#286, Dr S. T. Hemani, A Surgeon, humanitarian, poet

By Faces of Rajkot, January 15, 2017

રાજકોટના આ ચેહરા વિષે લખવામાં થોડી અસમંજસ હતી કારણ કે, એ ફેસિસ ઓફ રાજકોટના એક સદસ્યનાં પપ્પા છે. પણ, રાજકોટને ચેહરા છુપાવતાં ક્યાં ફાવે છે અને આ વાંચીને જો યોગ્ય છે કે નહિ એ અભિપ્રાય જરૂર આપજો.

ડો. એસ. ટી. હેમાણી, રાજકોટનું ઘરેણું કહો કે અમૂલ્ય રતન, આજે ૮૦ વર્ષે પણ કાર્યરત રહી ને ઝળહળે છે. એક ડૉક્ટરની સિદ્ધિઓ ગણવા બેસીએ તો બહુ વધારે લખવું પડે પણ, એક ડૉક્ટર ઉપરાંત બીજું એવું તે શું છે એ જાણીયે.

બબ્બે વખત ત્યારનાં મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના હસ્તે સન્માનિત થયેલ રાજકોટનાં એક માત્ર ડૉક્ટર એક સર્જન ઉપરાંત પ્રેમાળ પતિ, પિતા, મિત્ર, કવિ અને નાગરિક છે. એમને ચાલવાનો બહુ શોખ અને સતત ૫૧ વર્ષ થી સજોડે ચાલવા જવાનો વણતૂટ્યો અને વણલખેલો નિયમ આજે પણ અકબંધ છે. અત્યાર સુધીમાં એક લાખ પચાસ હજાર કિલોમીટર કરતાં પણ વધુ અંતર ચાલી ચુક્યા છે અને અટકવાનું તો ભાઈ નામ જ નહિ. એમનાં મિત્રો સાથે જો તમે જોઈ જાઓ તો ભૂલી જાવ કે આ એજ ડૉક્ટર છે જેણે મારી દવા કરેલી કે મારુ ઓપેરશન કરેલું!! રંગીલા રાજકોટનાં સપ્તરંગી મિત્ર, વખત પડે તો નમતા આકાશને ટેકો આપે પણ, અડકો તો હૃદય જાણે પશ્મિનાની રજાઈ. એમના ડૉક્ટર વર્તુળનું એવું કેહવું છે; “ડોક્ટરોની લાઈફને જો એક મહાભારત ગણો તો એમને તમારે ભીષ્મ પિતામહ કેહવા પડે. ફરજ સાથે જોડાયેલા, કોઈ પણ સંજોગોમાં બાંધછોડ ન સ્વીકારે અને ચટ્ટાનની જેમ ઉભા રહી ને તમને સંકટ સમયે ઉગારી લે.”

એમણે “માણસ નામે સોગઠાં” એક પુસ્તક પણ લખ્યું છે અને એમની કવિતાઓ આજના જમાનાને સચોટ રીતે વર્ણવે છે. સર્જક અને સર્જન બંને નો સમન્વય માણવા લાયક છે. ડોનેશન, ઓરેશન, ઓપરેશન ઉપરાંત પણ ઘણું બધું છે આ ડૉક્ટરના જીવનમાં. એક પરિવારની ઈમારતનો મજબૂત પાયો, એ સદાય તમને હસતાં જોવા મળશે, ક્યારેક જો મળવાનો લ્હાવો મળે તો ચૂકશો નહિ.

આજે એમનો જન્મદિવસે Faces of Rajkot એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે.