આખા રાજકોટમાં મારા જેવા પાણીદાર સિક્કાઓ કોઈ પાસે નહીં હોય. કેટકેટલાય દેશોના ચમકદાર જુના સિક્કાઓ મારી પાસે સંગ્રહમાં છે. લોકો દેશ-વિદેશથી મારી પાસે ખરીદવા આવે છે. ભારતવર્ષના ઐતિહાસિક સિક્કાઓ પણ મારી પાસે મળે. મને સિક્કાઓ ની કારીગરી, બનાવટ અને ઇતિહાસ નો બહુ જ શોખ.
સિક્કાઓ નો રણકાર મારા હૃદયના ધબકારના તાલ સાથે તાલ મિલાવે. લોકો મને સુરેશભાઈ સિક્કાવાળાથી જ ઓળખે.
જ્યારે ડોક્ટરનો દીકરો ડોક્ટર અને વકીલનો દીકરો વકીલ બને ત્યારે એના પિતાને આભ આંબ્યાં જેટલી ખુશી થાય. મને પણ હતું કે મારો દીકરો મારો શોખ આગળ લઈ જાય. પણ, આ તો ક્રિસ્ટલ જનરેશન છે એના શોખ અને વિચારો અલગ જ હોય. હશે ભાઈ, બધા સિક્કા સાચા હોય એવું જરૂરી નથી હોતું!
સિક્કાઓ ની સાથે મારી પાસે દેશ પરદેશની ટિકિટો પણ છે. અને ભારતનાં રાજા રજવાડાના ઇતિહાસ વિશેની એક બૂક પણ ખરી, 500 વર્ષ જૂની હશે. એ બૂક તો કેટલા રાજા મહારાજ માંગી ગયા હશે પણ સંગ્રહ એ તો શોખ છે. મારો ઘણો ખરો સંગ્રહ મેં વેંચી નાંખ્યો કારણકે મારા પછી એનું કોઈ નથી. એક આ બૂક અને થોડી યાદો સંગ્રહી રાખી છે.
Recent Comments