#317, Organ Donation Foundation, Rajkot
By Faces of Rajkot, August 13, 2017
જો તમને ભગવાન બનવાનો મોકો મળે તો?
“કેવી રીતે?”
ભગવાન જેમ તમને જીવનદાન આપે એમ તમે પણ કોઈને આપી શકો તો?
“હા, પણ કેવી રીતે?”
“અંગદાન”
રાજકોટ ખાતે અંગદાનનો આ પ્રથમ કિસ્સો હતો, અને મેં અને મારા મિત્ર ડૉ વિરોજાસાહેબ અને બીજા સ્પેશ્યાલીસ્ટ ડોકટરો અને સ્ટાફ ની આખી ટીમે રાજકોટ ની ત્રણ-ત્રણ મોટી હોસ્પિટલોના મેડીકલ ડાયરેક્ટર ના સહયોગથી આ મહાદાન પાર પાડ્યું. અને એ રાત્રે ડૉ વિરોજા તથા મારું જીવન પણ બદલાઈ ગયું..
૨૦૦૬ ના માર્ચ મહિના ની એક સાંજ હતી.. અચાનક મારો મોબાઈલ રણક્યો,.. મેં જોયું તો મારા મિત્ર એવા નેફ્રોલોજીસ્ટ ડૉ દિવ્યેશ વીરોજા હતા. મેં ફોન ઉપાડ્યો–
“સંકલ્પ, એચ જે દોશી હોસ્પિટલ માં એક યંગ બ્રેઈન ડેડ પેશન્ટ છે- ત્યાં ના મેડીકલ ઓફિસરે રીલેટીવ્ઝ ને સમજાવ્યું તો તે લોકો અંગદાન કરવા તૈય્યાર છે. પેશન્ટ ની બંને કીડની સારી છે અને બીજા ને આપવા લાયક છે – પણ એક તકલીફ છે – પેશન્ટ ક્રીટીકલ છે અને એને અંગદાન માટે બી. ટી. સવાની કીડની હોસ્પીટલ શીફ્ટ કરવા તારી ખાસ જરૂર છે. “
એ દિવસે ઘણા બધા ડોક્ટર, પેરામેડીકલ સ્ટાફ, હોસ્પિટલ નો એડ્મીનીસ્ટરેટીવ સ્ટાફ, વિગેરે એ આખી રાત મેહનત કરી.. અને વહેલા પરોઢિયે એ જુવાન દીકરાની બંને કીડની અમદાવાદ ની IKDRC ના ડોક્ટરોની ટીમ અમદાવાદ લઇ ગયા.. અને ત્યાં ૨ કીડની ફેઈલ્યુંર ના દર્દી ને નવજીવન મળ્યુ. આ રીતે પ્રથમવાર આ ઘટના દ્વારા અંગદાન ની પ્રવૃત્તિની રાજકોટ માં શરુઆત થઈ…
૨૦૧૫ માં રાજકોટમાં સગર્ભા મહિલા દ્વારા કરાયેલાં દાનથી ત્રણ hવ્યક્તિને નવી જિંદગી મળી હતી. સગર્ભાનું બ્રેઇનડેડ થઇ જતાં તેમની બંને કિડની અને લિવર દાન કરવામાં આવ્યા હતા અને એ ત્રણેય અવયવો અન્ય ત્રણ જરૂરતમંદને ટ્રાન્સપ્લાન્ટ કરાતા એ ત્રણ દર્દીઓને નવી જ જિંદગી મળી હતી. રાજકોટના મીડિયાએ આ વખતે અમને અંગદાનની જાગૃતિ માટે ખૂબ સહકાર આપ્યો.
વર્ષ ૨૦૦૬ થી ૨૦૧૫ ના ૯ વર્ષ ના ગાળા માં રાજકોટ માં જયારે અમો ફક્ત ૨૦ બ્રેઈન ડેડ વ્યક્તિ ના અંગદાન કરાવી શક્યા, તેની સામે છેલ્લા 2 વર્ષ માં બીજા ૩૧ વ્યક્તિઓ એ અંગદાન કર્યા છે જે બતાવે છે કે અમારા ORGAN DONATION FOUNDATION ના આ પ્રયાસો થી સમાજ માં જાગૃત્તિ ખુબ જ વધી છે.
આપણા દેશ માં હજારો દર્દીઓ અંગ નું દાન મેળવવા ની રાહ માં WAITING LIST માં છે.. છતાં દર વર્ષે માત્ર ૫ -૧૦ % દર્દીઓ ને જ જોયતું અંગ મળે છે.. આનું કારણ એ છે કે દરેક વ્યક્તિ મરણોપ્રાંત પોતાના અંદર ના અંગો નું દાન કરી નથી શકતા. કઈ વ્યક્તિ મરણોપરાંત કયા અંગો નુ દાન કરી શકે છે એની માહિતિ અને અંગદાન વિશેની અન્ય માહિતી માટે આપ https://goo.gl/tesbzm લીંક પર ક્લીક કરી શકો છો
ભવિષ્યમાં અમો ને આશા છે કે આપણા સૌરાષ્ટ્ર માં જયારે SKIN Bank, Tissue Bank અને Bone Bank ની સુવિધા બનશે ત્યારે આપણે ત્વચા, સ્નાયુ અને હાડકાનું પણ દાન લોકો પાસે કરાવી શકશું. આ દિશામાં અમે અમારા મિત્ર દેનીશભાઈ સાથે કાર્યરત છીએ. તે ઉપરાંત અમારા મિત્તલભાઈ ખેતાણી ના સઘન પ્રયાસ થી સમગ્ર વિશ્વ લોહાણા મહાપરીષદ દ્વારા વર્ષ ૨૦૧૭ ને અંગદાન જાગૃત્તિ વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું છે.
અંગદાનને લીધે તમે ગુમાવેલ સ્વજનને મૃત્યુ બાદ પણ જીવંત અનુભવી શકો છો… અને કોઈપણ કિંમતે ન મેળવી શકાય તેવી મહામુલી જિંદગી જરૂરિયાતમંદને આપી શકાય છે… માનવતાનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે…
पानी केरा बुदबुदा, अस मानुस की जात.
एक दिना छिप जाएगा,ज्यों तारा परभात.
-संत कबीर
Related
Recent Comments