#310, Dinesh Tilva

By Faces of Rajkot, June 25, 2017

આજે સામાન્ય ભણેલ વ્યક્તિ પણ મોબાઇલ ચલાવી લે છે અને વૉટ્સએપ જેવી એપ્લિકેશન યુઝ કરી જાણે છે. પણ, દિનેશભાઇ ટીલવા થોડા અલગ તરી આવે ખરા.

 

રાજકોટમાં ડી ટી.પી. આવ્યું એ પહેલા લેટ્રાસેટ (ફોન્ટ કેટલોગ) ચાલતું જેનાથી વિઝિટિંગ કાર્ડ, કંકોત્રી કે કેટલોગ બનતાં. એ વખતે 100 રૂપિયાની બુક આવતી અને મારી પાસે ફક્ત 5 રૂપિયા જ હતા, ભાઈબંધ દોસ્તારો પાસેથી ઉછીના લઇ ને મુંબઈથી બુક ખરીદી અને એની કોપી કઢાવીને બધાને વહેંચી જેથી બધાને લાભ મળે. એ જમાનામાં આજના જેવી ફેસિલિટી નહોતી અને મોટા ભાગનું કામ હાથથી જ થતું અને સચોટ થતું. માત્ર 10 ધોરણ ભણેલ છું પરંતુ કોમ્પ્યુટર, પ્રિન્ટિંગ, ફેસબૂક બધું જ ચલાવી જાણું. રાજનીતિ, બજેટ, મોંઘવારી, આઝાદી, ઇન્ડિયા પાકિસ્તાન વિવાદ, નર્મદા યોજના કે વિદેશનીતિ કંઈપણ વિષય ઉપર ચર્ચા કરી જાણું. ભણતરથી બધું નથી આવડી જતું ગણતર જરૂરી છે. મારી પત્ની આર્કીટેક છે દીકરી એનિમેશન અને દીકરો સોફ્ટવેરમાં છે તો હું શાને પાછળ રહું ?

 

દેશ દુનિયાની બધી ખબરો યૂટ્યૂબ, સોશિયલ મીડિયા કે ગુગલ ઉપર જોઉં છું અને સમજવાનો પ્રયત્ન કરું. ભારતના ઇતિહાસ ઉપર પણ ઘણું રિસર્ચ કરેલું છે અને પી.એચ.ડી. ના વિદ્યાર્થીઓને સાહિત્ય રિસર્ચમાં પણ મદદ કરું, ઘણીવાર એવું બને કે કોઈને અલગ જ વિષય પર લખવું હોય પણ એના માટે કોઈ માહિતી ઉપ્લબ્ધના હોય તો પણ હું એમને માહિતી, સચોટ અને સાચી, પુરી પાડું.

 

ભણવું ખુબ જરૂરી છે, જેથી તમે કોઈ જગ્યાએ અટકો નહિ પરંતુ ગણતર ઉપર પણ ભાર દેવો જરૂરી છે. ખાલી અંગ્રેજી અખબાર વાંચી જવાથી જ્ઞાન નથી મળતું પણ એ લખાણ પાછળનું સત્ય સમજી શકો ત્યારે ભણતર પૂર્ણ થયું ગણાય.

 

વાવ્યા’તા સૂર્યમુખી ને ઉગ્યાં ચોમાસાં,
છતે પાણીએ હવે કરમાય છે આંખો.
ઉજાગરા સમી જીન્દગી વેઠવી ક્યાં સુધી,
મરજી મુજબ ક્યાં બીડાય છે આંખો?