#294, Hitendra Joshi and Service Force

By Faces of Rajkot, March 2, 2017

“સમય છે?”

“ના. ઉતાવળ છે “

90s ની જનરેશનને યાદ હશે મુશળધાર વરસાદમાં પેટમાં આંટી ચડી જાય ત્યાં સુધી બજાજ સ્કૂટરને કીક મારી હોય. હવે તો નથી રહ્યા એ સ્કૂટર કે નથી રાજકોટમાં પડતો એવો વરસાદ. પરંતુ કોઈ વખત અનુભવ થયો છે કે બાઇકમાં પંચર પડી જાય પડી જાય કે પેટ્રોલ ખલાસ થઇ જાય ને બાઇકને હાથેથી ઘસડીને ગેરેજ કે પેટ્રોલ પંપ સુધી લઇ જવું પડ્યું હોય? મન જ જાણે કેમ કરી ને પહોંચ્યા હોઈએ. તડકો હોય કે વરસાદ હોય તો પછી મુશ્કેલીનું પૂછવું જ શું? પણ મુસીબતમાં પણ ધંધાની તક કાઢી લેવી એટલે રાજકોટ વાસી.

હિતેન્દ્ર જોશી, કાર માટે આવી સેવાઓ હોય છે કે રસ્તામાં ખરાબ થઇ જાય તો ગમે ત્યાંથી નંબર ડાયલ કરો ને મદદ હાજર, મધ્યમ વર્ગ તો વધુ બાઈક ચલાવે છે અને એમની મદદે તો કોઈ નથી આવતું કે નથી કોઈ સર્વિસ ઘરબેઠા મળતી. ઉપરાંત કોઈને મદદરૂપ થઈએ અને છતાંય કમાવા મળે તો પુણ્યનું ભાથું શું કામ ન બાંધુ? ખાસ કરીને જો કોઈ મહિલાનું સ્કૂટર બગડે તો એતો ઘેર ફોને કરે કે શું કરવું? તમારે તમારા બધાં જ કામ પડતા મૂકી ને પહેલા એ જોવું પડે છે. એવું જ કૈક વડીલ વર્ગનું છે એ લોકો બાઈકને ઘસડી શકે એવું તમે નહિ જોઈ શકો. મે એવું વિચાર્યું કે આ સર્વિસ હું આપીશ અને એ પણ કોઈ જાતની એક્સટ્રા ફી વિના. મદદ કરવાનો કોઈ ચાર્જ લઉં તો પુણ્યનું ભાથું તો એક બાજુ રહે ને મજબુરીનો ફાયદો ઉઠાવવાનાં પાપનાં પોટલાં બંધાય જાય. રાજકોટનું અન્ન છે રગોમાં, સાવ પાણી તો નથી. કોઈ પણ જગ્યાએથી ફોન કરો રાજકોટમાં અને 30 મિનિટમાં પહોંચવાની નહિ પણ તમને ફ્રી કરવાની જવાબદારી. જો કોઈ અગત્યનાં કામ માટે જવામાં મોડું થતું હોય તો અમે જ કસ્ટમરને ડ્રોપ અને પીકઅપ કરી લઈએ છીએ અને સામાન્ય ફોલ્ટ હોય તો તરત જ બાઈક રિપેર એકદમ સામાન્ય દરે કરી આપીએ છીએ. આ સામાન્ય દરમાં તમે તમારું બાઈક રીપેર થતું લાઈવ જોઈ શકો તમારાં સ્માર્ટફોન ઉપર, એવી પણ વ્યવસ્થા કોઈ પણ ચાર્જ વિના આપીએ છીએ જે તમને કોઈ બ્રાન્ડેડ સર્વિસ સ્ટેશન પણ નહિ આપે. પારદર્શક કામગીરી તમે જોઈ શકો કે કઈ વસ્તુ બદલી કે શું તકલીફ હતી એ જ અમારા વ્યવસાયનો હેતુ છે. રસ્તામાં જ શું કામ, ઘણીવાર તો એવું પણ બને કે ઘરેથી નીકળવા જઈએ ને બાઈક સ્ટાર્ટ જ ન થાય ત્યારે પણ અમે પહોંચી જઈએ અને બાઈક ઘરેથી વર્કશોપ અને વર્કશોપ થી ઘેર પહોંચાડવાની જવાબદારી ઉપરાંત તમને કહો તે જગ્યાએ લઇ જવાની જવાબદારી સુદ્ધા લઈએ છીએ.

10 રાજ્ય, 148 લોકેશન પર અમારી હાજરી છે અને અમારી સેવાઓનો લાભ લોકો લઇ રહ્યા છે. ઘણા લોકો વિચારે કે એમાં શું છે પણ જયારે અધવચ્ચે બાઈક અટકે અને આસપાસ કોઈ જ ગેરેજના હોય કે બંધ હોય ત્યારે મહત્વ સમજાય.

બીબીસી એ આ સર્વિસ ઉપર ડોકયુમેન્ટરી બનાવી છે અને હાર્વડ તથા ઇન્ડોનેશિયા યુનિવર્સિટીએ આ સર્વિસને એક કેસ સ્ટડી તરીકે નોંધ લીધી છે જે રાજકોટ અને રાજકોટવાસીઓ માટે ગર્વની વાત છે.

“હા, ખલીલ એવું કશું કરીએ સહુ ચોંકી ઉઠે,
થઇ શકે તો ચાલ પરપોટા માં ગોબો પાડીએ.”
-ખલિલ ધનતેજવી