#309, Sejal Kalavadia

By Faces of Rajkot, June 18, 2017

રસોડામાં એક સાઈડ નાસ્તો બનતો હોય અને એક બાજુ ચા ઉભરાતી હોય, બીજી બાજુ છોકરા નિશાળે જવા માટે બુમાબુમ કરતાં હોય અને પતિદેવ નાસ્તા માટે બાળકોથીય મોટી બુમાબુમ કરતાં હોય ત્યારે કંઈક અલગ કરવાનો વિચાર રાજકોટની ગૃહિણીના મનમાં આવે એ કોઈ ઘમાસાણ લડાઈથી જરાય ઓછું નથી. માનસિક રીતે તૈયાર થવું અને સાથે પરિવારનું પણ ધ્યાન રાખવું ઉપરથી દેશમાં નામ ગજાવવું, રાજકોટનાં રસોડામાંથી જવાબ મળ્યો,

 

હા !

 

સેજલ કાલાવાડિયા, પેરામૅડિક ફિલ્ડમાં માસ્ટર ડિગ્રી અને છ વર્ષનો અનુભવ છે. પતિ નિમિત્ત અને નવ વર્ષની દીકરી કિયાહ ઉપરાંત ઘરની જવાબદારી સચોટ રીતે નિભાવીને પણ દેશના ખૂણે ખૂણેથી આવેલી સુંદર મહિલાઓની વચ્ચે મિસિસ ગ્લેમર્સનું પેજન્ટ મળ્યું એ ખરેખર દાદ માંગી લે. આમ જોવા જઈએ તો મુંબઈ, દિલ્હી, ચંદીગઢ કે બીજા મોટા સીટી સામે રાજકોટ ફેશન બાબતે બહુ જ નાનું પડે. મેં મારા બધા જ કોસ્ચયુમ જાતે બનાવેલા. આત્મવિશ્વાસ હતો કે હું અન્ય કરતા અલગ કરી બતાવીશ. મેં મારી મેકઅપ સેન્સ, મારી સૂઝબૂઝથી જાતે ડીઝાઈન કરેલા ડ્રેસીઝ, જ્વેલરીની પસંદગી તેમજ મારા વ્યક્તિત્વ અને પ્રસંગને અનુરૂપ પસંદગી કરીને આ એવોર્ડ મેળવ્યો છે.

 

તમારામાં કંઈક અલગ કરવાની ભાવના પણ હોય પરંતુ, નાસ્તા માટે પતિદેવ બૂમ પાડે એટલે બધું હવા થઇ જાય, છોકરા નિશાળેથી આવે એટલે અલગ કરવાનું જ અલગ થઇ જાય. પરંતુ મારા પતિ અને દીકરીનો પૂરો સહકાર અને પ્રોત્સાહન મળ્યું. હું મારો પોતાનો સ્ટુડિયો ઓપન કરું છું જેમાં તમને પ્રસંગોને અનુરૂપ અને તમને, તમારા વ્યકતિતવ્યને નિખારે એવા ડ્રેસીસ બનશે. માત્ર દુલ્હન કે દુલ્હા માટે નહિ પરંતુ સંપૂર્ણ પરિવાર માટે આ સ્ટુડિયો બનશે. લગ્ન, કોર્પોરેટ અને અન્ય પ્રસંગો માટેના પરિધાન નું ડિઝાઇન કરીશ. આ માટે મારી વેબસાઈટ પણ હશે કે જે લોકો રાજકોટ ના આવી શકે એ ઓનલાઇન શોપિંગ કરી શકે.

 

મહિલાઓના સન્માન અને પ્રગતિ માટે તો બહુ બધા લોકો બોલે છે અને ઘણું લખે છે. પણ, હવે સમય છે મહિલાઓએ કરી બતાવવાનો. આ પેજન્ટ તો માત્ર શરૂઆત છે, રાજકોટ આવનારી અનેક વસંતોમાં નવી નવી યશકીર્તિ અને યશગાથા જોશે. રસોડે રાજ કરતી રાજકોટ પર રાજ કરશે.

 

અવળ સવળ ઇચ્છાનો મલમલ તાર બની જા
ઘટી શકે એ ઘટનાનો શણગાર બની જા !
એકલદોકલ હોવાનો અસબાબ કાયમી,
આંખો મીંચી અંદરનો આધાર બની જા !
– શ્યામ સાધુ