#306, Allarakha Khan and his honesty

By Faces of Rajkot, May 28, 2017

યા તો હમેં મુકમ્મલ ચાલાકિયાઁ સિખાઈ જાયે,
નહીં તો માસૂમોં કી અલગ બસ્તિયાં બસાઈ જાયે.

 

રસ્તામાં  કોઈ દિવસ ૧૦૦ રૂપિયાની નોટ મળે તો કેટલો આનંદ થાય? ભલે ને હજારો રૂપિયાની આવક હોય તો પણ ૧૦૦ રૂપિયા મળ્યાનો આનંદ લાખ જેવો લાગે. પણ ૭૦ હજાર રૂપિયા મળે તો આનંદ કેટલો થાય? અને એમ કહું કે સિતેર હજાર અને ઉપરથી ૧૧ તોલા સોનું મળે તો કેટલો આનંદ થવો જોઈએ?

 

“જરાય નહિ”
“ઉલ્ટાનું દુઃખ થાય કે જેના ખોવાયા હશે એની હાલત કેવી હશે “

આ જવાબ છે રાજકોટના સામાન્ય રીક્ષા ચાલકનો. સિતેર હજાર રૂપિયા અને ૧૧ તોલા સોનું ભરેલું પાકીટ કોઈ અલ્લારખાં ખાનની રિક્ષામાં ભૂલી ગયું.

રાતભર રીક્ષા ચલાવ્યા બાદ નજર પડી પણ એ કોનું હોય કેમ ખબર? એડ્રેસ હતું પણ વાંચતા નહોતું આવડતું અને આટલા રૂપિયા અને સોનું લઈને કોઈ ને અડ્રેસ બતાવીયે તો પણ તકલીફ. અલ્લારખાં ભાઈ એ ઘેર જઈને એમની પત્નીને વાત કરી.

એક ગરીબ પરિવાર, રીક્ષા ચલાવી ગુજરાન કરે, ૨ દીકરા અને ૨ દીકરી આટલી માલમત્તા જોઈને શું કેહવું જોઈએ એમની પત્નીએ?

“અત્યારે જ પાછું આપી એવો જેનું હોય એને અને પછી ઘરે આવજો” અલ્લારખાં ખાન માટે આ કોઈ નવાઈની વાત નહોતી. એમની પત્નીએ કહ્યું કે જે કોઈ ભૂલી ગયું હશે એમની હાલત હું સમજી શકું છું અને જો એ કોઈ સ્ત્રી હશે તો એનાં ઘરનાં એમને શું કહેતા હશે મને એની ફિકર છે.

અલ્લારખાં ખાન જ્યાં જ્યાં પેસેન્જર્સને ઉતારેલા ત્યાં ત્યાં જઈ ને તપાસ કરી, ત્યાંના રિક્ષાવાળા ભાઈઓને એમના ફોન નમ્બર આપીને કીધું કે કોઈ પોતાની બેગ શોધતું આવે તો ફોન કરજો. અને માધાપર ચોકડી પાસેથી એક ભાઈનો ફોન આવ્યો અને કહ્યું કે કાકા તમને કોઈ બેગ મળી છે?

અલ્લારખાં ભાઈ ત્યાં ગયા અને એમને ખાતરી કરી ને પોતાને ઘેર લઇ આવ્યા અને એમની અમાનત એમને સોંપી. એ ભાઈ અલ્લારખાં ભાઈને પોતાને ઘેર લઇ ગયા અને એમનું સન્માન કર્યું અને કહ્યું કે આ બેગમાંથી તમને પૈસા કે સોનું જે જોઈએ એ લઇ લો. પણ, સાહેબ, ઈમાનદારીની કિંમત એમ ક્યાં અંકાય છે? રાખવું જ હોત તો પાછું શું કામ આપત અને મૂળ માલિકને શોધવામાં પૈસા અને સમય શું કામ બગાડત! ખુદાની રહેમતથી ઘર ચાલે છે અને ભૂખ્યાં નથી રેહવું પડતું તો પછી અણહકનું શાને લેવું? એમ કહીને એમણે સવિનય ના પાડી. નસીબમાં હશે તો ગમે ત્યાંથી આવી જશે અને જો નસીબમાં હોય જ નહિ તો પછી અફસોસ શેનો?

 

આ પતિ પત્નીની ઈમાનદારી ઉપર રાજકોટ વારી જવાય. પાંચે આંગળીઓ સરખી નથી હોતી પણ, જે આંગળીએ હીરો ધારણ કર્યો હોય એ સર્વોચ્ચ છે.

 

માંગરોળથી રાજકોટ આવીને વસેલા અલ્લારખાં ભાઈ અને એમના પરિવારને રાજકોટે રોટલો અને ઓટલો આપ્યા તો એમણે પણ ઋણ અદા કર્યું.