અમે રાખમાંથીયે બેઠા થવાના,જલાવો તમે તોય જીવી જવાનાં ,
ભલે જળ ન સીંચો તમે તેમ છતાંય, અમે ભીંત ફાડીને ઉગી જવાના.
દુનિયાની સર્વોત્તમ ચીજો નથી દેખાતી કે નથી અડકી શકાતી પણ, માત્ર અનુભવી શકાય છે. જન્મી ત્યારે નામ અપાયું “ધ્વનિ”, જાણે નામ સાર્થક કરવા આવી હોય એમ નિશાળેથી પાછી ફરું તો હાર્મોનિયમ પર બધી પ્રાર્થનાઓ વગાડીને સંભળાવતી. ઉંમર હતી 2 વર્ષ.
હું આંખની તકલીફ સાથે જન્મેલી, દિવસે સરખું ના દેખાય, અને અંધારામાં ઓછું દેખાય. બે વર્ષની છોકરીને કેમ સમજાવશો કે શું તકલીફ છે? પણ, મારા નાના બાપુની સલાહ પ્રમાણે મમ્મી મને સુમન મંગેશકરના સંગીત ક્લાસીસમાં લઇ જાય. ત્યાં હું સંગીત શીખતી. ચંદુભાઈ રાઠોડ ત્યાં બાળગીતો ગવડાવે અને હું એને સૂરમાં ઝીલતી. પપ્પાએ ઘૂંઘરું લઇ આપેલા,એ પહેરીને ગીતો ગાતી ક્લાસીસમાં પાપા પગલી કરતી તાલ અને સુર બંને શીખી.
જોઈ શકતા હોય અને ના જોઈ શકતા હોય એના કરતાં કફોડી સ્થિતિ ઓછું દેખાય એમની હોય છે. ક્યારેક રંગ ના પારખાય , ક્યારેક એક ની બદલે બીજું દેખાય અને આગળ વધવામાં મુશ્કેલીઓ નડે. પિયૂબેન જે પ્રિન્સિપાલ છે આજ સંસ્થાનાં એ મારા જીવનમાં ભગવાન બની આવ્યા. એમણે ખુબ સહજતાથી અને ધીરજપૂર્વક મને વિશારદથી અલંકાર સુધીની તાલીમ આપી અને હું પણ જાણે એમનાં જોશ સાથે કદમ મિલાવતી બધી જ પરીક્ષાઓ વિશેષ યોગ્યતા સાથે પાસ કરતી ગઈ. આજે સૌરાષ્ટ્ર યુનિવર્સટીમાં અંગ્રેજીની પ્રોફેસર છું અને પી.એચ.ડી. પણ કરું છું. ઓલઇન્ડિયા રેડીઓની રેડીઓ આર્ટિસ્ટ છું અને બાલસભા, અડકોદડકો, યુવ વાણી જેવા કાર્યક્રમો કર્યાં છે. ટીવી પર પણ અનેક પ્રોગ્રામો કર્યાં છે. આમાં કોણ કહેશે કે દેખવું જરૂરી છે અને એના વિના જીવન અટકી જાય! એ તો બસ વહેતુ રહે છે એની મેળે, ખાલી હલેસાં મારવાનું છોડશો નહિ.
શહેર, રાજ્ય અને નેશનલ લેવેલે ઘણાં ઇનામો અને સ્પર્ધાઓ જીતીને રાજકોટનું નામ રોશન કર્યું છે. પપ્પા વ્યવસાયે ડોક્ટર છે પણ બધી વ્યવસ્તતા વચ્ચે એમને મારી આ સંગીતમય સફરમાં સાથ આપ્યો એટલો જ સાથ મારા મમ્મી અને ભાઈનો. મોસાળ, મિત્રો, સ્કૂલ શિક્ષકો બધાએ એટલી પ્રોત્સાહિત કરી છે કે આંખની કમી તો મને ના બરાબર લાગી. જાણે મારી સેંકડો આંખો હોય એવો અનુભવ મને કરાવ્યો છે.
Recent Comments