#169, Ramnikbhai

By Faces of Rajkot, January 27, 2016

રંગ છે રાજકોટ ની પ્રજા ને અને અહી ની માટી ને જે કઈંક નવું કરી છૂટવા ની ભાવના ગળથૂથીમાં જ  આપે છે. કઈ કેટલાય દેશ માટે મરી છૂટ્યા ને કેટલાય કઈ કરી છૂટ્યા.

 
કારમી ગરીબી અને મોટો પરિવાર, એમાં હું સૌથી મોટો ભાઈ, રમણિકભાઈ પરમાર, મહિનાના એવા ઘણા દિવસો હતા જેમાં અમે એક જ રોટલાના ટુકડા કરીને પૂરું કરતા. અમીર-ગરીબ વચ્ચે બહુ મોટી ખાઈ હતી તે જમાનામાં. ગરીબની થાળી કરતા અમીરોના શેમ્પૂમાં વધારે ફળ સ્વાભાવિક જોવા મળતા. પણ દરેક સંજોગો માણસોના જીવનમાં કોઈ સંદેશ મૂકી જાય છે. જયારે જયારે પુરતું ના મળતું ત્યારે હું દ્રઢ નિશ્ચય કરતો કે જીવનમાં અગર મારી પાસે એક વખત પુરતું જમવાનું હશે તો હું કઈંક એવું કરીશ જે કોઈ ન કરતુ હોય.

 

શરૂઆત કરી સિવિલ હોસ્પિટલમાં ખીચડી ખવડાવાથી અને સંતોષ ન મળ્યો હજી કઈંક વિશેષ કરવાની ઈચ્છાથી બિનવારસી લાશોની અંતિમ ક્રિયા શરૂ કરી અને સાથે ખીચડીનું કામ પણ ચાલુ રાખ્યું.

 

બધા ધર્મોને માન આપીને ધર્મ અનુસાર અંતિમ ક્રિયા કરવાની. ઍક લાશનાં અંતિમ સંસ્કારમાં રૂ. 1000 થી 1200 નો ખર્ચ થાઈ છે. અને આ કાર્ય કરવામાં કોઈ મુશ્કેલી નથી આવતી. 30-35 વેપારી મિત્રોને લીધે પૈસાની ખેંચ ક્યારેય નથી પડી. ઈશ્વર ભરોસે રાજકોટની ધર્મ ભીરુ  પ્રજા પણ આર્થિક મદદ કરે છે. અમારી પાસે કોઈ ટ્રસ્ટ કે બૅંક અકાઉંટ નથી પણ અમારા પર લોકોને વિશ્વાસ છે. અત્યાર સુધીમાં લગભગ 6500 તો 7000 અંતિમ વિધિ કરી છે.

 

આવું કરવામાં મને ઈશ્વરીય આનંદ મળે છે અને ઍવુ લાગે છે કે દેશ માટે કઈક કરું છુ. મને ઍવો વિશ્વાસ છે કે મારા ગયા પછી લોકો મને યાદ કરીને મારુ આ કામ ચાલુ રાખશે. મારા પુત્ર-પુત્રીનાં લગ્ન ઍક્જ સમયે હતા અને ઍમના ફેરા વખતે હું ઍક લાશની અંતિમ વિધિ કરવા ગયેલો. મારા દરેક કાર્ય માં મારા પરિવારનો મને સંપૂર્ણ સહકાર મળે છે અને મને અવૉર્ડ મળે તો ઍ હું મારી મા કે પત્નીના હાથે સ્વીકારવાનો આગ્રહ રાખું છુ.

 

આપણા રાષ્ટ્રપતિ શ્રી અબ્દુલ કલામ સાહેબે મારા કામને બિરદાવતા કહેલું કે ક્યારેય મારી મદદની જરૂર હાય તો કહેજો. અને મને ઍક 100 રૂપિયા ની નોટ પર ઍમના હસ્તાક્ષર પણ આપેલા. મને ગુજરાતના સામાજીક ક્ષેત્રનો અવૉર્ડ મળેલ છે અને શ્રી વાજપાયીજી તથા શ્રી નરેન્દ્ર મોદીજીઍ પણ મારા કામને બીરદાવેલ છે. આ બધા અવૉર્ડ્સ તો ક્ષણભંગુર છે આજે મળશે ને કાલ વિસરાઈ જશે પણ અસલી અવૉર્ડ તો ઈશ્વર આપે છે. મોટું દિલ, સારા વિચારો, સારું જીવન કે સારી તંદુરસ્તી રૂપે ઈશ્વર ખુલ્લા હાથે આપતો રહે છે.

 

જ્યાં સુધી જીવન છે અને બની શકે ત્યાં સુધી જનસેવા કરજો મિત્રો. ઈશ્વર બધું જ જોવે છે અને બધાનો હિસાબ રાખે છે. 500 રૂપિયાના પિઝ્ઝા ખાઈએ એમાં કઈ ખોટું નથી, પણ બની શકે તો ક્યારેક બચેલો ટુકડો ફેકી દેવા કરતા બહાર ઉભેલા ગરીબ બાળકને આપવો.

 

આજે 56 વર્ષ ની ઉમરે પણ વર્ષોથી સાંજે ઍક્જ વાર જમું છું અને કોઈ પણ તહેવાર ઉજાવતો નથી. 24 કલાક રાજકોટની સિવિલ હોસ્પિટલની mortury પાસે મારા શબવાહીની વાનમાં જ રહું છું. અને ઈશ્વર પાસે મૃત્યુ પણ અહીંજ માગ્યું છે.