#302, Jaladhi Vachhrajani

By Faces of Rajkot, April 29, 2017

જન્મતાંની સાથે જ એક્સરે કરવો પડ્યો, જાણવાં મળ્યું કે બાળકીને જુદી જુદી જગ્યાએ દસ થી બાર ફ્રેક્ચર છે. જન્મ સાથે મુશ્કેલીઓનો સામનો કરવાનું ગળથુથીમાં લાવેલી જલધિ વછરાજાની. રાજકોટનાં બાહોશ ડો.અરુણ રીંડાણી સાહેબે નિદાન કર્યું Osteogenesis imperfecta એટલે કે બરડ હાડકાંનો રોગ. નાની બાળકીને જરા અમથી ઉંચકોને હાડકું ભાંગે, પીડા થાય. જેનું હાડકું ભાંગ્યું હોય એનું દર્દ એને જ ખબર પડે. પણ, આ તો તાજી જન્મેલી બાળકી.

 

1992 ની સાલ, વિજયભાઈ અને માલાબેન વછરાજાનીને ઘેર અસાધ્ય રોગ સાથે દીકરી જન્મી, નામ એનું જલધિ. અસાધ્ય રોગ પણ હિંમત તો સાધ્ય જ હોય. દસ-બાર ફ્રેક્ચર સાથે શરુ થયું જલધિનું જીવન. મહામુશ્કેલીથી મોટી કરી, નિશાળે મોકલી, સૂતા સૂતા ભણે પણ અદભુત યાદશક્તિ. થોડી મોટી થઇ એટલે ડો. રીંડાણી સાહેબે ઓપેરશન કરીને સળિયા બેસાડી વાંકા હાથપગને મજબૂતી આપી. અપાર વેદના વેઠીને પણ આ છોકરી અદ્ભુત હસતી રહેતી.

અચાનક જ વિજયભાઈ, જલધિના પિતાનું અવસાન થઇ ગયું અને મુશ્કેલીનો વાવંટોળ ચક્રવાતનું સ્વરૂપ લઇ લીધું. જલધિની માતા માલાબેન અને બહેન દ્રષ્ટિએ અસામન્ય હિમંતથી કામ લીધું અને જલધિનું ભણવાનું ચાલુ રાખ્યું. પડખું પણ ના ફરી શકતી જલધિ માત્ર એક જ હાથ હલાવી શકતી અને એને લાકડાના પાટિયા ઉપર પરીક્ષા આપવા લઇ જતા. જલધિ ધોરણ 10 માં 78% અને ઘોરણ 12 માં 67% સાથે ઉતીર્ણ થઇ. BCA કર્યું અને એમાં પણ પ્રથમ સ્થાને પાસ થતી આવી. ઓનલાઇન બિલ, બેન્કિંગ જેવા અગત્યના કામો જલધિ ચપટી વગાડતાં જ કરી નાખે છે. એક હાથે મોબાઈલ અને લાકડીની મદદથી લેપટોપ ઓપેરેટ કરે છે. સોશિઅલ નેટવર્ક અને વૉટ્સઅપથી દેશ દુનિયા સાથે જોડાઈ રહે છે.

 

મારી સાથે ભણતા ઘણાં નબીરાઓને બહુ અઘરું છે એમ કહીને કોલેજ છોડી દેતા, સાંજે પાનના ગલ્લે ગુટખાની પિચકારીઓ કરતાં જોઉં ત્યારે જલધિને શત શત નમન મનોમન થઇ જાય છે.

 

અલગ અમ જિંદગીથી આપને ગણતા નથી હોતા !
નદીને અવગણે એવા કોઈ દરિયા નથી હોતા !

 

કોઈ એવું નથી જેના જીવનમાં હોય ના ખામી !
કોઈ એવા નથી રસ્તા કે જ્યાં ખાડા નથી હોતાં !

 

— with Kalyani Anjaria Vachhrajani, Jaldhi Vijaybhai Vachhrajani, Kunj Vachhrajani, Dhwani Vachhrajani and Dr.Vibhakar R. Vachhrajani.