#307, Uttam Maru, A wonderboy
By Faces of Rajkot, June 4, 2017
“આ બાળકને ઈન્જેકશન મૂકીને હંમેશા માટે શાંત કરી દઈએ”
ડોકટરે મારા પૌત્રને હાથમાં આપતા કહ્યું.
મારું હૃદય તો ધબકારો ચુકી ગયું. “પણ શું કામ?”
“બાળક જન્મથી જ અંધ, બહેરું છે, હોઠ નથી, તાળવું નથી, એના નાના અને મોટા મગજનો વિકાસ થયો, તમારે જીંદગીભર એનો ભાર ઉપાડવો પડશે અને એક સમયે કંટાળી જશો. માટે કહું છું કે બાળકને શાંત કરી દઈએ એ પણ છૂટે અને તમે પણ.”
મેં કહ્યું કે, ભગવાને જો આ બાળકને મારે ત્યાં મોકલ્યું છે તો જરૂર કંઇક આશય હશે, એમજ તો ન મોકલે. માટે જો હું ભગવાને આપેલી વસ્તુનો અનાદર કરું તો ભગવાન ક્યારેય ન રીઝે.
બાળક નું નામ ઉત્તમ રાખ્યું અને દાદાએ એની પાછળ મેહનત કરવા કમર કસી લીધી. હમણાં ઉત્તમનું દસમાનું રિઝલ્ટ આવ્યું, 76.40% સાથે પાસ થયો છે. કેટલાંય નાના મોટા ઓપેરશન પછી એ બોલતો થયો અને આજે ગીતાના 700 શ્લોકો અધ્યાય નંબર સાથે અને હ્રસ્વઈ દીર્ઘઇ ના સ્પષ્ટ ઉચ્ચારણ સાથે બોલે છે. તમારાં મારા જેવાને તો યાદ પણ ન રહે અને આ બાળકનું સ્પષ્ટ ઉચ્ચારણ જોઈને ઘણા લોકો મોઢામાં આંગળા નાખી ગયા છે. ખાલી ભગવદ્દ ગીતા જ નહિ બીજા અનેક ગ્રંથોના શ્લોક એ કડકાડટ બોલે છે. કોઈ પણ સંગીત વગાડો તો એનો રાગ, તાલ, સ્વર બધું કહી દે. જે ગીતો ગાવાની સારા સારા ગાયકો ના પડી દે એવા ગીતો ઉત્તમ પરફેક્ટ તાલ અને લયબદ્ધ રીતે ગાઈ બતાવે છે.
ભારતનો બાળકો માટેનો સર્વોચ્ચ એવોર્ડ, બાલશ્રી, અને બીજા અનેક એવોર્ડથી ઘરનો ઓરડો ભરાતો જાય છે અને આજે એના કુટુંબીઓ એના પર ગર્વ લે છે. કદાચ એક સામાન્ય બાળક આટલી સિદ્ધિ ના હાંસિલ કરે એટલી સિદ્ધિ આ અસામાન્ય અદ્ભૂત ઉત્તમે મેળવી છે. અથાગ મેહનત અને કોઈ પણ જાતના કાંટાળા વિના સતત પ્રયત્નશીલ રહીને દાદા, માતાપિતા અને બીજા લોકો એ ઉત્તમ સાથે મેહનત કરી છે એ દાદ માંગી લે છે.
જે ડોક્ટરે ઇંજેશન મુકવાની સલાહ આપેલી એમને કદાચ દસમામાં એટલા પરસન્ટેજ નહોતા આવ્યા કે નથી એમને કોઈ શ્લોક આવડતા, એમની આવડત કોઈ બીજા ક્ષેત્રમાં છે પણ ઉત્તમે એમને ખોટા પુરવાર કરી બતાવ્યા. ડોક્ટરે કંઈક સારું વિચારીને જ કહ્યું હશે પણ, ભવિષ્યના ગર્ભમાં શું સંતાયેલું છે એ તમે જાણી લો તો ભગવાનને કોણ માને?
ઉત્તમની સિદ્ધિઓ અટકવાનું નામ નથી લેતી, જો તમે એક વાર આ બાળકને મળો અને હાથ સલામ કર્યા વિના ના રહે એની ગેરેન્ટી.
માણસની આંખે જોયો છે કેવળ પાણા જેવો ઈશ્વર
પંખીની આંખે તો જોયો ઘઉંના દાણા જેવો ઈશ્વર
ઉત્તમ વિષે અગાઉ પણ અમે લખી ચૂક્યા છીઍ. અહીં જુઓ… https://goo.gl/3RiEOB
Related
Recent Comments