#329, Ashok Patel and weather forecast
By Faces of Rajkot, November 19, 2017
હવામાન ખાતાની આગાહી ઉપર આપણો કેટલો ભરોસો?
અશોકભાઈ પટેલને પૂછશો તો કહેશે ,”110%”
મેં બરોડાથી એન્જીન્યરીંગ કર્યું અને પછી અમેરિકામાં એમ. એસ. કર્યું પછી ઇન્ડિયા આવીને જૂનાગઢમાં પોતાનો સોલ્વન્ટ પ્લાન્ટ કર્યો. ત્યારે અમારે ખેતી હતી પણ ટ્રેકટર જેવા આધુનિક ખેતીના સાધનો નહોતા એટલે આજુબાજુમાંથી ભાડે લઇને ખેતી થતી. પરંતુ, એ બધું બીજાની સગવડે થતું. ક્યારેક વાવણીનો સમય ચૂકાઈ જતો, ક્યારેક વરસાદ પડી જતો, ક્યારેક માવઠું તો ક્યારેક ધુમ્મસ. ઘણીવાર ખેતીને નુકસાન થતું.
પછી નક્કી કર્યું કે હવામાનની આગાહી જોઈને કેમ ન કરવું? હવામાન ખાતાની આગાહી મોટેભાગે સચોટ હોય છે. બસ એ આપણા સુધી પહોંચતા વાર લાગે છે અને ત્યાં સુધીમાં ઘણા ફેરફારો થઇ ગયા હોય છે. હવામાન ખાતાની આગાહી એ સમય માટે સચોટ હોય છે પરંતુ આપણી પાસે મોડી પહોંચે છે. મેં રાજકોટમાં 2007માં પોતાનું વેધર સ્ટેશન શરુ કર્યું અને મારી વેબસાઈટ પર સરળ ભાષામાં સૌને સમજાય એવી આગાહી શરુ કરી.
આ આગાહી ટૂંકા સમયમાં દરેકને પહોંચે એવા પ્રયત્નો કરું એટલે દરેક વખતે આગાહી સચોટ મળી રહે. અકિલા, સાંજ સમાચાર, ફૂલછાબ વગેરે દૈનિક સમાચારમાં રોજ આવે છે. ઘણીવાર કોઈ જાણીતી વ્યક્તિ મને કહે કે તમારી જાહેરાત આવે છે ન્યુઝ પેપરમાં. આ કોઈ જાહેરાત નથી કે નથી હું એના પૈસા લેતો. આ જાહેર જનતા માટે હોય છે જેનાથી દરેક ને લાભ થાય. કોઈ ને બહાર જવાનું પ્લાનિંગ હોય કે બહારથી કોઈ રાજકોટ આવાનુ હોય તો એમને ખ્યાલ આવે.
ઘણા ખેડૂતો હવામાનની માહિતી મારા બ્લોગ, વેબસાઈટ કે પછી ફેસબુકમાંથી મેળવીને ખેતી કરે છે જેનાથી એમને આગામી મોસમની જાણકારી રહે. માવઠું હોય કે પછી વધુ વરસાદ હોય, ભારે ઠંડી કે ઝાકળ પડે તો એ લોકો માહિતી પર થી આગામી પગલાં લઈને પાકને રક્ષણ આપી શકે.
રાજ્યના ઘણા ખેડૂતો, ન્યૂઝ ચેનલ, વર્તમાન પત્રો અને રાજકુમાર કોલેજના 100 જેટલા વિદ્યાર્થીઓ એમાં જોડાયેલા છે. કોઈ ને પણ હું ફ્રીમાં આ શીખવું છું પરંતુ એના માટે અંગ્રેજીનું જ્ઞાન હોવું થોડું અનિવાર્ય છે કારણ કે મોટાભાગની માહિતી અંગ્રેજીમાં હોય છે. આ એટલું અઘરું પણ નથી.
હું મારી રીતે બીજા માટે થોડું કરી શકું તો મને અત્યંત આનંદ થશે.
હો દયાળુ તો મને ઉત્તર ખુલાસાવાર દે
કાં અગોચર વિશ્વનો થોડો ઘણો અણસાર દે
1. gujaratweather.com
Related
Recent Comments