#258, Ashaben

By Faces of Rajkot, September 30, 2016

“નવા જન્મેલા બાળકો માટે ૧૦ કોટનના ઝબલા હાલમાં બજારમાં નથી મળતા તો તમે સીવી આપશો?” હું એક જનાના હોસ્પિટલમાં જયારે સેવા અર્થે અનાજ અને કપડાં આપવા ગઈ ત્યારે એક નર્સે મારા હાથ પકડીને પૂછ્યું.તે દિવસ ને આજની ઘડી, અત્યાર સુધીમાં ૧૫૦૦ બાળકોની માતાના અંતરમાંથી નીકળેલા આશીર્વાદથી એમણે ઝોળી ભરી લીધી છે. છેલ્લા ૧૦ વર્ષથી આ કાર્ય અવિરતપણે ચાલુ છે. સમય અને સંજોગ સામે ક્યારેય નમતું નથી જોખ્યું. આશાબેનનું કાર્ય છે નવા જન્મેલા બાળકને પોતાના હાથે સીવેલું ઝબલું અને કાન ટોપી પહેરાવવાનું, આને શોખ ગણો કે કોઈ નામ વગરનો યજ્ઞ.

શાંત રહી ને પણ દેખાય “નદીની વિશાળતા”,
ઝરણાંઓને અસ્તિત્વ સાબિત કરવા અવાજ કરવો પડે છે….

આશાબેન દેસાઈનું નિયમીત જીવન છે એટલે સવારમાં ૪.૩૦ વાગે ઉઠી જાય છે. ભગવાનની પૂજા-સેવા કરી અને ૯.૩૦ વાગ્યા સુધીમાં તો ઘરનું તમામ કાર્ય પતાવીને મશીન પર બેસી જાય અને ૧૨.૩૦ સુધી ઝબલાનું કટિંગ, સીલાઇ, ફીનીશીંગ જેવું કાર્ય ચાલતું રહે છે. રાજકોટમાં બપોરે બૈરાંઓને ઊંઘવા જોઈએ, જિંદગીનાં કેટલાય કલાકો ઊંઘી નાખ્યા પણ ઊંઘ પુરી ના થાય, એના કરતા કોઈ માટે કઈંક કરી છૂટીએ તો? જમીને પાછા એ જ કાર્યમાં લાગી જાય. દર મહીને ૧૦૦ થી ૧૫૦ ઝબલા સિવાઇ જાય એટલે એક દિવસ નક્કી કરી જનાના હોસ્પિટલ પહોચી જાય અને પોતાના હાથે દરેક ખાટલે જઈને નવા જન્મેલા બાળકની માતાના હાથમાં ઝબલું આપી આવે. સંજોગોવસાત આશાબેનને બહારગામ જવાનું થાય અને લાંબુ રોકાણ હોય તો એ ત્યાં મશીન પોતાની સાથે લઈને જાય છે જેથી સેવાયજ્ઞમાં કોઈ અડચણ ન આવે. તેમનું આ કાર્ય જાણતા લોકો ઘણીવાર પોતાના તરફથી કાપડની કે નાણાકીય સહાય કરે છે અને સહાય ન મળે તો પોતાના ખર્ચે પણ આ કાર્યને એમણે અટકવા નથી દીધું.

આશાબેનના પતિનું અવસાન કેન્સરની બીમારીમાં થયું છે અને તેમની ઈચ્છા મુજબ દર વર્ષે તેમના પતિના જન્મદિવસ પર કીડની હોસ્પિટલ-અમદાવાદ અને કેન્સર હોસ્પિટલ-રાજકોટમાં સારી રકમનું નિયમિત ડોનેશન આપે છે અને તે ઉપરાંત સિવિલ હોસ્પિટલ-રાજકોટમાં વસ્તુનું દાન પણ આપે છે.

કુતુહલવશ પુછાઇ ગયું આશાબેન તમારે તો અત્યારે પેન્શન પર જિંદગી ચાલે છે તો નાણાની ભીડ નથી થતી? જવાબ સરસ આપ્યો. કહે કે હું બહુ વિચારતી નથી, દિવસની ચાર રોટલી અને 200 ગ્રામ શાક મળી જતું હોય તો પછી બીજું બચાવીને શું કરું? દીકરીઓ સુખી છે અને મારી જરૂરિયાત ઓછી છે તો બાકીનું સંઘરીને શું શાહુકાર થાવું છે? એના કરતાં તો મારા હાથે જ થાય એટલું સેવા કાર્ય કરી લઉં, કાલ કોણે જોઈ છે.

ખરેખર, શૂન્ય થવું પણ ક્યાં સહેલું છે…??
‘બાદ’ થઇ જવું પડે છે..
‘બાકી’ થી….!!

— with Jaagruti Ganatra and Neha Thakar.