#315, Young programmers of Rajkot
By Faces of Rajkot, July 30, 2017
કાર્બાઈડથી પક્વાતી કેરીઓ અને નિશાળે જતા બાળકોમાં સમાનતા શોધતા મેસેજો વાંચીને મગજ ફરી ગયું હોય તો આ જરૂરથી વાંચી જવું અને બાળકોને પણ જણાવવું.
હેકેથોન, રાજકોટમાં સ્માર્ટ સીટી અંતર્ગત યોજાયેલી સ્પર્ધા કે જેમાં રાજકોટના નાગરિકોને રોજબરોજની મુશ્કેલીઓમાંથી છુટકારો અપાવે એવી અસામાન્ય 101 ટેક્નિકલ સમાધાન. અને આમાં ભાગ લઇ રહ્યા છે દેશનું અદભુત ટેલેન્ટ.
હવે કરીએ રાજકોટની વાત, આ રાજકોટની ટીમે તૈયાર કર્યું છે મોબાઈલ ડિવાઇસ સાથે કનેકટેડ હોમ એપ્લાયન્સિસ સોલ્યૂશન. જો તમે બહારગામ જતા હોવ અને યાદ આવે કે ઘરની લાઈટ તો ચાલુ રહી ગઈ, મોબાઈલ ઓન કરો અને ઘરની લાઈટો બંધ કરો, તમને લાગે કે બહુ જ ગરમી છે ઘેર જતા પહેલા એ. સી. ચાલુ થઇ જાય, મોબાઈલમાં બટન દબાવો ને કામ શરુ, આ કાંઈ જ નથી પણ તમારાં ઓફિસ કે ઘરનાં ઇલેક્ટ્રિક ગેજેટ્સની તમામ જવાબદારી, માસિક અને વાર્ષિક વપરાશ, બચત કરવાનાં સ્કોપ બધું જ માત્ર તમારી આંગળીના ટેરવે.
હા, પણ એમાં ગર્વ લેવા જેવું શું? આ તો ટેક્નોલોજી છે, હવે કરીએ ગર્વ લેવા જેવી વાત. આ આખો સોફ્ટવેર તૈયાર થયો માત્ર ૩૬ કલાક માં અને કોણે કર્યો? માત્ર ૯ થી ૧૩ વર્ષના ૬ બાળકોએ. ભાઈ ૧૩ વર્ષની ઉંમરે મને કોમ્પ્યુટર ચાલુ કરતાંય નહોતું આવડતું અને આ લોકોએ તો પ્રોગ્રામ બનાવી નાંખ્યો અને એ પણ સામાન્ય નહિ અનેક વર્ષોની મુશ્કેલીઓનો અંત માત્ર ૩૬ કલાક માં? છે કે નહિ ગર્વની વાત? રાજકોટ કે કદાચ દેશ માટે આ સર્વપ્રથમ ઘટના હશે જ્યાં આટલી નાની ઉંમરના બાળકો પ્રોગ્રામિંગ કરી રહ્યા હોય.
આવો આ રાજકોટના ચહેરાઓને મળીએ, ફ્રેયા શીંગાળા (ઉં. ૧૨ વર્ષ), દેવ પરસાણા (ઉં. ૧૨ વર્ષ), વિશ્રુત ગાંધી (ઉં. ૯ વર્ષ), સાનવી પરસાણીયા (ઉં. ૧૧ વર્ષ), યસ્વી રાજા (ઉં. ૧૩ વર્ષ) અને માનવ નાથવાણી (ઉં. ૯ વર્ષ). ગજબનું ટેલેન્ટ ભર્યું છે આ નાના દિમાગોની અંદર. એક વાર મળીને વાત કરો તો ચક્કર ખાઈ જાવ એટલી માહિતી મળે. જો સમય અને તક મળે તો તમારાં ભુલકાઓને માર્ગદર્શન કે પછી કંઈક અલગ કરી બતાવવા માટે એક વાર તો મુલાકાત અવશ્ય કરાવજો.
આ રાજકોટની ટીમના મેન્ટર હતા કલ્પેશભાઈ સૂરતી અને વૈશાલી પરસાણીયા જયારે સોશિઅલ મીડિયામાં બીજલ સિધ્ધપુરા સહાય કરી હતી.
Related
Recent Comments