# 282
અંતરથી આદ્ર છું,
પણ નીતિ હોય તો નેતા છું
1969 થી કરી ને 2003 સુધી મારા હાથે મારા દીકરા, ભાઈ, ભાભી,માં, ભાણેજ, બીજા અનેક નજીકનાં સગા-સંબંધી અને દર્દીઓ પર ઓપરેશનમાં મદદ કરી છે. ડૉક્ટર કે નર્સની તાલીમ નથી છતાં ઓપેરશન થિએટરમાં મારા ડૉક્ટર પતિની સાથે ખભે ખભો મિલાવીને કામ કર્યું છે. ઓપેરશન પૂરું થયા પછી ઘરનું ઓપેરશન તો હોય જ. રસોઈ, સફાઈ, ઘરનો હિસાબ, બહારનાં કામો બધું એકલા હાથે. ડૉક્ટર સાહેબ તો દર્દી અને સમાજ સેવા ખાતે લખી દીધેલા.
સંસ્કારે ગર્વિષ્ઠા છું ,
કર્તવ્યે ધર્મિષ્ઠા છું…
દક્ષાબેન હેમાણી,
એક ડૉક્ટરની પત્ની હોવું એ ગર્વની વાત છે પણ એટલું સેહલું નથી હોતું. કસમયે આવતાં ફોન કે દર્દીઓને હસતાં મોઢે આવકારવાની કલા હસ્તગત કરવી પડે છે. લાંબા ઓપેરશનના ઉજાગરા, ઠંડુ પડી ગયેલું ભોજન, રિસાઈ ગયેલા સંબંધી, પપ્પાની રાહ જોતા બાળકોની ફરિયાદ આ બધું સાચવવાની જાણે આદત પડી ગઈ છે. ઘરના રાશનથી માંડીને બાળકોના નિશાળના એડમિશન સુધી એક હાથે લડતા અભિમન્યુની જેવી લાગણી થઇ આવે. પરંતુ, અહીં કોઈ ફરિયાદ નથી, કોઈ તમને જયારે રસ્તામાં જોઈને માનપૂર્વક બોલાવે ત્યારે આ બધું બરફની માફક ઓગળી જતું હોય છે. ઓપેરેશનોમાં એમની સાથે ખભે ખભો મિલાવીને કામ કર્યા પછી જયારે એ ઘેર આવે તો એમને ગરમ રસોઈ પણ તૈયાર રાખી હોય છે. આ બંને વચ્ચે તાલ બેસાડવામાં અથાગ મહેનત અને આનંદ હોય છે.
51 થી વધુ વર્ષથી પતિની પડખે ઉભા રહીને ક્યારેક એમનો પડછાયો બનીને અને ક્યારેક એમની ઢાલ બનીને સાથ આપ્યો છે. એ અગર સોનાનું તાળું કહો તો આ રૂપાની ચાવી છે. આખા ઘરને એક તાંતણે બાંધી ને રાખ્યું છે. બધું હંમેશા સારું સારું થાય એવું પણ નથી હોતું, ક્યારેક કોઈ દર્દીની તકલીફ જોઈને રડવું આવી જાય, તમારો દિવસ અને રાત બસ દર્દથી શરુ અને પુરા થાય. પણ, એમાંથીય કૈક એવું કરી છૂટવું પડે કે માણસ ઘરે આવે તો હળવા ફૂલ જેવું અનુભવે. મારા જેવી કેટલીય પત્નીઓ એમના પતિની પડખે ઉભા રહીને બધું સહન કરી ને હસતી જોવા મળશે.
ઈશ્વર પણ ઝંખે એવી કૂખ છું ,
પામું અને વહેંચું એવું સુખ છું..
ભગવાને પણ જાણે નીચે જોયું હોય અને મારી મેહનતની કદર કરી હોય એમ બબ્બે અણમોલ રતન દીકરા સ્વરૂપે આપ્યા. એક કવિ છે અને બીજો ડોકટર. મોરનાં ઈંડા શાયદ ચીતરવા નહિ પડતા હોય પણ આ તો ઢેલનાં, કાળજીપૂર્વક ચીતરેલા. મારી જાત રેડી ને ઉછેરેલા…
રૂપથી ગજગામિની છું ,
મનની માનુની છું..
રાજકોટની ગૃહિણીઓને મારે એક જ વાત કહેવી છે કે જો કોઈ તમારી આવડતની કદર ના કરે તો જીંદગીમાં ક્યારેય અફસોસ ન કરવો કારણ કે, નુકશાન તો ઝવેરીનું જ થયું છે જેને તમારી ઓછી કિંમત આંકી છે. ભગવાને સ્ત્રીનો અવતાર દીધો છે તો ભરપૂર પ્રેમ આપી છૂટજો. કટાઈ જવા કરતાં ઘસાઈ જવું સારું.
અમારાં એ કહે છે;
સહેલું હતું ક્યારે, “સુમતિ” મિલન જીવનભર નું;
સાથે રહેવા, મેં જાત જલાવી જાણી છે…
ડૉ. એસ.ટી.હેમાણી
Recent Comments