#190, Jayshreeben

By Faces of Rajkot, March 19, 2016

હું ગઈ કાલે માર્કેટમાં શાકભાજી લેવા ગઈ. મેં શાક લઇ ને શાકવાળા ભાઈ પાસે પ્લાસ્ટીકની થેલી માંગી, ત્યાં કોઈએ મારા ખભા ટપલી મારી. મેં પાછુ ફરી ને જોયું તો એક બેન મારા મમ્મીની ઉમર ના હસતા ઉભા હતા. કંઈ પણ બોલ્યા વિના એમણે મારા હાથમાં કપડાની બનાવેલી બહુજ સુંદર થેલી મૂકી દીધી અને હસી ને જતા રહ્યા. હું કઈ સમજુ કે બોલું એ પેહલા તો બેન જતા રહ્યા અને મેં શાકવાળા ભાઈ તરફ જોયું તો એ પણ હસતા હતા. મારી આંખો માં ઉભો થયેલો સવાલ શાકવાળા એ જોખી લીધો અને કહ્યું,” ભાઈ એ જયશ્રીબેન છે.  જયારે પણ માર્કેટ માં આવે ત્યારે ઘરે જાતે બનાવેલી થેલીઓ લઇ ને આવે અને જે કોઈ પણ અહી પ્લાસ્ટીકની થેલી માંગે એને જટ દઈને કપડાની થેલી પકડાવી દે”. મને જયશ્રીબેન વિષે વધુ જાણવાની ઈચ્છા થઇ. હું ખુદ ને રોકી ન શકી મેં ફટાફટ શાકવાળા પાસે થી જયશ્રીબેન નું અડ્રેસ લઇ લીધું.

રાજકોટમાં ઘણા  એવા લોકો છે જે દુનિયા બદલવાની હિંમત રાખે છે પણ, શાયદ આપણે એ વિશે અજાણ હોઈએ.જયશ્રીબેન એવી જ કંઈક પ્રવૃત્તિ કરે છે. એક સાદા અને સ્વચ્છ ઘરમાં જયશ્રીબેન રહે છે જયારે એમને મળવાનું થયું ત્યારે જાણ્યું કે રાજકોટ તો ભાઈ અદભુત છે. જયશ્રીબેનનું કેહવું છે કે,” મેં મારા પિતાજી,અમરશી ભાઈ ખારેચાની પ્રવૃત્તિને આગળ ધપાવી છે. મારા પિતાજી નાનપણમાં જ અમને સ્વચ્છતા અને સાદાઈનું મહત્વ સમજાવતા પરંતુ એ ઘર પુરતું જ સીમિત રેહતુ. મારા પિતાજી ના અવસાન બાદ એમના પૈસામાંથી એક ટ્રસ્ટ ઉભું કર્યું. આ ટ્રસ્ટની કામગીરી ગામડાઓમાં જઈ ને ત્યાં ના લોકો ને પર્યાવરણ વિશે સમજવાનું। એમને સ્વચ્છતાના પાઠ શીખવવાનું. સાથે-સાથે ઘરગથ્થું દવાઓ, વૃક્ષારોપણ વગેરેનું કામ પણ કરવાનું.”

આ બધી પ્રવૃત્તિ  કરતાં પેહલાં ઘર નું કામ જોવાનું. તમે પ્લેનમાં જાવ તો પણ એમ જ કહે કે બીજાની સહાયતા કરતાં પેહલાં તમારું સાચવો. મેં મારા ઘરમાં જૈવિક ખાતરનો ઉપયોગ કરી ને નાનું ગાર્ડન બનાવ્યું છે. જેમાં ડુંગળી, રતાળુ,ગાજર,મરચાં ,ટામેટા,રીંગણ જેવા અને શાકભાજી ઘરે જ ઊગાડું છું. પંચામૃત ખાતરનો ઉપયોગ કરી ને મેં દુધી ની સાઈઝના ગલકા ઉગાડેલા અને ખુબ મોટી ડુંગળી પણ ઉગાડેલી. એમાં કોઈ પણ જાત ના રસાયણ કે દવા નો ઉપયોગ થતો નથી.   મારાં ઘરમાં તમને પ્લાસ્ટીકનો ઉપયોગ નહીવત જ જોવા મળશે। જમવાનું મોટા ભાગે ઓર્ગેનિક મળશે. શાકભાજી ઉગાડવા માટે મોટી જગ્યાની જરૂરત નથી હોતી. તમે બાલકની કે પછી ટેરેસ પર પણ ઉગાડી શકો છો.

રાજકોટ મારી કર્મભૂમિ છે. રાજકોટને પણ મારાં પર એટલી જ પ્રીતિ છે. મને ઘણી જગ્યાએ એવાર્ડ થી સન્માનિત કરી છે. ભરપુર વખાણ કર્યા છે. રેડ એફ. એમ. તરફથી “બડે દિલવાલે ” નું સન્માન પ્રાપ્ત થયુ. જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી પર્યાવરણ માટે બનતું કરીશ, જેથી આવનારી પેઢી પણ એજ જોય અને માણી શકે જે આપણે જોયું અને માણ્યું.