#313, Giraben Pandya, Raj’s mother
By Faces of Rajkot, July 16, 2017
મારું નામ “રાજ ની મમ્મી”.
એજ મારી ઓળખ અને એજ મારુ નામ. બધાં મને એજ નામથી બોલાવે. ગીરા પંડ્યા શાયદ જ કોઈ ને યાદ હોય.
2008માં રાજનો જન્મ ફોર્સેપ ડિલિવરીથી થયો અને એના લીધે એની એક આંખ બંધ હતી.
અંગત કારણોસર હું અને મારા પતિ અલગ થઇ ગયા અને રાજ ની તમામ જવાબદારી મારા ઉપર આવી પડી. હું પી.જી.વી.સી.એલ. માં નોકરી કરું છું.
રાજની હાલત દિવસે દિવસે ખરાબ થતી ગઈ એને તાત્કાલિક અમદાવાદ, મુંબઈ, હૈદ્રાબાદ, ચેન્નાઇ જેવી જગ્યા એ લઇ જવો પડ્યો. કોઈ વાર કોઈ સાતેહ હોય કોઈ વાર રાજ અને હું. ટ્રેનમાં સારી સીટ મળે ના મળે. અજાણ્યા શહેરમાં અજાણ્યા લોકો, ડોકટરો અને પાર વગરની સારવાર.
થાક શું કહેવાય એવું તો વિચારવાનો પણ ખ્યાલ ના આવે. સવારે દરરોજ રાજને ફિઝિયોથેરાપિસ્ટ પાસે 2 કલાક લઇ જવો પડે પછી 10 વાગે જોબ પર, બપોરે રીસેસના સમયે આવીને રાજને જમાડવું, દવા આપવી અને દોડીને પાછું નોકરીએ જવું. ક્યારેક લંચ કરવાનો સમય મળે ક્યારેક પાણી પી ને દોડવું પડે.
હૈદ્રાબાદના ધક્કા, ભારે દવાના ડોઝ મારી સાથે રાજની નર્વસ સિસ્ટમ ઉપર પણ અસર કરતા ગયા. એને એલીપ્સીના એટેક સારું થયા. મુશ્કેલીઓ થમવાનું નામ નથી લેતી. એક પગ નોકરીમાં એક પગ હોસ્પિટલમાં અને ઉપર થી ડિવોર્સ માટે કોર્ટના ધક્કા. ચક્કીમાં દાણો પિસાતો જોયો છે? કંઈક એવી હાલત હતી મારી.
રાજને નિશાળે મોકલવાનો સમય આવ્યો તો સ્કૂલવાળા એ ચોખ્ખું પરખાવી દીધું કે રાજને મેન્ટલી રીટાર્ડેડ સ્કૂલમાં મૂકી દો. મારા કાળજા ઉપર તો કરવત ચાલી ગઈ એ સાંભળીને. તમે મારા ઘાવને મલમ ના લગાડો મને મદદ ના કરો તો કઈ નહી પણ એને મીઠું તો ના છાંટો એવું બોલી ને. એને શારીરિક તકલીફ છે માનસિક નહિ. હાથપગ જોડીને એડમિશન તો થઇ ગયું પણ શાંતિથી બેસવાનો એક મોકો નથી મળ્યો. ગયા મહિને સ્કૂલવાળાએ કીધું કે તમારા બાળકનું એડમિશન કેન્સલ કરીયે છીએ. કારણ કે એના લીધે બીજા બાળકોને ભણવામાં ખલેલ પડે છે. મારા બાળકને લીધે બીજાને તકલીફ થાય એવું તો હું ના જ ઇચ્છુ. મેં કહ્યું હું બનતી કોશિશ કરીશ અને તમે કયો એ રીતે સહયોગ આપીશ પણ પ્લીઝ, મારા બાળકનું એડમિશન કેન્સલ ના કરશો..
આપણે રાણી લક્ષમીબાઇ, ઇન્દિરા ગાંધી, ઇન્દ્રા નૂયી જેવી મહિલાઓના અથાગ પ્રયત્નોને એમના જુસ્સા અને લડાઈને હંમેશા વખાણતા આવ્યા છીએ. પણ એક સ્વનિર્ભર, સ્વાવલંબી, એકલા હાથે બાળકની સેવા કરતી માં ની લડત જરાય ઓછી નથી ઉતારતી. આપી આપીને કેટલી તકલિફો આપશો? એક મા ના હ્રદય સામે તો ટૂંકા જ પડશો.
જયારે દીવો ના ધરે કોઈ,
જ્યાર ઘનઘોર તોફાની રાતે, બાર વાસે તને જોઈ
ત્યારે આભની વીજે, તું સળગી જઈ ને,
સૌ નો દીવો એકલો થાને રે..
તારી હાંક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે…
Related
Recent Comments