુશ છું કે, બેડો પાર લાગે છે

અને બેચાર છાંટા પણ મને મુશળધાર લાગે છે….