#316, Sharadbhai Shah and his organ donation
By Faces of Rajkot, August 6, 2017
અમર થવાનો અચૂક નુસખો મને હાથ લાગી ગયો. કોઈ કહેશે કે હું જીવિત છું કોઈ ના કહેશે. હું જીવન પૂરું થયા બાદ પણ તમને મારી વાત કેવી રીતે કહી શકું?
શરદભાઈ શાહ, ઉમર 60 વર્ષ, રાજકોટના વેપારી જગતમાં એક જિંદાદિલ વ્યક્તિત્વ. ક્રિકેટ રમવું, ગિરનાર, સમંત શિખર ચડવું, નવરાત્રીમાં રમવા જવું એ આપણા શોખ. નખમાંય રોગ નહિ પણ અચાનક નવરાત્રીમાં રમીને આવ્યા બાદ અચાનક બ્રેન હેમરેજ થઇ ગયું અને બ્રેન ડેડ જાહેર કરાયા.
હવે કરીએ વાત 10 વર્ષના મતીનની, કિડની ફેલ થઇ જવાના કારણે મરણ પથારીએ પડેલો અને મા બાપ રોજ પોતાના ખરતાં ફૂલને બચાવા ડોકટરો અને ઉપરવાળા પાસે ખોળો પાથરતા. એ જ રીતે રીતુબેન ઓઝા નો પરિવાર પણ દોડધામ કરતો. અને ત્રીજો કિસ્સો કચ્છનાં એક માલેતુજાર ખેડૂત લક્ષ્મણભાઈ પટેલનો જેનું લીવર ખરાબ થઇ ગયેલું અને મૃત્યુની ક્ષણો ગણતા હતા. કરોડોની માલ મિલકત અને જમીન હોવા છતાં લાચાર બની ગયેલા અને કોઈ પણ મિલકત કે રૂપિયા જિંદગી બચાવી શકતા નહોતા..
આ કિસ્સાઓને જોડ્યા “જીવનદાન ફાઉન્ડેશન”ના હિતાબેન મહેતાએ. એમના અથાગ પ્રયાસો બાદ શરદભાઈના પરિવારે અંગદાન માટે અનુમતિ આપી. આ કહેવા માટે સહેલું છે પણ આ નિર્ણય લેવો અતિશય કપરો હતો. પરિવારના મતે તો શરદભાઈ હજી જીવતાં હતા. એમ કેવી રીતે વેન્ટિલેટર હટાવી લેવું? માની લઈએ કે બીજી જિંદગીઓ બચી જશે પણ શરદભાઈ નહિ રહે? ઘણા પ્રયત્નો બાદ કઠિન નિર્ણય લેવાયો કે શરદભાઈ જીવતા રહેશે 5 લોકો માં જેમને એમના અંગદાન મળશે.
શરદભાઈનો પરિવાર મતીનના પરિવારને મળ્યા, દાઉદી વોહરા પરિવાર અને મતિનને ઈંડા, માંસાહાર બહુ જ પસંદ. એક રૂઢિચુસ્ત જૈન પરિવાર આ કેવી રીતે જોઈ શકે? તેમ છતાં નાના મતીનની હાલત જોઈને અંગદાન થયું, પણ આ 10 વર્ષનાં બાળકને પણ જાણે અંગદાનની અસર થઇ, પોતે પણ માંસાહાર ત્યજી દીધો અને આખો પરિવાર શાકાહારી બની ગયો માત્ર એક જૈન અંગની મર્યાદા જાળવવા ખાતર. અને કચ્છના એ ખેડૂત લક્ષ્મણભાઈ પટેલ કે જેને શારદભાઈનું લીવર મળેલું એની પણ જીવાદોરી લંબાઈ આજે પણ એ નિયમિત શરદભાઈના પરિવારના સંપર્કમાં રહે છે.
ઘણા માણસો જીવતા પણ કોઈને કામ નથી આવતાં. જયારે મૃત્યુ પછી પણ રાખ બની જવા કરતાં પાંચ જિંદગીઓ ઝળકાવી જનાર શરદભાઈ અમર થઇ ગયા…
पहचान कफ़न से नहीं होती है दोस्त…
पीछे का काफिला बयां कर देता है रुतबा हस्ती का….
Related
Recent Comments