#227, Hiral, a fighter, a blind, an IT professional

By Faces of Rajkot, June 28, 2016

મોઢા વાંકા કરીને કે પછી જીભડા કાઢી ને સેલ્ફી લેતી છોકરીઓ માટે આ જરૂર વાંચવા જેવું છે. ખાલી છોકરીઓ જ કેમ, નોકરી નથી મળતી, ભણવાનું બહુ અઘરું થતું જાય છે, કોમ્પિટિશન કેટલી છે? એવું બોલનારા નબીરાઓ પણ વાંચે. જીંદગીમાં તકલીફો વધતી જ જાય છે, એક સાંધીયે ત્યાં તેર તૂટે, કેટકેટલી માથાકૂટ કરવી પડે છે જોબ માટે કે પછી ટ્રાફિકમાં ઘેર કે ઓફિસ પહોંચવા માટે! થાય છે એવું? મને પણ એવું જ થતું હતું જ્યાં સુધી હું હિરલ ને નોહતો મળ્યો. બે લાઈનમાં જો “હિરલ” કેહવું હોય તો :

“માત્ર છીદ્રો હોય તે કાફી નથી રચવા સૂરને
વાંસળી બનવા ઘસરકા ભીતરે પણ ખાવા પડે..”

માત્ર ત્રણ વર્ષની ઉંમરે અંધાપો આવ્યો, હજી તો જોવા જાણવાની ઉંમર હતી અને પૂર્ણવિરામ મુકાઈ ગયું, પણ ના આ છોકરી એ એને અલ્પવિરામમાં બદલી નાખ્યું. એની મોટી બહેનને પણ એજ તકલીફ. બબ્બે દીકરીઓ અને એ પણ અંધ, જ્યારે સ્ત્રી ભૃણહત્યાની વાત આવે ત્યારે આના માં-બાપને દુનિયાનો કોઈ પણ એવોર્ડ નાનો પડે. કેમ કે, એમણે મજૂરી કરીને પણ બંને દીકરીઓને ભણાવી.

ભણાવી એટલે? એક સંસ્કૃતમાં એમ. એ. અને હિરલ કોમ્પ્યુટર એન્જીનીર બની આજે એસ.બી.આઈ. બેન્કમાં સારી જોબ કરે છે. દસમા ધોરણથી માંડીને એમ.એસ.સી. સુધી ડિસ્ટીન્કશન અને યુનિવર્સિટીની એન્ટ્રન્સ એક્ષામમાં ટોપ 5 માં નામ પણ, આ સફર આટલી સહેલી નહોતી. હિરલે બી.એ. પછી પી.જી.ડી.સી.એ. કર્યું અને એમ.એસ.સી. પણ કર્યું સાથે સાથે બેન્કની પરીક્ષાઓ પણ આપી. મેં તો ઘણા નબીરાઓ ને કોલેજની પાળી પર ચાની ચુસ્કીઓ લેતા જોયા છે અને કોલેજ અધૂરી મૂકીને મજૂરી કરતા પણ જોયા છે.

હિરલે અપાર મુશ્કેલીઓ વેઠી છે સૌથી પહેલા તો કોમ્પ્યુટર એન્જીનીર બનવાની ફી મજૂરી કરતો માણસ ક્યાંથી લાવે? રોટરી કલબ ઓફ રાજકોટ મિડટાઉનની સહાયથી ફી તો મળી પણ નોર્મલ લોકો સાથે બેસી ને ભણવાનું કેમ થાય? એમ.એસ.સી. નું પહેલું પેપર આપી ને હિરલ ઘેર આવી તો એના પપ્પા દુનિયા છોડી ગયા હતા. એની નૈતિક, આર્થિક અને માનસિક હિંમત પર આ વસમો ઘા હતો. ફરી પછી હિરલ એ હિંમત જોડી, ક્યારેક પ્રોફેસર બોલે એ ના સમજાય, ક્યારેક અંધાપાને કારણે કોમ્પ્યુટર તકલીફ આપે, બુક્સ ના સમજાય, યુનિવર્સિટી આવવા અને જવા માટે કોઈ પર આધાર રાખવો પડે. ઘણી વાર તો સુમસાન ડિપાર્ટમેન્ટમાં હિરલ એકલી જ બેઠી હોય. પણ હિમ્મત અને હિરલ બંને જાણે સગી બહેનો, ડરનું તો નામ નહીં, ત્યાં પણ મુશ્કેલીને જ માર્ગ બનાવી લ્યે. એકલી હોય ત્યારે બુક્સ સાંભળે અને પરીક્ષાની તૈયારી કરે.

બધી મુશ્કેલીઓને આંગળી પર નચાવતી આ છોકરી બબ્બે બેન્કના જોબ ઑફર લેટ્ટર સાથે વિજયી સ્મિત લઈ ને ઘેર આવી ત્યારે જ જંપી. રાજકોટ ની જીમખાના શાખા કે જ્યાં માથું ઊંચું કરવાનો વખત ના મળે એવી વ્યસ્ત બ્રાન્ચમાં સામે ચાલીને જોબ લઈ ને એક સામાન્ય કર્મચારીની જેમ જ નોકરી કરે છે. આ હિરલ નામની રાજકોટ ની શાનદાર હાલતી ચાલતી ઈમારતનો પાયો એટલે જાગૃતિબેન. એમનો પરિચય ટૂંક સમયમાં જ કરીશું.

ગરવા ગિરનાર જેવી અડગ હિમ્મત ધરાવનાર હિરલ કહે છે એને રાજકોટના હોવા નો ગર્વ છે,અરે હિરલ, ગર્વ તો રાજકોટને છે અને એ ગર્વથી રાજકોટ ની છાતી ફૂલીને ફાટી જાય તોય નવાઈ ના લાગે.