#248, Kanabhai

By Faces of Rajkot, September 6, 2016

વાંસળી વાળો કાનો, ફનસ્ટ્રીટમાં વગાડે વાંસળી અને ગોતે એની મા એના માટે ઘરવાળી…

છેલ્લા 3 રવિવારથી મને ફનસ્ટ્રીટમાં મળે છે. જયારે જોવો ત્યારે પ્રેમગીત જ સાંભળવા મળે એની વાંસળીમાંથી. એટલે મેં સહજતાથી પૂછ્યું: “કા કાનાભાઈ કોઈના પ્રેમમાં છો કે?”

એનો જવાબ સાંભળી ને સાલુ થોડું લાગી આવ્યું. કહે કે ” હા ભાઈ પ્રેમમાં છું, પણ તમારા, આ તમારી બાજુમાં ઉભા છે ભાઈ એના, આ બધા જે ફન સ્ટ્રીટમાં આવ્યા છે એના, અને આખા જગતના પ્રેમમાં છું હું.”

આ સાંભળીને થોડીવાર તો હું વિચારતો રહી ગયો કે આ શું બોલે છે. પણ પછી એણે વાત કરી કે…

“મિત્ર, જિંદગી આ વાંસળી જેવી છે, માત્ર ફૂંક મારવાથી ન ચાલે, તમારી આંગળી પર પણ સરખી પકડ હોવી જોઈએ. તો જ મધુર અવાજ નીકળે. આ જ રીતે જિંદગીમાં માત્ર જીવવા ખાતર જીવવા કરતા બધા સાથે પ્રેમ કરીને જીવવું. આ અમારા દેશી માણસોની દેશી વાતું છે ભયલા, બવ નય સમજાય તમારા જેવા મોડર્ન માણસોને… ”