#287, Vimal Mer

By Faces of Rajkot, January 20, 2017

વાયબ્રન્ટ ગુજરાત આજે ગ્લોબલ લેવલ પર ચર્ચામાં છે પણ થોડા વર્ષ અગાઉ પરીસ્થિતિ અલગ હતી. વિમલ મેર, હું બી.કોમ. કરતો હતો અને વિચારતો કે મારા પપ્પાનો બિઝનેસ સાંભળીશ. પપ્પા ડિઝાઈનર artifacts બનાવે અને લોકલ માર્કેટ માં વેચે. એ ઉપરાંત સાડીની પ્રિન્ટની ડિઝાઇન પણ બનાવે. આમ વિચાર તો કંઈક નવું કરવાનો હતો પણ ટ્રેન્ડ પ્રમાણે તો ઘરના ધંધામાં જ લાગવાનું હતું. નાનપણથી જ પપ્પાની ડિઝાઇન અને પેટર્ન જોતો આવ્યો છું અને રસ લેતો થયો.

એક વાર કોઈ સજ્જન મિત્ર એ કહ્યું કે તું ઓનલાઇન બિઝનસ કેમ નથી કરતો? ખાલી રાજકોટમાં જ શુ કામ તું દેશ પરદેશમાં તારી ડિઝાઇન વેંચી શકે છે. મને આઈડિયા પસંદ પડ્યો અને eBay વેબસાઈટ પર રજીસ્ટર થયો. પણ કહેવાય ને કે ગુજરાતી શરૂઆતે શૂરા, એમ જોશમાં શરુ તો કર્યું પણ જ્યાં ઓલરેડી ભીડ લાગી હોય ત્યાં આપણો ભાવ કોણ પૂછે? એક મહિને એકાદ પ્રોડક્ટ માંડ વેંચાતી.

એમ નિરાશ થાશું તો બિઝનસ કેમ થાય? અને જો એવુંજ હોત તો રાજકોટમાં આજે એક પણ દુકાન ના ઉભી હોત. કોટન એક્સપોર્ટમાં નોકરી કરીને એક્સપોર્ટનાં આટાપાટા શીખ્યા, eBay ના વર્કશોપમાં ઓનલાઇન બિઝનેસ વિષે ડિટેઇલ માહિતી મેળવી, બીજી વેબસાઈટ પર પણ રજીસ્ટર થયો અને ભાઈ ભાઈ, ચાલી નીકળી. ફોટોગ્રાફીનો શોખ કામે લાગ્યો અને અલગ અલગ ફોટોઝ મારા પ્રોડ્કટને ઓનલાઇન બીજી બધી પ્રોડક્ટથી અલગ પાડતા.

આજે 3000 થી વધુ ટ્રાન્સેકશન્સ અને એટલાં જ સન્તુષ્ટ ગ્રાહકો સાથે આપનો ગ્લોબલ વ્યાપાર ચાલે રાખે છે. આમિર ખાને એક ફિલ્મમાં કહેલું કે “બચ્ચાં કાબિલ બનો, સફળતા તો જખ મારી ને પાછળ આવશે.” બસ આપણે આ લાઈન જીવનમાં ઉતારી લીધી.

આમ તો છું એક પરપોટો સમય નાં હાથમાં
તોય ઊભો વિશ્વને લેવા હું મારી બાથમાં
– રમેશ પારેખ

— with Vimal Mer.