#180, Atul Gadhia and his heart melting expirience

By Faces of Rajkot, February 22, 2016

ક્ષિતિજમાં ઉદય  થતા સૂર્યએ દિવસના સ્વાગત માટે રક્તરંગી જાજમ બિછાવી દીધી ને તે સાથે જ રાજકોટની  અલબેલી નગરીએ ધીરે ધીરે આળસ મરડી દિવસની સજાવટ શરૂ કરી દીધી.

મારું નામ અતુલ ગઢિયા, દિવસ સાથે મેં પણ રાજકોટથી નજીકના ગામની પી.એચ.સી. ની લેબોરેટરીનું કામ શરુ કરી દીધું. 10 વાગ્યાની  આસપાસ એક યુગલ આવી ચડયું. પુરુષ પાષાણ જેવો ઊંચો અને પડછંદ કાયાવાળો અને સાથે નમણી નાગરવેલી જેવી એની પત્ની. કાળા કાળા વાદળનું કાજળ ઉતારીને આંજેલી આંખો, હેમ ની શરણાઈ જેવી હાથની કડાયું  ને માથે લીલા છુન્દણાં. અને હેમ ની દીવીમાં પાંચ વાટ સળગતી હોય એવી હાથની હથેળીઓ.

પુરુષે ભારેખમ અવાજમાં કીધું કે એમની પત્ની માસિકમાં નથી આવી અને ચેક અપ કરવું છે. મેં યુવતીને તપાસી, યુરિન ટેસ્ટ પ્રમાણે યુવતી પ્રેગનેન્ટ હતી. પેલા યુવકે તરત જ કઈ પણ વિચાર્યા વિના કહી દીધું, “ગર્ભપાત!, જેમ બને એમ જલ્દી”….!

એની  આંખોમાં ખુશીને બદલે લોહી તરી આવ્યું.

યુવતીની નજર જમીન સાથે ખોડાયેલી, એક પણ હરફ ઉચાર્યા વિના બેસી રહી. મારી ફરજમાં ન આવે છતાં મેં સમજાવા પ્રયત્ન કર્યો કે ગર્ભપાત આર્થિક, સામાજીક અને માણસાઈની દ્રષ્ટિએ ઠીક નથી. પરંતુ, જાણે મેં ભયાનક નાગની પૂંછળી પર પગ મૂકી દીધો હોય એમ એ યુવક મારી પર ભડક્યો. મેં એને સમજાવીને શાંત કર્યો અને બીજા દિવસે ટેસ્ટ માટે આવી જવા કહ્યું.

એ આખી રાત પેલી હરણી જેવી યુવતીની આંખો અને પેલા યુવકની ભારેલા અગ્નિ જેવી આંખો વારાફરતી મારી નજર સામે ફરતી રહી.

બીજા દિવસે એજ સમયે ફરીથી યુગલ આવી ચડયું. મેં કામ માં વ્યસ્ત હોવાનો ડોળ કર્યો પણ, હકીકતમાં તો હું એ ન આવે એની જ મનોમન પ્રાર્થના કરતો હતો.

હું ફોર્માલીટી પુરતું હસ્યો અને ખુરશી તરફ ઈશારો કર્યો બેસવા માટે. ડ્રોઅરમાંથી મારી  પ્રીસ્ક્રીપ્સન ડાયરી કાઢીને ગર્ભપાત માટેનાં  ટેસ્ટ લખવા માંડ્યો, એવામાં પેલા યુવકે મારો હાથ પકડી લીધો અને કહ્યું, “સાહેબ, ગર્ભપાત નહિ પણ તંદુરસ્ત બાળક જન્મે એવું પ્રીસ્ક્રીપ્સન લખો. મારા આશ્ચર્ય નો પાર ન રહ્યો. હળવેથી એણે આંખના ઇશારાથી યુવતીને બાહર જવા ઈશારો કર્યો. યુવતી તરત જ ઉભી થઇને મારી કેબિનની બહાર જતી રહી.

હું આંખો ફાડીને યુવક સામે જોતો રહ્યો. એ ધીમેથી હસ્યો અને કહ્યું,” કાલે જયારે તમે ટેસ્ટ પોઝિટીવ છે એમ કહ્યું ત્યારેજ મારા બત્રીસ કરોડ રૂંવાળામાં આગ લાગી ગઈ હતી. મારી નસોમાંથી લોહી ધગીને નસો ફાડીને બહાર આવવા લાગેલું. એક વાર તો થયું કે અહી જ ખતમ કરી નાખું મારી પત્નીને. હું ચાર મહિનાથી કામસર ઘરની બહાર છું  અને મારી પત્ની બે મહિનાથી પ્રેગ્નન્ટ છે. ઘેર જતાં જ મારી પત્નીએ મારા પગ પકડીને માફી માંગી અને ભૂલ સ્વીકારી. મને થયું એને મારી નાખીશ તો હું તો મારી પ્રેમાળ પત્ની ગુમાવી બેસીશ. પણ, બાળકનું શું? આખી રાત પથારીમાં પડખાં ફરતાં નીકળી ગઈ. ઊંઘ ન આવી. આખરે થયું કે એ અણજન્મ્યા બાળકે મારું શું બગાડ્યું છે? એની હત્યા શાને કરું? એમાં એના જીવનો શું વાંક? અને બાળકને આ દુનિયામાં લાવવાનો નિર્ણય કર્યો.

મારી નજર સામે મેં પીગળતો પાષાણ જોયો. હું કોઈ દિવસ મારા પેશન્ટની અંગત વાતો બહાર કરતો નથી. પરંતુ આજે આ વાત એટલા માટે યાદ આવી કારણ કે આજે એ પથ્થરની ઉપર ફૂલ બેઠેલું જોયું. હું મારા કામસર એ ગામમા ગયેલો અને ત્યાં મને એ યુવક દેખાયો. ખભા પર એક ગલગોટાના ફૂલ જેવી દીકરીને બેસાડીને રમાડતો હતો. મને જોતા દોડીને મારી પાસે આવ્યો. મને કહ્યું,” તમને યાદ છે?, આ મારી દીકરી”.

મને થયું વાહ રે પ્રભુ, ઇન્દ્રધનુષ કરતાં તો તારા રંગ નિરાળા છે.