#254, A tailor

By Faces of Rajkot, September 20, 2016

એક જમાનો હતો જ્યારે રોજેરોજ કોઈ ને કોઈ બેન કે દિકરી એનો ડ્રેસ કે ચણીયા ચોળી જલ્દી સીવી આપવા અમને વિનંતિ કરવા આવતી.

પણ હવે ક્યાં એવી અમારી જાહોજલાલી રહી? આજ કાલ લોકો રેડીમેઇડ કાં પછી ડ્રેસ ડિઝાઇનર પાસે કપડા સીવડાવે એટલે અમારા જેવા અનેક દરજીઓનું કામ ઘણું ઓછું થઈ ગયું છે.

જો કે હજી પણ ઘણા એવાં પણ છે જે અમારાં સિવેલાં ડ્રેસ જ પહેરે છે. એમને પરફેક્ટ માપનાં ડ્રેસ જ જોઈયે. એટલે ઘણી વાર એ લોકો ડિઝાઇન લઇ આવે અને અમે સીવી આપીએ. નવરાત્રિ અને લગ્ન ની સીઝનમાં કામ ઘણું રહે.

મેં મારા પિતાજીની સાથે કામ કર્યું હવે થોડાં સમયથી મારો દિકરો પણ મારી સાથે જોડાયો છે. એ નવી નવી ડિઝાઇન બનાવે અને અમારા જૂનાં ઘરાકને બતાવે. હવે ફરીથી અમારું કામ વધે છે. પણ હવે લોકો એવી ડિમાન્ડ કરે છે કે તમે નવી જગ્યાએ દુકાન બનાવો. ટ્રાફિકને કારણે એમને પરાબજારમાં આવવું નથી ફાવતું.