#240, ‘Setu’ hobby center for mentally retarded children

By Faces of Rajkot, August 12, 2016

નામ એનું “સેતુ”, પ્રેમ ના સેતુ ને હેતુ નથી હોતા એમ અનાયાસે જ શેરીમાંથી જતાં જતાં ડોકિયું થઇ ગયું, જોયું તો કેટલાક બાળકો રંગબેરંગી કાગળો અને બીજી વસ્તુઓ થી કૈક બનાવી રહ્યા હતા.
અંદર જઈ ને પૂછ્યું તો ખબર પડી કે આ તો ભાઈ રાજકોટ ના બિઝનેસ પીપલ છે. મેન્ટલી ચેલેન્જડ છે પણ એમની કામ કરવાની ધગશ અને ધીરજ તમારા ને મારા કરતાંય આગળ છે.

આવા અનોખા બાળકો માટે સ્કૂલો તો રાજકોટમાં ઘણી છે પણ એવું સેન્ટર “ સેતુ “ પહેલું જોયું. તાપસ કરતાં ખબર પડી કે આ 3 વર્ષ થી ચાલે છે. અહીં બાળકોને આત્મનિર્ભર થવાની સાથે સામાન્ય જિંદગી જીવતા શીખવે છે.

બે વર્ષથી વિચાર આવતો કે રક્ષાબંધન પર રાખડી બનાવીને વેચાણ કરવાનો. પણ રક્ષાબંધનના ૧ મહિના અગાઉ રાજકોની ગીફ્ટની શોપ જુઓ કે સીઝનલ વસ્તુઓની ની શોપ, જવેલરીની શોપ હોય કે નાની કરિયાણાની દુકાન દરેક જગ્યાએ બોર્ડ લાગી જતા “અવનવી વેરાયટીમાં છુટક તથા જથ્થાબંધ ફેન્સી રાખડીઓ મળશે” અને રક્ષાબંધન નજીક આવતા તો દર છઠી દુકાને આ બોર્ડ લાગી જતું બસ આ જોઇને મન હિમ્મત નહોતું કરી શકતું. બાળકોને નિષ્ફળ નહોતા થવા દેવા. જથ્થાબંધ રાખડી બનાવતા અને વેચતા વેપારીઓનો સંપર્ક કર્યોપણ કોઈ પ્રતિસાદ નો મળ્યો. આ વર્ષે સ્ટાફ મેમ્બર્સે વિચાર્યું કે બાળકોને સમાજના પ્રવાહ સાથે સાંકળવા આપણે દરેક પ્રવ્રુતીઓ બાળકો પાસે કરાવીએ છીએ અને એ જ સેતુનો ધ્યેય છે તો આપણાથી જ શરૂઆત કરીએ ભલે બાળકો રાખડી બનાવતા આપણે જ આપણા બાળકોની રાખડી ખરીદશું. બાળકોને પણ એક નવું કાર્ય કરવાનું આવ્યું તો ખુશખુશાલ હતા. કોણે કહ્યું નસીબ વિના બધા કામ આડા પડે? પ્રયત્નના અંતે તો ધોધ નીચે ના પથ્થરમાં ખાડા પડે. રાખડીના પ્રોજેક્ટને પણ સમાજના લોકોએ ખુબ ઉત્સાહ પૂર્વક વધાવી લીધો. અને લોકો આવતા ગયા અમારું કાર્ય જોતા ગયા, બાળકોનો ઉત્સાહ જોઇને જોઈએ તેના કરતા પણ ચાર રાખડી વધુ લઈને જતા અને ઘરે જઈને બીજા લોકોને પણ પ્રચાર કરતા. ચાર દિવસ માં રાખડીના પ્રોજેક્ટ એ એવો વેગ પકડ્યો કે અમારા બાળકોને ઓવર ટાઇમ કરવો પડે એવી સ્થતિ આવી ગઈ. નાશ્તાના સમયે નાસ્તો પણ કરવાની ના પડી દીધી બાળકોએ.

મોટી કંપનીમાં ટાર્ગેટ એચીવ કરવાનો ભાર હોય એમ બાળકોના મોઢા પર રાખડીના ઓર્ડર પૂરો કરવાનો ભાર સ્પષ્ટ વર્તાતો હતો. રોજ બે કલાક તોફાન મસ્તી કરતા અમારા બાળકો જાણે રાતોરાત મોટા બની ગયા. દરેક બાળક જાણે પોતાની જવાબદારી સમજી ગયું હોય એમ મૂંગામોઢે કામમાં મશગુલ રહેતું હતું. ૨૫ રાખડી બાળકો પાસે બનાવડાવી સ્ટાફ મેમ્બેર્સ ખરીદી લેશું તેની જગ્યાએ ૨૫૦ રાખડી ૨ દિવસ માં વેંચાઈ ગઈ હતી અને અત્યારે તો બાળકો અને અમે પણ વેઇટીગ લીસ્ટમાં આવી ગયા હતા.

સુરતથી એક બહેનનો ફોન આવ્યો કે મારે તમારી સેતુની બનેલી રાખડીઓ ખરીદવી છે. અમે તો સહજભાવે પૂછ્યું કે સુરત સુધી કેમ ખબર પડી? બહેને કહ્યું સેતુ ની વાત ફોન મારફતે મારા પતિ સુધી સાઉદિ અરેબિયા માં પહોંચી અને ત્યાંથી એમણે મને ફોને કરી ને કહ્યું. બસ, સેતુ ના હેતુ નથી હોતા ઝટ, રાખડી મોકલો.

રાજકોટ છે ભાઈ, આફત નેય અવસર માં બદલી નાખે.

— with Minaxi Agrawal, Vikram Sanghani, Jatin Mody, Suna Mody, Bina Sanghani, Kalpraj Mehta, Priyadarshi Arth, Deepak Agrawal, Jaagruti Ganatra and Rotary Club of Rajkot Midtown.