#292, Manan Bhatt, Retired Navy officer

By Faces of Rajkot, February 19, 2017

“કોઈ દિવસ બંદૂકની કોઈ ગોળી સરહદ વીંધીને તમારા ઘર સુધી આવી છે?”
નહિ. કારણ કે દેશનો સૈનિક તમારા સુધી પહોંચતા પેહલા એ ગોળી એની છાતી પર લઇ લે છે કાં તો ગોળી ચલાવનારને “ભોંય ભેગો” કરી દે છે.

બહુ બધા વિડીઓ જોયા, બહુ બધા ન્યૂઝ વાંચ્યા ને જોયા પણ પછી? ખાધું પીધું ને રાજ કર્યું. આગળ વિચારવા કરતાં વિસારવું આપણને વધુ અનુકૂળ આવી ગયું છે. દેશના સૈનિકોની હાલત દર્શાવતા વિડિઓ જોઈને એક વાર તો પેટ નું પાણી હાલી ગયું ચાલો આજે સત્ય શું છે એ રાજકોટનાં જ એક એવા સૈનિક પાસેથી જાણીયે.
મનન ભટ્ટ (રિટાયર્ડ, ભારતીય નૌસેના), ઇન્ડિયન નેવીમાં 15 વર્ષ ડ્યુટી કરી ને અત્યારે બેંકમાં જોબ કરે છે. એમનું કેહવું થોડું અલગ છે. શાયદ આપણે વિડિઓમાંના સંદેશને બીજી રીતે જ લઇ લીધો અને ન્યૂઝ ચેનલોએ દુનિયા ગજવી નાંખી. મામલો ગંભીર તો છે પણ મૂળ વસ્તુ શું હતી એતો સમજો. પાણીવાળી દાળ કે સૂકી રોટલીની ફરિયાદ નોહતી, ફરિયાદ હતી સમાનતાની. જો તમારી બાજુમાં જ કોઈ પુરી શાક ખાતું હોય અને તમને દાળ રોટલી અપાતી હોય તો મનમાં લાગી આવે. કેમ ભાઈ! ગોળી જાત કે રેન્ક પૂછીને તો નથી આવતી. ઉલ્ટાનું જેનો રેન્ક નીચો હોય છે એને તો પેહલા સામી છાતી એ લાડવા જાઉં પડે છે જયારે કાજુ બદામ ખાનાર ઓફિસરનો વારો તો શાયદ આવતો પણ નથી. જે સૈનિક ને લડવા જવાનું છે એને તો સારું અને પોષ્ટીક જમવાનું મળવું જોઈએ. અને વાત ખાલી જમવાની નોહતી, વાત હતી સિસ્ટમ વિષે. જ્યાં ધરમૂળ ફેરફારની જરૂર છે.

ઘણા લોકો કહે છે કે જો આટલી તકલીફ છે તો શું લેવા જાઓ છો ફોજ માં? ગુજરાત પાસે સૌથી લાંબો દરિયા વિસ્ત્તાર છે પણ,એની રક્ષા કરવા બીજા રાજ્યના સૈનિકો આવે છે, ગુજરાતીઓ કેટલા? આંગળીના વેઢે ગણી લો. અને ફોજમાં જોડાતી વખતે એટલી જરૂર ખબર હોય છે કે જેવું મળે એવું અને જેટલું મળે એટલું ચલાવી લેવું પડશે પણ કોઈ એમ નથી કેહ્તું કે તમારી સાથે ભેદભાવ કરવામાં આવશે.

હું આજે મારી આગવી લડત સોશ્યિલ મીડિયાના માધ્યમથી ચલાવું છું, સૈનિકોની લાગણી અને ફરિયાદોને શબ્દો આપું છું અને સાથે ગુજરાતી યુવાનોને ફોજમાં જોડાવા માટે પૂરતા પ્રયાસો અને મદદ કરું છું. એક વિડીઓથી એવું ના માની લઈએ કે બધા ખરાબ છે, સદ્ભાગ્યે મને સારા ઓફિસરો મળ્યા અને ક્યારેય ફરિયાદ નથી રહી એ બાબતે.

તમારી લાઈફમાં “રીઅલ હીરો” કોણ છે? સવારે છાપાની રંગીન પૂર્તિમાં શર્ટ વગરના હીરો સાંજે ગાંઠિયાની દુકાને પડીકે બંધાતા હોય છે. ચાર બંગડીવાળી એ.સી. ગાડીમાં આવી ને આપણી સામે ઉભા રહીને કોઈ ની લખેલી 2 લાઈનો બોલી જાય છે, એ છે તમારો હીરો? કે પછી દાળ રોટલી આપો કે એ પણ ના આપો, જીવન જોખમે તમારી સુરક્ષા માટે ઉભો રહે એ છે?. જયારે ટ્રેનમાં મુસાફરી કરતા હોવ અને કોઈ સૈનિકને ટોયલેટ પાસે બેસીને સફર કરતા જોવ તો થોડી અગવડ ભોગવી ને પણ એને જગ્યા કરી દેજો કારણ કે એજ તમને રોજ રાતે નિરાંતે સુવાની સગવડ કરી આપે છે. જો કોઈ સૈનિકની શહાદત પર સલામ કરતાં તમારો હાથ દુખતો જોય તો એક વાર વિચારજો કે એ જ સૈનિક રોજ તમારી સુરક્ષા માટે 15-20કિલો ની બંદૂક સાથે 10-12 કલાક ઉભો રહે છે.

હવે તો દોસ્તો ભેગા મળી વ્હેંચી ને પી નાંખો,
જગત નાં ઝેર પીવાને હવે શંકર નહીં આવે.
~ જલન માત્રી

— with Sainik Swaraj and SainikSwaraj alias SainikUncle.