#256, Setu, Mentally Challenged Children & their art

By Faces of Rajkot, September 25, 2016

નસીબમાં લખેલું ક્યાય જતું નથી એ આનુ નામ.ડીસેબીલીટી સાથે કામ કર્યું હતું એટલે સામેથી તક મળી માનસિક વિકલાંગ બાળકોને ગરબા અને ડાન્સ શીખવાડવાની અને એમાંથી જન્મ થયો સેતુનો (માનસિક વિકલાંગ બાળકો માટે ચાલતું હોબી સેન્ટર) સેન્ટર ચાલુ કર્યો ત્યારે સાથ મળ્યો નેહા ને જાગૃતિનો કારણકે વર્ષો જુના ફ્રેન્ડસ હતા. સ્વભાવ પણ બંનેનો સરખો લાગણીશીલ. જાન્યુઆરી – ૨૦૧૩ માં બંનેએ ભેગા મળી સેન્ટરની શરૂઆત કરી. ૩ બાળકો સાથે. શરૂઆતના ૬ મહિના બાળકોના સ્વભાવને જાણીને તેની પાસે કામ કેમ લેવડાવું એ શીખતા ગયા પરંતુ સેન્ટરનો હેતુ બાળકોને કાઇક કમાતા કરવા એવો હતો. ઘણા પ્રયત્ન પછી પણ કોઈ કામ નહોતું મળતું એટલે નેહાનું મન ઉચાટ માં રહેતું હતું એમાં નવરાત્રીના દિવસો નજીક આવતા જતા હતા. કદાચ મનની આ વિચલિત પરિસ્થિતિએ જ જન્મ આપ્યો નવા પ્રોજેક્ટને.
 
નેહાના મનમાં વિચાર આવ્યો કે નવરાત્રીમાં માતાજીના માટીના ગરબાનું સ્થાપન તો સૌ કોઈ ઘર માં કરતા જ હોય તો આ ગરબાનું કામ આપણે બાળકો પાસે કરાવીએ તો! મનની અસમંજસ વચ્ચે નેહા એ વાત કરી જાગૃતિને. ગરબા બાળકો પાસે રંગાવશું અને તેને શણગારમાં આપણે સેતુની ટીમ બાળકોને સાથ આપશું.
 
પહેલું વર્ષ હતું, પાસે વધુ ફંડ પણ નહોતું, કાયમ નવરાત્રીમાં કુંભાર પાસેથી ઘર માટે ગરબો લેવાનો થાય અથવા તો શેરીમાં રેકડી નીકળે તો એની પાસેથી લઈને ઘરમાં ગરબાનું સ્થાપન થઇ જાય. પરંતુ આ તો એ જ સાદો ગરબો ક્યાં મળે? એના પર કેવો કલર સારો લાગે? ડેકોરેશન શેનું થાય?? એ મટીરીયલ ક્યાં મળે?? ઘણા બધા પ્રશ્નો સામે આવ્યા. અને સૌથી મોટો પ્રશ્ન એ કે આ ગરબાનું વેચાણ ક્યાં કરશું??? પરંતુ બાળકો માટે કઈક કરવાની ભાવના હતી એટલે મન દોડવા લાગ્યું. રાજકોટના કુંભારના સરનામાં મેળવ્યા, બજરંગવાડીમાં જઈને કાચા ગરબાના ભાવતાલ કરાવ્યા કુંભાર પાસેથી સલાહ મળી કે ઓઈલ પેઈન્ટનો ઉપયોગ કરશો તો ગરબાનો ઉઠાવ ખુબ વધી જશે, કોઈને ત્યાં શણગારેલા ગરબા પડ્યા હતા તેમાંથી ગરબા ડેકોરેશનનો આઈડીયા લીધો, દરજી બજારમાં આ બધું મટીરીઅલ મળે તેની તપાસ કરી અને થોડી ખરીદી કરી અને કામના શ્રી ગણેશ કર્યા. ગરબાને કલર કરાવતા છોકરાવ પણ ગરબાના અને આનંદના લાલ રંગમાં રંગાતા ગયા.
 
પહેલું વર્ષ હતું, ગરબા નહિ વેચાય તો ? માટીની કલાને આખું વર્ષ સાચવશું ક્યાં એ ડરે ૬૦ ગરબા જ લીધા હતા પણ મહેનતના રંગે જાણે કમાલ કરી નાખી. નવરાત્રીના એક અઠવાડિયા પહેલા તો બધાજ ગરબા બુક થઇ ગયા અને બીજા ૫૦ ગરબાનો ઓર્ડેર પેન્ડીંગ હતો. એક જ અઠવાડિયું બાકી હતું કુંભારને પણ પોતાના ધંધાને વેગ આપવો હતો એટલે કાચા ગરબા આપવાની ના પડી દીધી. ખુબ મહેનતના અંતે ગરજના ભાવ આપીને મોંઘા ભાવે બીજા ૫૦ ગરબા ખરીદવા પડ્યા અને તેના પર કામ કરવા માટે બાળકો અને સેતુ ટીમના સભ્યોએ પોતાનો પુરતો સમય રેડી દીધો. પ્રથમ વર્ષ અને સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું કે ૧૧૦ ગરબા વેચાય જશે. પછીના વર્ષોમાં તો પુરુષાર્થની ગાડીએ વેગ પકડી લીધો હતો. બીજા વર્ષે ૨૦૦ ગરબા, ત્રીજા વર્ષે ૪૦૦ ગરબા અને આ વર્ષે તો ૫૦૦ ગરબા ની પણ તૈયારી રાખી છે.
 
આ તો ભાઈ અલભ્ય વસ્તુની મર્યાદિત સમય માટેની સ્કીમ જેવું હતું જો ગરબો ફોનથી કે રૂબરૂ વાત કરીને નોધાવ્યો નહિ હોય તો પ્રથમ નોરતાને દિવસે એવો જવાબ મળશે સોરી મેડમ આપે ગરબો બુક નથી કરાવ્યો એટલે આપને નહિ મળી શકે કારણકે અમારી પાસે અત્યારે હાજર સ્ટોકમાં એક પણ ગરબો નથી. અને રાજકોટના સીમાડાને તો ક્યારના અમે પાર કરી ચુક્યા છીએ. સુરત, બોમ્બે, અમદાવાદ, વડોદરા, જુનાગઢ, જામનગર અને કેનેડા પણ. લોકોએ પેકીંગ ચાર્જ અને વધારાના ચાર્જ સાથે ગરબાનો ઓર્ડેર બુક કરાવી દીધો છે
 
બીજા લઇ ગયા અને તમે રહી ગયા જેવી પરિસ્થિતિ નો થાય. એટલે આપને પણ ખાસ વિનંતી છે કે ઓર્ડેર બુક કરાવ્યો નહિ હોય તો અમારી પાસે હાજર સ્ટોક માં ગરબો નહિ મળે હો……….