#214, Jay Vasavada, A renowned writer

By Faces of Rajkot, May 19, 2016

૨૦થી વધુ વર્ષોથી ‘ગુજરાત સમાચાર’ની રવિવાર અને બુધવારની પૂર્તિઓમાં ‘સ્પેકટ્રોમીટર’ અને ‘અનાવૃત’ કટારથી લાખો વાચકોના કાળજે મેઘધનુષી કોતરણી કરતા યુવા મોજ અને મિજાજના લેખક જય વસાવડા મસ્તી તથા મુક્તિના છડીદાર છે. વર્ષ દરમિયાન કોઈ સ્ક્રિપ્ટ વિના જ સહુથી વધુ જાહેર વ્યાખ્યાનો આપતા સર્જક ગુજરાતી ભાષાનો લોકપ્રિયતામાં નંબર વન એવો સૌથી વધુ હિટ્સ મેળવતો બ્લોગ www.planetjv.wordpress.com પણ ચલાવે છે અને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ પર કોઈ પણ ગુજરાતી શબ્દ્સેવી માટે ઐતિહાસિક વિક્રમ કહેવાય તેવી કુલ લાખથી વધુ ફોલોઅર્સની ચાહતની ચાસણીમાં ઝાબોળાય છે.

૬ ઓક્ટોબર ૧૯૭૩ના રોજ આંતરજ્ઞાતિય લગ્નના એક માત્ર સંતાન તરીકે જન્મેલા જયે સમગ્ર પ્રાથમિક શિક્ષણ શાળાએ ગયા વિના ઘેર જ વ્હાલા માતાપિતા પાસેથી લીધું હોવા છતાં ટૂંકા ગાળા માટે મેનેજમેન્ટ કોલેજના પ્રિન્સિપાલની એકમાત્ર નોકરી કરી હતી. અપરણિત, આઝાદ અને આનંદી જયના શબ્દો જાદૂઈ આંધી બનીને ત્રાટકે છે. એના લેખન-પ્રવચનમાં ગુજરાતી થાળીની માફક બધા સ્વાદનું વૈવિધ્ય કૃષ્ણ જેવી મુરલીથી સુદર્શનચક્ર સુધીની ‘વાઈડ રેન્જ’માં ધસમસે છે. ગુલાબની પાંદડીની સુવાસિત કોમળતા અને પ્લેટીનમ બ્લેડની ધારની ઝળહળ કાતિલતા ધરાવતો જય જિંદગીના ઝંઝાવાત અને ઝગમગાટને છાતીમાં ઘૂંટીને ખેલતો-ચાલતો રહે છે.

‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’ની લીડઇન્ડિયામાં ગુજરાતના ટોચના ફ્યુચર યૂથ લીડર તરીકે ચમકેલા જયે કોલેજકાળમાં ૩૦૦થી વધુ નિબંધ, વક્તૃત્વ, ક્વીઝ સ્પર્ધાઓ જીતવાનો વિક્રમ સર્જેલો ! ઇટીવી પર ‘સંવાદ’ અને દૂરદર્શન પર ‘આસ્વાદ’ના સેંકડો એપિસોડસના એન્કરિંગ ઉપરાંત સેલિબ્રિટી રેડિયો જોકી પણ રહી ચુકેલા જયે દેશ-વિદેશમાં અંગેજી-હિંદી-ગુજરાતીમાં ૧૬૦૦થી વધુ પ્રવચનો/વર્કશોપ્સ અને ૧૫થી વધુ બેસ્ટસેલર બુક્સની ભેટ આપી છે. ‘જય હો’, ‘જેએસકે’, પ્રીત કિયે સુખ હોય’ જેવા પુસ્તકો ૧૫,૦૦૦થી વધુ નકલોમાં વેંચાયા છે. સિનેમાથી સાહિત્ય, રાજકારણથી સમાજકારણ, શિક્ષણથી શૃંગાર, વિજ્ઞાનથી વિચાર, આધુનિકતાથી અધ્યાત્મ જેવા અનેક વિષયોનું ગ્લોબલ નજરે લોકલ ખેડાણ કરી ચુકેલા જયના અંગત સંગ્રહમાં ૨૦,૦૦૦ જેટલા પુસ્તકો-સામયિકો અને ૫૦૦૦થી વધુ સીડી-ડીવીડીઝ છે. ભીતરથી મુલાયમ અને બહારથી મક્કમ વ્યક્તિત્વ ધરાવતા જયે વિશ્વભરમાં યુવાનો સાથે હિંદી, ગુજરાતી, અંગ્રેજીમાં ૫૦થી વધુ તત્કાળ સવાલ-જવાબના જીવંત ‘પ્રશ્નોપનિષદ’ કર્યા છે. જય વસાવડા આકાશવાણીથી લઇ કોર્પોરેટ વર્લ્ડ સુધી મોટિવેશનલ-કોમ્યુનિકેશન-રિલેશનના ટ્રેનર તરીકે સિદ્ધ અને પ્રસિદ્ધ છે.

આમંત્રણથી વ્યાખ્યાનો / સંશોધન માટે અમેરિકા, જર્મની, દુબઈ, થાઈલેન્ડ, કેન્યા, સિંગાપોર, સ્વીત્ઝર્લેન્ડ, બેલ્જીયમ, ઇટાલી , બ્રિટન જેવા દેશોના પ્રવાસ કરી ચુકેલા સરકાર સહિત વિવિધ એવોર્ડ્સથી સન્માનિત જયના શ્વાસમાં ‘રિવોલ્યુશન’ અને ‘ઈવોલ્યુશન’ એકસાથે ઘૂંટાય છે. કોઈ ભેદ વિના ફક્ત ભાવથી પ્રેમ અને ક્રાંતિના વિચારોનું વાવેતર કરતો આ લાડકો તથા લાખેણો ઇન્સાન સફળ, છતાં સરળ છે. આધુનિક વૈશ્વિક ચેતનાનો જય ગુજરાતી ધબકાર છે. સાહસ અને સંવેદનાના સંગમ સમો આ રંગીનશોખીન માનવી એક આંખમાં આશા અને બીજીમાં વિસ્મય આંજીને, હૈયામાં ગીત અને ચહેરા પર સ્મિત ઘૂંટીને બિન્દાસપણે જીવનના ઉલ્લાસ અને ઉઝરડા નીરખતો, પારખતો અને વહેંચતો રહે છે.

— with Jay Vasavada.