#285, Manasi Joshi, A sportsperson

By Faces of Rajkot, January 11, 2017

ચાલવા જેવી સામાન્ય વસ્તુ તમારે 2 વાર શીખવી પડે અને એ પણ નવેસરથી તો કેટલો ગુસ્સો આવે?

માનસી જોશી, મેં ચાલવાનું બે વાર શીખ્યું, એક વાર જયારે નાની હતી ત્યારે અને બીજી વાર 2012 માં જયારે મને ટ્રક સાથે અકસ્માત થયો. હું તો મારા સ્કૂટર પર જોબ માટે જતી હતી અને ટ્રક ચાલક ને હું દેખાઈ નહિ, આખો ટ્રક મારા પગ ઉપર ફરી વળ્યો. હું એમાં એનો દોષ નથી ગણતી. અકસ્માત થયો સવારે 9.30 અને મને તરત હોસ્પિટલ લઇ જવાઈ મારુ ઓપેરશન શરુ થયું છેક સાંજે પાંચ વાગ્યે અને જેનો ડર હતો એજ થયું, મારે એક પગ ગુમાવો પડ્યો. એમાં હું ડોક્ટર કે હોસ્પિટલને પણ દોષ નથી આપતી. પણ, એટલું જરૂર કહીશ કે આપણા દેશમાં હજુ પણ ઇમર્જન્સી સેવાનો અભાવ છે. મને જો તાત્કાલિક સારવાર મળી હોત તો આજે હું દોડતી હોત. 2012 માં 45 દિવસ હોસ્પિટલમાં રહ્યા બાદ ફરીથી ચાલતા શીખી.

જિંદગી જે પણ આપે છે, જયારે પણ આપે છે અને જેવું પણ આપે છે હસતા મોઢે સ્વીકારી લઉં છું. હું નાનપણથી જ બેડમિન્ટન રમતી, દસ વર્ષની હતી ત્યારથી બેડમિન્ટન રમતી આવી છું. સ્કૂલ, કોલેજ, જિલ્લા કક્ષાએ રમી છું અને જીતી પણ છું પણ, અચાનક એક દિવસમાં મારી જિંદગી બેડમિન્ટન કોર્ટથી વિલચેર ઉપર આવી ગઈ?? ખેલાડી છું, મને હરાવા માટે તો ભાઈ મેહનત લાગશે, પણ મારી મેહનત ક્યાં ઓછી ઉતરે એમ છે! 2015માં ઇંગ્લેન્ડ ખાતે પેરા બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભારત માટે સિલ્વર મેડલ લાવી, 2016માં બે વખત એશિયન ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ લાવી અને આ વર્ષે કોરિયા ખાતે યોજાનાર વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ફરીથી મેદાન ગજાવીશ. અત્યારે મારું લક્ષ્ય 2020 માં યોજાનાર પેરા ઓલમ્પિક પર છે, જો મારી મહેનતમાં દમ અને દેશને મારા પાર ભરોશો હશે તો એકાદ મેડલ તો લઈને જ આવીશ.

કૃત્રિમ પગ સાથે ફરીથી ચાલતા, દોડતા અને હરાવતા શીખી. આજે મુંબઈમાં એક આઈ.ટી. કંપનીમાં જોબ કરું છું અને બેડમિન્ટન પણ રમું છું. ઘર જાલીને બેસી રહીયે તો આ ફેસિસ ઓફ રાજકોટવાળા કોના વિષે લખશે?

દુઃખની વચ્ચે જીવવાની એ જ બેત્રણ રીત છે,
સામનો કર કે સબર કર કે પછી ફરિયાદ કર.
-“બેફામ “

— with Manasi Joshi.