#293, Jyoti Unadkat
By Faces of Rajkot, February 23, 2017
Faces of Rajkot માટે વાત કરવાનું આવ્યું ત્યારે મન રાજકોટની ગલીઓમાં બાળપણને શોધવા ચાલ્યું ગયું. કેળવણી, સંસ્કાર, સમજ, નામથી માંડીને કેટકેટલીય સારી યાદો દિલોદિમાગ પર છવાઈ ગઈ. સરકારી સ્કૂલમાં અભ્યાસ અને બહુ ઓછી જરુરિયાતો વચ્ચે વીતાવેલું બેફિકરું બાળપણ. મજાની વાત એ છે કે, એ સમયે કંઈ જ ઓછું નહોતું લાગતું, રાજકુંવરી જેવી જિંદગી હતી.
સાયન્સ લાઈનમાં ઓછાં માર્કસ મળ્યાં અને સાયન્સ ગ્રેજ્યુએટ થઈ. વળી, ઓછાં માર્કસ આવ્યા અને ડબલ સાયન્સ ગ્રેજ્યુએશનની ડીગ્રી લીધી. એમ એસસી કેમેસ્ટ્રીમાં એડમિશન ન મળ્યું અને અકસ્માતે જર્નલિઝમમાં પ્રવેશ લીધો. એ પછી તો જિંદગીની આખી દિશા જ બદલાઈ ગઈ. 11-12મા ધોરણમાં જાડાં થોથાં વચ્ચે ક્યારેક નવલકથા અને મહાન લોકોની આત્મકથાનું પુસ્તક ઘૂસાડીને અભ્યાસનું વાંચવાનો ડોળ કરીને ચોરીછૂપીથી એ ઈતર વાંચન કરતી. જર્નલિઝમના અભ્યાસ બાદ ગુજરાત સમાચાર અને ત્યારબાદ ચિત્રલેખામાં ઈન્ટર્નશિપ કરી. પપ્પાને મારું જર્નલિઝમ કરવું જરાપણ ન ગમતું. એમને માટે તો નોકરી એટલે શિક્ષકની જ નોકરી. સૌથી સેફ. પણ આપણે માન્યા નહીં અને રાજકોટની ગલીઓમાં જે સપનાંઓ જાયાં હતાં એનાથી કંઈક જુદાં જ અને અણધાર્યા સપનાંઓ આકાર પામવા લાગ્યા અને સાકાર થવા લાગ્યા. પપ્પાને ગમતું નહીં, પણ એમની સાથે કામ કરતાં લોકો એમને પૂછતાં કે, આ ચિત્રલેખામાં જે નામ આવે છે જ્યોતિ રાવલ એ તમારી જ જ્યોતિ, રાવલભાઈ? રાવલભાઈએ જવાબ આપવો પડતો…. જો કે, એમને પસંદ ન હતું પણ મારી ઉપર જબરદસ્તી કરીને મને કદીય અટકાવી નથી.
એક યાદગાર પ્રસંગ છે. 1996ની સાલના દશેરા વિશેષાંકમાં ભૂપત બહારવટિયાની પત્ની તેજબાઈનો ઈન્ટરવ્યૂ મેં કર્યો હતો. આઝાદી પહેલાંના સમયમાં ભૂપત બહારવટિયાની ધાક હતી. એના માથે સરકારે ઈનામ જાહેર કર્યું હતું. એ પાકિસ્તાન ભાગી ગયેલો. એ પાકિસ્તાનમાં મર્યો અને વિધિ બધી અહીં થઈ. આ બધી વિગતો છપાઈને આવી ત્યારે મારાં પપ્પાએ આ આખો આર્ટિકલ મારાં અભણ દાદીમા દયાબહેનને વાંચીને સંભળાવ્યો હતો. આ મજાની યાદની જેપીજી ફાઈલ આજે પણ મનમાં સંગ્રહાયેલી છે.
કરિયરને કારણે અને જીવનસાથી કૃષ્ણકાંતની નોકરીને કારણે વડોદરા-સુરતમાં વસવાટ થયો. છેલ્લાં છ વર્ષથી અમદાવાદ રહીએ છીએ. રાજકોટની એક સામાન્ય પરિવારની દીકરી જે બે ફકરાની પૂરક માહિતી લખીને મોકલતી હતી, જેનું કોઈ વખત છપાય તો પણ રિરાઈટ થઈને છપાતું હતું તેની મજલ તંત્રીપદ સુધી પહોંચી. હજુ બે મહિના પહેલાં જ અભિયાન સાપ્તાહિકના તંત્રી તરીકે નોકરી મૂકી. પત્રકાર તરીકેની કરિયરમાં લગભગ આખા ગુજરાતમાં ફરીને રિપોર્ટીંગ કર્યું છે. ગોધરા કાંડ સમયે સાબરમતી એક્સપ્રેસના એસ-6 ડબ્બામાં પહોંચનારા બહુ ઓછાં પત્રકારોમાંની હું એક છું. રાજકોટના જ મિત્ર અને ફૂલછાબના તંત્રી કૌશિક મહેતા ગોધરા કાંડની વાત નીકળે ત્યારે હંમેશાં કહે કે, તું સૌથી વધુ ગોધરા ગઈ છો. કેટલી બધી હકીકતો તારી આંખોમાં અને યાદોમાં છૂપાયેલી છે એ શબ્દોમાં ઢાળ…
રાજકોટની ગલીઓમાં ઉછરેલાં બાળપણને કારણે આજે પણ રાજકોટ આવું ત્યારે દિલના તાર ઝણઝણી જાય છે. એ ભૂમિની ધૂળે મને ઘણું શીખવ્યું છે. હજુ પણ જિદંગીમાં શીખી જ રહી છું. અત્યારે www.khabarchhe.com માં અઠવાડિયે બે કૉલમ લખું છું. એકમેકનાં મન સુધી અને સર્જકના સાથીદાર. લેખન અને વાચનની દુનિયાએ ઘણું આપ્યું છે. મારી બે બુક પ્રસિદ્ધ થઈ ચૂકી છે, વાચા અને તારે મન મારે મન.
વાચકો છે તો કોઈ પણ લેખકનું અસ્તિત્વ છે. લેખનની દુનિયાએ ઘડી છે. સામેવાળા માણસની આંખ વાંચતા શીખવ્યું છે. હા, હું Face of Rajkot છું. કેમ કે, રાજકોટ મારી રગોમાં દોડે છે.
Related
Recent Comments