ક્યારેક અંધકારે ટહુકો કરી લીધો
ક્યારેક સૂની યાદના દીવા બળી ગયાં
એકેય રંગ આપણે પ્હેરી શક્યા નહીં,
સો વાર પેલા મોરના પીંછા મળી ગયાં…..
હું નાનો હતો ત્યારે દિવાળીમાં લાઈન સર માટીનાં કોડિયાંની હાર જોવા મળતી. શેરી, કાંગરા, ગોખલે બધે માટીનાં બનાવેલા દીવા જ બળતા હોય પણ, હવે તો ફક્ત જોઈ ને હૈયું જ બળે છે. લોકો હવે આવી જંઝટમાં નથી પડતાં અને દીવાઓ ને બદલે લાઈટો લઇ આવે છે, કોણ દીવા ખરીદે, તેલ પુરે, વાટ બનાવે આ તો એક સ્વિચ પાડી ને ઝગમગ ઝગમગ, પણ તમારી એ ઝગમગ અમારા ઘર માં અંધારું કરી જાય છે.
જ્યાં 5 વર્ષ પહેલાં અમે દિવાળીના તહેવારો પેહલા નવરા ના પડતા આજે અમારા બનાવેલા દીવા કોઈ નથી ખરીદતું. સમદુખિયા અમારી ડેલીએ આવી ચડે જે ચાઈનીઝ લાઈટો ના ખરીદી શકે, એ બે કોડિયાં લઇ જાય.
નથી સમજી શકાતું કે શું કામ કોઈ પુસ્તકનું પહેલું પાનું હોય એવું સાવ નજરઅંદાઝ કરી નાંખે લોકો.અમારા ઘડેલા માટલાને ટકોરા મારી મારી ને ચકાસતો આ માણસ આટલો જલ્દી કેમ ફૂટી જતો હશે? અમે તો મરશું ત્યાં સુધી માટી સાથે જોડાઈને વફાદારી નોંધાવશું પણ તમે 20-25 રૂપિયા બચાવીને પેલી લાઈટો ખરીદવાની લાલચ રોકી નહિ શકો.
ભગવાને દાંત દીધાં છે તો ખાવાનું પણ આપશે એની મને જરાય શંકા નથી પણ, કોઈ એને કેહજો કે પગથિયાં હવે હું નહિ ચડું , એને મારી શ્રધ્ધા ઉપર ભરોશો હોય તો એ હેઠો ઉતરે. . .
Recent Comments