“પપ્પા તમે જુઠ્ઠું બોલ્યા!”
મારી 6 વર્ષની કાજલે મારા મોં પર જ ચોપડાવી દીધું.
હિમાલય પર્વત ઉપર ચાર ધામની યાત્રા કરવી અને એ પણ 6 વર્ષની દીકરીને ઊંચકીને બહુ કઠણ છે. મેં માત્ર એને થોડું પર્વત પર ચાલવા માટે કહી દીધેલું કે જો તું ચાલીશ તો તને દિલ્હી ઢીંગલીઓના સંગ્રહાલયમાં લઇ જઈશ, ત્યાં દેશ વિદેશની ઢીંગલીઓ એક સાથે એક જ છત નીચે જોવા મળશે. અને એ માની ગઈ.
પણ, પોહચ્યાં ત્યારે સોમવાર હતો અને સોમવારે ડોલ્સ મ્યુઝિયમ બંધ હોય છે. મારી દીકરીએ તો મને સંભળાવી દીધું અને ઉપરથી રડવાનું શરુ, મેં કેહવા માટે કહી દીધું કે રાજકોટ જઈ ને તારા માટે હું એક ડોલ્સ મ્યુઝિયમ બનાવીશ જેથી તારા જેવી પરીઓને દિલ્હી સુધી ન આવવું પડે.
રાજકોટ પરત આવ્યાને કામમાં લાગી ગયા, મહિનાઓ વીતી ગયા અચાનક એક રાતે સૂતી વખતે મારી દીકરીએ મને કહ્યું કે પપ્પા તમે મ્યુઝિયમ ક્યારે બનાવશો? અને મને જાણે વીજળીનો તાર અડકી ગયા હોઈએ એવો ઝાટકો લાગ્યો. ફરીથી મારે જુઠ્ઠું નથી બનવું. પપ્પાઓની ઈજ્જત દાવ પર લાગી હતી.
મેં કહ્યું કે માત્ર એક દિવસ આપ પછી કામ શરુ કરીશ.
એક દિવસ પછી રોટરી કલબ ની મિટિંગમાં મેં આ પ્રસ્તાવ મુક્યો એ સાલ હતી 2000 ની. એક બે લોકોને બાદ કરતા બધાએ મારો વિચાર હસી કાઢ્યો. કોઈએ કહ્યું કે આપણી પાસે તો બજેટ જ નથી, કોઈએ કહ્યું કે ઢીંગલીઓના તે કઈ મ્યુઝયમ હોતા હશે? કોઈએ કહ્યું કે શક્ય જ નથી. મેં બધાને પૂછ્યું કે તમે શું આપી શકશો? એમને કહ્યું,” આશીર્વાદ”
“બસ એજ જોઈએ છે” એટલું કહી ને મિટિંગ પુરી કરી.
હવે તો શાખ ખરેખર દાવ પર લાગી હતી. અપને ત્યાં 5 રૂપિયાની ઢીંગલીઓ મળે પણ એ જોવા કોણ આવવાનું? દેશ -વિદેશની ઢીંગલીઓ માટે ઢગલો પૈસા જોઈએ અને સમય પણ. રોટરી ક્લબની ડાયરેક્ટરીમાંથી 12 લોકોને 12 દેશમાં ઇમેઇલ કર્યો અને મારો વિચાર જણાવ્યો. આપણા દેશના ભગવાને જાણે બીજા દેશોનાં ભગવાન સાથે મિટિંગ કરી હોય અને એમના દિલમાં રામ વસ્યા હોય એમ 12 માંથી 3 ક્લબ પાસેથી જવાબ મળ્યો, એમને મારો વિચાર પસંદ પડ્યો અને તેમણે પોતાના દેશની ઢીંગલીઓ મોકલી. પછી થોડી હિંમત આવી અને દરેક દેશનાં રોટરી ક્લબને અલગ ઇમેઇલ લખ્યા અને મારો વિચાર કહ્યો, કોઈએ આશા પણ નહિ કરી હોય એટલી ઝડપે 100 દેશોમાંથી 100 ઢીંગલીઓ આવી ગઈ રાજકોટ. આપણા જ લોકોએ જે આઈડિયા હસી કાઢ્યો હતો એ માટે પરદેશથી હસતી રમતી ઢીંગલીઓ સાબિત કરવા આવી કે કોઈ પણ વિચાર સામાન્ય નથી હોતો.
