#275, Bhupatbhai and his Kanaiya Restaurant

By Faces of Rajkot, November 19, 2016

ભુપતભાઈને મળ્યા છો કદી? કે એમના હાથનું ખાધું છે ક્યારેય? 100% ચોખ્ખું , ચૂલા પર રાંધેલું અને સાત્વિક કાઠિયાવાડી ભોજન ૧૮ જાતના ખાટાં-મીઠાં અથાણાં, 4 સલાડ, ૬ જાતનાં લીલાછમ અને સુકા શાક, આંગળાની છાપ પડેલા ભાતીગળ રોટલા, અને અસ્સલ તાવડી ઉપર ચોળવેલી રોટલી, ઘી પરોઠા, પાપડ, ટાઢીબોળ છાસ, સાથે ખીર અને લાડવા અને ગુલાબજાંબુ. આ બધું તમને કનૈયા કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં મળે.

રેસ્ટોરંટનાં માલિક કહો કે વેઈટર, ભુપતભાઇ તમને ચારેકોર દોડતાં જોવા મળે. ઘરનું માણસ ન ખવડાવે એટલી તાણ કરીને ભુપતભાઇ તમે જમતા હોવ ત્યાં જાતે પીરસવા આવે. ભૂપતભાઈની આ અદભુત રેસ્ટોરંટનાં નિયમો તમને અસ્સલ કાઠિયાવાડની યાદ અપાવે.

એક તો કોઈ પણ અહીં થી ભૂખ્યા નથી જતા એ ભલે માણસ હોય કે પશુ અને ભિખારી હોય કે કરોડપતી અહીં બધા સરખાં. આડા દિવસે પણ તમને અહીં વેઇટિંગ જોવા મળે. રોજ નું રોજ ખાવાનું ચૂલા પર જમવાનું બનાવાનું અને બધાને પ્રેમથી જમાડવાનું, રાતે વધેલું ખાવાનું પશુઓ માટે રાખવામાં આવે છે, અને નવા દિવસે નવા શાકભાજી અને નવી રસોઈ.

આવું નાનું રજવાડું તો તમને ફાઈવ સ્ટાર હોટેલમાં પણ માણવા ન મળે. આજ થી વીસ વર્ષ અગાઉ ખાલી ચા નાસ્તા થી શરુ કરેલી હોટેલ આજે એકી સાથે આખો પરિવાર બેસીને જમે એટલે 6 થી લઈને 26 બેઠકની સગવડવાળો છે.

આ આખો પ્રેમનો મહિમા છે, આજે કોઈ સ્વાર્થ વગર બોલાવે પણ નહિ અને એવામાં કોઈ તમને આંખનીય ઓળખાણ વિના પરાણે જમાડે તો અજાયબી કહેવાય.

સ્પર્શ દઈ પાણી વહી જાતું હશે,
ત્યારે આ પત્થરોને કંઈક તો થાતું હશે.!!
– રમેશ પારેખ