જયારે શેરીમાં તોફાન કરતા બાળકોને જોઈએ કે કોઈ સ્કૂલમાં નજર કરીએ ને બે ઘડી બચપણ યાદ આવી જ જાય. ક્યારેક લાગે છે રમતા-રમતા ગોઠણ માં વાગેલી ચોટ માં જ રહી ગયું બચપણ, ક્યારેક લાગે કે પતંગ સાથે ઉડી ગયું, ગામના સીમના પીપળાની છાયામાં ખોવાઈ ગયું કે કાગળની બનાવેલી હોળીમાં બેસીને વહી ગયું?
પણ,મધુકાન્ત જોશીએ 48 વર્ષની ઉંમરે પણ બચપણને ખિસ્સામાં સંતાડી મુક્યું છે. કેહવા માટે તો મધુકાન્ત ભાઈ રાજકોટ ખેતીવાડી વિભાગમાં નોકરી કરે છે પણ એમનું મન તો આજે પણ બાળકોની સાથે હોય છે કાં તો બાળસહજ હોય છે. મધુકાન્તભાઈ શબ્દચિત્રો બનાવે, બાળગીત લખે, જોડકણાં લખે એ બધું જ કરે જે એક બાળકને ગમે. એકલા હાથે ટમટમ નામનું બાલમાસિક ચલાવે છે. એ પણ વિના મુલ્યે. આજે પણ જો એમને કોઈ બાળક મળી જાય ચિત્રો દોરતું કે હસતું રમતું, એ એનું સરનામું નોંધી લે અને ટમટમ મોકલી આપે. આજે એમના ચારસોથી વધુ બાલગ્રાહકો છે.
“શબ્દચિત્રો દોરવાનો મને બહુ શોખ. શબ્દચિત્ર એટલે કે કોઈ પણ શબ્દને એ રૂપમાં જ લખવો. જેમ કે જિરાફ લખવું તો જિરાફના આકારમાં લખવું. એના માટે મેં કોઈ તાલીમ નથી લીધી. બસ મન થયું એ કર્યું જેમ બાળપણમાં કરતા. આજ સુધી 113 શબ્દચિત્રો દોર્યા છે જેમાં ગાંધીજી, જવાહરલાલ નેહરુ, ઇન્દિરા ગાંધી, ફળ, ફૂલ, પ્રાણીઓનો સમાવેશ થાય છે.”
આ વર્ષે જન્માષ્ટમીના લોકમેળામાં એમના ચિત્રોનું પ્રદર્શન યોજાયું હતું જે લાખો નાના-મોટા સૌએ માણ્યું.
“મિત્રો, બચપણ જેવું કોઈ પવિત્ર રૂપ નથી એને આંગળી વચ્ચેથી સરકી જવા ના દો, બની શકે એટલું માણી લો. તમારા બાળકોને પુસ્તકના ભાર સાથે ચિત્રો અને મિત્રોની હળવાશ પણ આપો. એને આ તડકા-છાયાની દોડથી અલગ રાખો. બસ, ચીતરતાં રહો.”
Recent Comments