દરેક ઢીંગલી પાછળ એક સ્ટોરી છે. એક તો ૯૦ વર્ષનાં સ્કોટલેન્ડ દાદીમાંએ પાર્કિઝન્સ(ધ્રુજારી) હોવા છતાં ધ્રૂજતાં હાથે જાતે ઢીંગલી બનાવીને મોકલી. એમણે કહ્યું કે ધારું તો ખરીદીને પણ મોકલી શકાત પણ, આ તો સપનું છે કોઈનું એને તો જાત મહેનતથી જ પૂરું કરવાનું હોય. અને મારા પછી પણ લોકો મારી બનાવેલી ઢીંગલી જોઈને યાદ કરશે.
ડોલ્સ મ્યુઝિયમની બધી જ ડોલ્સ કોઈ સામાન્ય નથી કે તમેં બજારમાંથી ખરીદીને આપી દો, એ બધી જે તે દેશની પરંપરાગત ઢીંગલીઓ છે. જે તે દેશની ઓળખાણ છે. એવી જ એક ડોલ એક જર્મનીના ભાઈની દીકરી પાસે હતી, એમણે નક્કી કર્યું કે દીકરીને વાત કરશે પણ દીકરી જોડે બોલવાનાં સંબંધ નોહતા રહ્યાં, તે છતાં કંઈક કરી છૂટવાની ભાવના સાથે એણે દીકરીનો સંપર્ક કર્યો અને વાત કરી. દીકરીએ કહ્યું કે એ મારો રૂમ હતો એ કબાટમાં જ છે અને તમે આપી શકો છો. જયારે એ પિતાએ કબાટ ખોલીને જોયું તો એને એવી ઘણી બધી વસ્તુઓ જોવા મળી જેમાં લખ્યું હતું, “આઈ લવ માય ડેડ”. પિતાની આંખો નદી બની ગઈ, બધી જ ફરિયાદો ખળખળ વહી ગઈ માત્ર સેકેન્ડમાં અને રહ્યો નર્યો પ્રેમ. એ ઢીંગલી આવી પહોંચી રાજકોટ અને એ પિતાની ઢીંગલી આવી ગઈ એને ઘેર. માત્ર અને માત્ર લાગણીઓના જોરે બંધાયેલ આ મ્યુઝિયમ રાજકોટનું અમૂલ્ય ઘરેણું છે.
આ મોંઘેરા મેહમાનો તો દેશ-વિદેશથી આવી પહોંચ્યા, પણ હવે?
આટલી ઝડપે કામ થશે એવી તો આશા નહોતી, પણ હવે આ બધું રાખવું ક્યાં? પરદેશનાં લોકો મદદ કરે અને રાજકોટનું મોટું દિલ જોતું રહી જાય?
ન બને, એવાં જ મોટા દિલના રાજકોટનાં જબરા ચાહક, કલ્પકભાઈ મણિયારે એક પળનો પણ વિચાર કર્યા વિના રાજકોટના નગીના સમાન રોડ, યાજ્ઞિક રોડ ઉપર ૯૦૦૦ સ્કવેર ફિટનું નવું નક્કોર બિલ્ડીંગ આપી દીધું, આ તો થઇ દિલની વાત પણ અપને તો કહ્યું કે મોટું દિલ, જગ્યા ઉપરાંત ૫૦ લાખ રૂપિયા પણ આપ્યા. હવે આ થઇ રાજકોટનાં મોટા દિલ ની વાત.
૨૪ જુલાઈ ૨૦૦૫ ના રોજ રાજકોટ ડોલ્સ મ્યુઝિયમનું જનતા માટે ખુલ્લું મુકાયું . સૌ કોઈ ખુશ હતા, પણ સૌથી ખુશ કોણ? મારી કાજલ, મારી મોટી દીકરી નૂપુરે કહ્યું કે પપ્પા તમે કાજલ માટે મ્યુઝિયમ બનાવ્યું મારે માટે કાંઈ નહિ? મેં મારી પત્ની, મીનાક્ષી સામે જોઈ ને કહ્યું, “ભગવાનનો પાડ માન કે આ બે જ દીકરીઓ આપી”.
Recent Comments