#304, Minal Sampat, ISRO and Mangalyan

By Faces of Rajkot, May 14, 2017

રાજકોટનાં ગાંઠિયા કે ચીકી ફેમસ છે એમ કહેશુ તો ખરેખર મોટી ભૂલ છે.
 
મોન્ટેક સિંહ આહલુવાલિયાએ પૂછ્યું કે તમે કઈ IITમાંથી એન્જિનિયરીંગ કર્યું છે? ત્યારે એમના સહકર્મચારીએ કીધું કે એતો ગુજરાતના નાના શહેરમાંથી આવેલી છોકરી છે.
 
આ વાત છે ઈસરો ના મીનલ સંપત ની. ઇસરોના મંગળયાન મિશનમાં અદ્ભૂત કામગીરી બજાવનાર રાજકોટની દીકરીની.
 
એક દિવસ અચાનક જ ઈસરો એ મંગળયાન લોન્ચિંગની જાહેરાત કરી દીધી. માત્ર 18 મહિનાનો સમય અને એ પણ કોઈ જાતની તૈયારી વિના. આવા સંજોગોમાં, નીચું માથું કરીને દિવસ રાત એક કરી નાંખ્યા, શનિ-રવિ અને અન્ય રજા તો ક્યારે આવે ને જાય એનો તો કોઈ અંદાજ પણ નહિ. ક્યારેક તો સ્ત્રી છે કે પુરુષ એ પણ ભુલાવી દે એટલી વ્યસ્તતામાં જરૂર પડે તો રોજનાં 16-18 કલાક કામ કર્યું. એ અગાઉ ક્યારેય ઈસરો સોશિઅલ મીડિયામાં કોઈ જ પોસ્ટ નહોતું કરતું , આપણને તો જાણવા પણ ન મળે કે અંદર શું ચાલી રહ્યું છે, પણ, મંગળયાન લોન્ચિંગ વખતે આખી દુનિયાને ખબર હતી અને છાતી ઠોકીને સરેઆમ મિશન સફળ બનાવ્યું. આંગળીને વેઢે ગણી લો એટલા દેશો જ્યાં મંગળ સુધી પહોંચવાનું વિચારી શક્યા છે અને એમાંય અડધાથી વધુ નિષ્ફળ રહી ચુક્યા છે, એવામાં ભારત પહેલીજ વખતમાં મંગળયાનનાં મિશનમાં સફળ રહ્યું એ ખરેખર અદ્ભૂત સિદ્ધિ હતી.
 
450 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ હતો અને એ પણ ભારત જેવા દેશ માટે, થોડું અઘરું પડે સમજાવવું કે જ્યાં લોકો ભૂખ્યા સુવે છે એ દેશને એટલા રૂપિયા કેમ પરવડે? ત્યારે મીનલ કહે છે કે આ દેશ જ સપનાનો છે. જો તમે સપના નહિ જુવો તો સિદ્ધિ કેવી રીતે મળશે? ભલે 450 કરોડ રૂપિયામાં એક રોટલીનો ટુકડો પણ ન ખરીદી શકાયો, પણ જે સફળતા મળી છે એનાથી દરેક ભારતીય ગર્વ લે છે અને એ મિશન દરેક માટે પ્રેરણાસ્ત્રોત છે કે કોઈ પણ દેશ કે કોઈ પણ વ્યક્તિ સામાન્ય નથી હોતી. અને જે દેશ કોઈ બાહુબલી જેવી ફિલ્મ માટે 1000 કરોડ ખર્ચી શકે એને ગરીબ કેહવો એ મુર્ખામી નહિ તો બીજું શું?
 
તમારા અને મારા જેવા સામાન્ય ઘરમાં જન્મેલી મીનલ એક આદર્શ દીકરી, પત્ની, વહુ અને મા છે. કોઈ પૈસાદાર કે વગદાર ઘર નહિ પરંતુ જાતમહેનત અને સખત પરિશ્રમથી આજે રાજકોટનું નાક ઊંચું કરીને આકાશને આંબતું કર્યું છે. “યંગ સાયન્ટિસ્ટ ઓફ ઇસરો” નું માનપાત્ર સન્માન મેળવ્યું છે અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી ડૉ અબ્દુલ કલામ સાથે પણ મુલાકાત કરી છે. અમદાવાદની નિરમા કોલેજમાંથી એન્જીનિયરિંગ પૂરું કર્યા પહેલાજ ઈસરોની ભરતીનું ફોર્મ ભરેલું અને ઇન્ટરવ્યૂ પાસ કરેલું. ઈસરોની સાથે ઇન્ડિયન આર્મીમાંથી પણ કોલ લેટર આવેલો પણ, નસીબ શાયદ આકાશમાં ચમકવાનું હતું એટલે ઇસરોમાં શરૂઆત કરી. એ પણ અલગ રીતના સૈનિકો છે જે ટેક્નોલોજીથી લડે છે. ઈસરોની આસપાસ જવું પણ જ્યાં સામાન્ય માણસ માટે મુશ્કેલ છે એવામાં જો મંગળયાન મિશનમાં મહત્વનો ભાગ બનવાનો મોકો મળ્યો હોય તો એનાં જેવી ગર્વ લેવા જેવી બીજી કઈ વાત હોય?
 
MBA કે એન્જીયર થયા પછી બાપાનાં ધંધામાં જોડાઈ જતા કે પરણીને સાંજે શાકભાજી લેવાજતા ભાઈઓ અને બહેનોએ એક વાર મિનલબેનની ઉપલબ્ધિઓ વિષે વિચાર કરીને શીખ લેવા જેવી ખરી.
 
સૂરજ વિના અમારે કરવી હતી સવારો,
અમથા સમયની માથે કરતા નથી પ્રહારો.