#300, Mrs Sharadaben Rao

By Faces of Rajkot, April 17, 2017

“એ હું જ હેમુ ગઢવી”

“પણ તું તો મારી પાછળ બેસીને ટાઈમ કીપિંગ કરતો!!!!”

બધાં ખડખડાટ હસી પડ્યા ને હું બાઘાની જેમ જોઈ રહી કે મોટા લોકો કેટલા સહજ હોય છે!

વાત છે 1960 ના દશક ની. હું ઓલ ઇન્ડિયા રેડીઓમાં પ્રોગ્રામ આપતી અને ત્યારે સમય બતાવા માટે એક માણસ ને બેસાડતા બાજુમાં કે હવે શરુ કરો, છેલ્લી 10 મિનિટ બાકી, પાંચ મિનિટ બાકી, હવે પૂરું કરો એવું જણાવા માટે. થોડા સમય બાદ હું મીઠાપુર રહેતી ત્યારે ત્યાં હેમુ ગઢવીનો કાર્યક્રમ હતો, એ તો બહુ મોટી હસ્તી એટલે મેં આગ્રહ કરેલો કે મારે ઘેર આવે, બધાં ઘેર આવ્યા ને મેં આ છોકરાને પૂછ્યું કે હેમુ ગઢવી ક્યાં? કારણ કે આ છોકરો જયારે હું રેડીઓમાં ગાતી હોવ ત્યારે મારી બાજુમાં બેસીને ટાઈમ કીપિંગ કરતો. ખબર પડી કે એજ હેમુ ગઢવી છે.

14 વર્ષની હતી ત્યારથી ઓલ ઇન્ડિયા રેડીઓમાં કામ કરતી થઇ, એ સમયે રેડીઓ બઉ મહત્વનું સાધન હતું, 50 ના દશકની છે. રેડીઓમાં કામ મળવું એ સરળ નોહ્તું અને રેકોર્ડિંગની સુવિધા પણ નોહતી તમે હાજર હોવ તો જ કાર્યક્રમ થાય નહીંતર ના થાય. એની પણ અલગ મજા અલગ હતી. દરેક સિંગર, કલાકાર ઓલ ઇન્ડિયા રેડીઓથી જ આગળ આવતો કારણ કે ત્યારે ટી.વી. કે બીજું કોઈ માધ્યમ તો હતું નહિ. નેશનલ કોન્સર્ટ જે ઓલ ઇન્ડિયા રેડીઓનું સર્વોચ્ચ સન્માન છે એ 2 વખત મળ્યું છે, ગૌરવ પુરસ્કાર જે ગુજરાતનો સાહિત્ય ક્ષેત્રે સર્વોત્તમ છે એ અને ઉપરાંત ઘણા એવોર્ડ મળ્યા છે.

ખાલી રેડીઓ જ નહિ પણ ગંધર્વ મહા વિદ્યાલયમાં 500 થી વધુ બાળકોને કોઈ ફી લીધા વગર શાસ્ત્રીય સંગીત શીખવતી, લોકો ત્યારથી “અમ્મા” કહીને બોલાવતાં આમ તો નામ શ્રીમતી.શારદા રાવ છે પણ “અમ્મા” જાણે ફાવી ગયું છે. આજે 80 વર્ષની ઉંમરે રોજ 10 કિલોમીટર ચાલુ છું , યોગ કરું છું, 2 કલાક રિયાઝ પણ કરું છું અને શાસ્ત્રીય સંગીત આજે પણ ફ્રીમાં શીખવું છું. કલાની કોઈ કિંમત નથી હોતી અને જો શારદા થઇ ને સંગીતનો વ્યવસાય કરું તો લોકોનો કલા અને કલાકાર પરથી વિશ્વાસ ઉઠી જાય. આકાશની ઝંખના હોય ત્યાં દીવાલને છત ક્યાં બાંધવી!

ધીમે ધીમે વૃદ્ધિ પામી વૃધ્ધ થા,કાં પછી સવઁસવ ત્યાગી બુધ્ધ થા,
સ્નાન હો ધરમાં કે હો ગંગા તટે, છે શરત એક જ ભીતર થી શુધ્ધ થા..

— with Rima Desai Rao and Shrinivas Rao.