#204

By Faces of Rajkot, April 23, 2016

અનિલભાઈ પોપટ

તમે ક્યારેય રાત્રે 3 વાગે ચટપટી, તીખી અને ખાટીમીઠી “ભેળ” ખાધી છે? હા ભાઈ, આ તો રાજકોટની ચટ્કોરી પ્રજા છે, અહી રાત્રે પણ માંગો તે ખાવા મળે. મારી “અનીલ ભેળ હાઉસ” ની લારી તમને રાતે 2 વાગે પણ રાજકોટની શેરીઓમાં જોવા મળશે. સલામતીના કારણોસર તીખી તમતમતી ચટણી જેવી રાજકોટ પોલીસે રાત્રી બજાર બંધ કરી છે એટલે શેરીઓમાં ફરીને ધંધો કરું છું. 30 વર્ષથી આજ લારી ચાલવું છું. મારે મીઠી ભેળ જેવી 2 દીકરીઓ છે જેના લગ્ન થઇ ગયા છે અને હું મારી તીખામોળા જેવી પત્ની સાથે રહું છું, એ થોડી મોળી અને હું તીખો, હા ક્યારેક સ્વાદ બદલીએ પણ ખરા.. સવારે 4 વાગે સુવાની આદત આજે વર્ષોથી લાગી છે. ગમે તેટલું કરીએ તો પણ એ પહેલા તો ઊંઘ ન જ આવે.

મારી તીખી મીઠી ભેળ જેવા મારા ઘણા ગ્રાહકો છે જે અડધી રાતે પણ મારી ભેળ ખાવા આવે છે. એમાંના એક મારા “પાર્ટનર ઇન ક્રાઈમ” એવા 73 વર્ષીય મિત્ર અને ખાસ ગ્રાહક જેન્તીભાઈ. ચાલવામાં તકલીફ પડે તો પણ અચૂક રાત્રે ભેળ ખાવા આવે. સાથે મળી ને વાતો કરીએ, મીઠાં ગ્રાહકોને હસાવીએ અને પોતે પણ હસતા રહીએ. ઍક નિયમ મેં રાખ્યો છે. કોઈ પણ ગ્રાહક આવે ઍને ‘જય સિયારામ’ કહી ને પછીજ ઓર્ડર લેવાનો.

જેન્તીભાઈને પણ ભેળની લારી હતી પણ એમના ડુંગળીના સલાડ જેવા દીકરાઓ એ ચાઇનીસ ફૂડમાં ફેરવી નાખી. આ ચાઇનીસ આઈટમ, ખાલી વિનેગારમાં હલાવેલા નૂડલસ, ચટપટી ભેલનો મુકાબલો કરે? પણ સમય બદલાય છે સૌનો, લોકો ચાઈનીસ ખાવા લાઇન  લગાવે છે. પણ આ તો મારી ભેળ જેવી પ્રજા, કોઈ ને ચાઇનીસ પસંદ તો કોઈ ને દેશી.

આપણે તો જ્યાં સુધી આ સુતરફેણી જેવો શ્વાસ શરીરમાં રેહશે ત્યાં સુધી રાજકોટને ચટકા દેતા રહીશું.