#289, Pooja Patel, a mother to 110 specially abled children

By Faces of Rajkot, February 3, 2017

“ઘરે જઈને પંખા સાથે ઓઢણી બાંધીશ અને મારા બાળક સાથે લટકી જઈશ”

ડૉક્ટર પાસેથી પાછા ફરતી વખતે રડતાં રડતાં મનોમન નક્કી કરી લીધું હતું. ઘરે પહોંચીને પ્લાનિંગ મુજબ રૂમ લોક કરી ને પંખા સાથે ઓઢણી બાંધી પેહલા મારા બાળકને અને પછી મારા ગળામાં. ત્યાં ફોન રણક્યો, ડૉ. સીતારામન હતા સામે છેડે, મને પૂછ્યું બધું અને મેં કહ્યું કે બધું ખતમ થઇ ગયું અને હું મરવા જઈ રહી છું. ડૉ.સીતારામને મને કહ્યું કે, “મરવું છે? હું નહિ રોકું પણ, એક વખત મને મળી જ પછી નિરાંતે કરજે જે કરવું હોય તે.”

ડૉ.સીતારામને મારા બાળકને ઘરમાં લઈને મને બહાર કાઢી મૂકી અને કહ્યું જા હવે, આ બાળક તારી પરેશાની છે ને? મેં રાખી લીધો છે હવે કર તારે જે કરવું હોય તે. મારુ બાળક એપિલિપ્ટિક, ઑટિસ્ટિક અને મેન્ટલી ચેલેન્જડ છે જેમાં મગજનો વિકાસ એકદમ ધીમો હોય છે. થોડી વિનંતી પછી ડોક્ટરે મને ઘરમાં લીધી અને કહ્યું કે મરી જવું તો બહુ જ સહેલું છે, કોઈ પણ કરી લે અઘરું તો છે કૈક કરી છૂટવું, તારા બાળક માટે તે શું કર્યું છે? કાંઈ જ નહિ. કઈંક કરી બતાવ અને પછી જો ઠીક લાગે તો મારવાનો પ્લાન કર જે.

એક સામાન્ય બી.કોમ. કરેલી પટેલ પરિવારની વહુ હતી, જેને વર્ષે ઘરેણાં મળે, પૈસા મળે અને ડ્રાઈવર સાથે કાર મળે એટલે બસ જિંદગી પુરી. જયપુરમાં રહીને બી.એડ. કર્યું અને “ઉમંગ” નામની શાળામાં જે સ્પેશ્યલ બાળકોની નિશાળ છે તેમાં વાઇસ પ્રિન્સિપાલની પોસ્ટ સુધી પહોંચી. પછી મને થયું કે મારા વતન, રાજકોટમાં પણ આવી કોઈ નિશાળ હોવી જોઈએ અને મારે જ શરૂઆત કરવી જોઈએ. મારા લગ્ન જયપુરના સમૃધ્ધ પટેલ પરિવારમાં થયેલા, સાસુ સસરા અને પતિને મનાવીને 2012 માં રાજકોટ આવી, અહીં નાની સંસ્થા સ્થાપી આવા બાળકોને ભણવાનું શરુ કર્યું.

આજે હું પાછું વાળીને જોઉં છું ને તો મારી જાત પ્રત્યે મને માન થયા વિના નથી રહેતું. ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન, વિજય રૂપાણી , સલમાન ખાન અને બીજી અનેક હસ્તીઓ મારી સંસ્થાની મુલાકાત લઇ ગયા છે. કઈ કેટલાય એવોર્ડ મળ્યા છે. શરૂઆત 3 બાળકોથી અને એક રૂમથી થઇ હતી આજે મારી પાસે 110 બાળકો સાથે આ આખું બિલ્ડીંગ, ઇન્ફ્રાસ્ટ્રચર બધું જ છે. મારા બાળકો સામાન્ય બાળકની જેમજ ભણે છે, રમે છે.

હું પૂજા પટેલ, રાજકોટની દીકરી, આજે ગર્વથી માથું ઊંચું કરી ને મારા દીકરા સાથે નીકળું છું. ઘણીવાર લોકો મને પૂછે કે આ ખર્ચો કેવી રીતે નીકળે આવડી સંસ્થા ચાલવા માટે? ક્યારેક કોઈ ફંડિંગ મળે અને ના મળે તો મારા પૈસા ખર્ચીને સંસ્થાને જીવતી રાખીશ. મારા દીકરાને જો કોઈ પ્રાઇવેટ નિશાળમાં ભણાવતી હોત તો ખર્ચો લાગત કે નહિ? એમ માનીને હું મારા પૈસા આ સંસ્થામાં ઉમેરી દઉં છું.

લોકો મને સ્કૂલ, કોલેજ, સામાજિક સંસ્થા અને ધાર્મિક સ્થળોએ જાહેરમાં બોલવા માટે આમંત્રિત કરે છે. મેં ભગવદ્દ ગીતા, કુરાન, બાઇબલ અને બીજા અનેક ધર્મગ્રંથો વાંચ્યા છે જ્યાં ઈશ્વરનો ઉલ્લેખ છે. લોકો કહે છે ઈશ્વર તો અદ્રશ્ય છે કેમ વિશ્વાસ કરવો? ત્યારે હું કહું છું કે શ્રદ્ધા વાઈ ફાઈ જેવી હોય છે સાચો પાસવર્ડ નાંખો એટલે ઓટોમેટિક કનેકટ થઇ જશો. આ બાળકો કર્મવિહીન આત્માઓ છે, એમને કોઈ સારું ખરાબ ખબર નથી હોતી, એમનામાં કોઈ અપ્રમાણિકતા કે અનીતિ જોવા નહિ મળે. મને ભગવાને આવા બાળકો આપ્યા છે મતલબ કે મને એક સારી જવાબદારી સોંપી છે અને જ્યાં સુધી મારા શ્વાસમાં શ્વાસ છે ત્યાં સુધી હું તેને નિભાવીશ.

જો જનક જેવા આવીને હળ હાંકે
તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે,
સાવ અલગ જ તાસીર છે આ ભૂમિની
કે મહાભારત વાવો તો ગીતા નીકળે.
– કવિ દાદ