#283, Assistant Police Inspector Dhansukhbhai

By Faces of Rajkot, December 28, 2016

પ્રામાણિકતા આંકવાની કોઈ આંકણી તો નથી શોધાઈ હજુ પણ જો હું કહું કે આ ભાઈ ની પ્રામાણિકતા રૂપિયા 2.16 કરોડથી પણ વધુ ની છે તો?

ધનસુખભાઈ  મેણસીભાઈ કચોટ, આસિસ્ટન્ટ  સબ ઇન્સ્પેક્ટર, રાજકોટ. 1979 માં પોલીસમાં જોડાયા અને જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી અંતે 2006માં ટ્રાફિક શાખામાં આવ્યા. એમને નો પાર્કિંગમાં પાર્ક કરેલું વાહન જરાય પસંદ નથી. એકલા હાથે એમણે રૂપિયા 2 કરોડથી વધુનો દંડ માત્ર 10 વર્ષની સર્વિસમાં વસુલ્યો છે જે પુરા ડીપાર્ટમેન્ટ ના 10% કરતાં પણ વધુ છે.

દરિયાને તુચ્છ કહેવા તળિયા સુધી જવું છે
અથવા કોઈ સુખીના નળિયા સુધી જવું છે
સંસારના ભ્રમણની શી છે જરૂર મારે
હું તો પ્રવાસી ઘરનો, ફળિયા સુધી જવું છે

ધનસુખભાઇ કહે છે,” કોઈ ને અગવડ પડે એવું શુ કામ કરવું? નો પાર્કિંગ એટલા માટે જ લખ્યું હોય છે કે ત્યાં પાર્ક કરવાથી કોઈ ને પરેશાની થઇ શકે છે. ઘણી વાર લોકો દંડ જતો કરવા માટે ઉપર સુધી ફોન કરે છે પણ, મારી પ્રામાણિકતાને બધાં માન આપે છે અને કોઈ દખલ કરતું નથી. લોકો કહે છે આટલી કમાણી તો કોઈ ડબલ ડીગ્રીવાળા એન્જીનીર ની પણ નહિ હોય, મારું કહેવાનું થોડું અલગ છે, આ કોઈ આવક કે કમાણીનું સાધન નથી, આ કહે છે કે આપણે કેટલા બેદરકાર છીએ.  કોઈ વખત કોઈએ કહ્યું કે આ અમારા રાજકોટ ટ્રાફીકનાં કમાઉ અધિકારી છે, પણ હકીકત એ છે કે રાજકોટમાં નિયમોનું પાલન નહિ થતું હોય જયારે એટલો દંડ પડ્યો. દરેક શહેરમાં સારા-નરસા લોકો વસે છે પણ, અપને બીજાની ચિંતા શુ કરીયે? આપણું ઘર સ્વચ્છ રાખીએ તો બસ. બસ એ ભગીરથ પ્રયત્નમાં જ લાગ્યો રહું છું.