#328 Taksh Mishra and Slum children

By Faces of Rajkot, November 13, 2017

તારી હિંમત કેમ થઇ મને એવું કહેવાની?” સાંઇઠ વર્ષનાં માજી મારા પર રીતસર તૂટી પડ્યા.
“તને કીધું કોણે એવું કરવાનું?”
આ માજીનાં દીકરાની વહુએ પહેલાં માળેથી ધક્કો માર્યો અને માજીનો હાથ જિંદગીભર માટે વાંકો જ રહી ગયેલો. ઉપરથી એમની આંખમાં મરચાનું પાણી નાંખેલું. એ વખતની મનમોહનસીંગની સરકારનો નિયમ આવેલો કે જો કોઈ વૃદ્ધ વ્યક્તિ સાદા કાગળ પર અરજી પોલીસ કમિશનરને આપે એમના ઘરના વિરુદ્ધ તો એનું બિનજામીનપાત્ર વોરન્ટ નીકળે. અમે પણ આ માજીને મદદ કરવા ગયા પણ આ “કમાવતર” ન થયા કે ન થશે બસ ખાલી “કુપુત્ર” જ જોવા મળશે.

 

હું તક્ષ મિશ્રા વર્ષ 2002થી સેવા અને આનંદનો વ્યવસાય કરું છું. રાજકોટમાં તેર વૃદ્ધાશ્રમો છે. દરેકમાં જઈને એમને સિરિયલો બતાવીએ, ભજન-કથા સંભળાવીએ અને એમનું હેલ્થ ચેક અપ કરાવીએ. સેવા પણ એક વ્યવસાય છે. તમે સેવા કરો છો અને આનંદ પામો છો. આ એક લેવડ-દેવડ છે. ઝૂંપડપટ્ટીના બાળકોને હેલ્ધી નાસ્તો એવી, બ્રશ કરાવું , હાથપગ ધોવા,શાળાએ મોકલવા અને એનું મહત્વ સમજાવવું એ પણ રોજીંદુ કામ બની ગયું છે. આપણે દિવસમાં ત્રણ વાર જમવું સાવ સામાન્ય વાત છે પરંતુ ઝૂંપડપટ્ટીમાં એ સાવ અસામન્ય છે. જયારે પૈસા આવે કે રાશન આવે તો જ જમવાનું બને અને તો જ ભૂખ લાગે. દિવસમાં ત્રણવાર ભૂખ ન લાગે. પહેલા ખાવાનું આવે અને પછી ભૂખ લાગે. આ એમના માટે નોર્મલ અને રોજીંદુ છે. સામાન્ય રીતે કોઈને પેટમાં દુ:ખે તો આપણે પૂછીએ કે ભાઈ શું ખાધું હતું? મેં પણ એક બાળકને એમ જ પૂછ્યું કે કેમ પેટમાં દુખે છે કાલે શું ખાધું ‘તું? એણે તો સાવ સહજ રીતે જવાબ દીધો મેં તો બે દિવસથી કાંઈ નથી ખાધું? રોટલી ખરેખર ગજબ છે મેં તો ઘણાને રોટલી કમાવા માટે દોડતા જોયા છે અને ઘણાને પચાવવા માટે દોડતા પણ જોયા છે.

 

ઘણાં લોકો મને પૂછે છે કે સેવા કરવા માટે તો પૈસા જોઈએ પણ મેં તો આજ સુધી એક પાઇ પણ કોઈ પાસેથી માંગી નથી, તમે જ આપો છો અને તમારા ઉપર જ ખર્ચુ છું. અરે, ખાલી કોઈ વૃદ્ધાશ્રમમાં જઈને કોઈની પાસે બેસીને એમની વાત સાંભળો એ પણ એક સેવા છે અને એક રૂપિયાનો પણ ખર્ચ નથી. તમારા મોબાઈલમાંથી એમને એમનું મનગમતું ગીત સંભળાવી દો એમને બીજું શું જોઈએ.

 

જેટલા ઉત્સાહથી અનામત આંદોલનમાં ભાગ લીધો એટલા જ ઉત્સાહથી “સ્વચ્છ-ભારત” અભિયાનમાં પણ જોડાઈએ એ પણ એક સેવા જ છે. મને કોઈએ કહ્યું કે એની માટે મોટા લોકો પાસે પૈસા હોય એ બસ લેવા માં જ સમજે પણ, તમને જાણીએ શાયદ આશ્ચર્ય થાય કે રાજકોટની નાની મોટી અનેક સંસ્થા કે વ્યક્તિ સહયોગ આપે છે. જરૂરી નથી કે એમણે બધાને કહેવું પડે કે એ શું શું કરે છે. કોસ્મ્પ્લેક્સ અમારા વૃદ્ધાશ્રમ અને ઝુપડપટ્ટીના બાળકોને મફતમાં ફિલ્મ બતાવે છે. મોટેલ ધ વિલેજ મહિને 500 લોકોને ભરપેટ જમાડે છે. એમને લાવવા લઇ જવા માટે કણસાગરા સ્કૂલ અને મારવાડી કોલેજના ટ્રાન્સપોર્ટર્સ ફ્રીમાં સેવા આપે છે. રાજકોટ મ્યુનિસિપાલિટીનો ટ્રાન્સપોર્ટ વિભાગ પણ જોડાય છે. કેટલા ડોક્ટર્સ અને નર્સો મફતમાં દવા અને સારવાર પુરી પડે છે.

 

2002 થી રામકૃષ્ણ આશ્રમથી શરુ થયેલો આ સેવાયજ્ઞ સદાય આગળ વધતો રહે.

 

“હલકું ફુલકું છે આ જીવન..
વજન તો માત્ર આપણી ઇચ્છાઓનું જ છે..!”

— with Taksh Mishra.