#318, Only Indian
By Faces of Rajkot, August 20, 2017
શિવલિંગ પર દૂધ ચડાવા ગયેલો પણ કંઈક અજુગતું જોયું ને શિવલિંગ ને બદલે દૂધ કેનમાં ભરાઈ ગયું.
નામ: ઓન્લી ઇન્ડિયન
કામ: રાષ્ટ્રીય ભિક્ષુક
હેતુ : હસતું હેલ્ધી હિન્દુસ્તાન
કોણ છે આ ભાઈ? જૂનાગઢના ભૂતપૂર્વ સરકારી કર્મચારી જેનું કોઈ નામ નથી. એમના બધાં જ ઑફિશ્યલ ડોક્યુમેન્ટ્સ પર નામ “ઓન્લી ઇન્ડિયન” છે. જે સરકારે પણ માન્ય રાખ્યું છે. આ ભાઈ મંદિરની સામે જ મિલ્કબેંક ખોલે છે. જો તમને યોગ્ય લાગે તો થોડું દૂધ મહાદેવને અર્પણ કરીને બાકીનું મિલ્કબેંકના કેનમાં નાંખી દેવાનું. ત્યારબાદ આ ભાઈ એ દૂધ ગરીબ બાળકોને, સગર્ભા સ્ત્રીઓને અને વૃધ્ધોને પીવડાવે.એક હોટેલ એમને દૂધ ઉકાળવા તથા એમાં સાકર ઉમેરવાની મદદ કરે. અને ઓન્લી ઇન્ડિયન સાઇકલ પર નીકળી પડે. ઘેર ઘેર જઈને દૂધ આપે એ હેતુથી કે મારો દેશ સ્વસ્થ બને, સ્ટ્રોંગ બને અને હસતો રહે.
દેશભાવનાથી પ્રેરાઈને અને પરેશ રાવલની ફિલ્મ “ઓહ! માય ગોડ” જોઈને આ વિચાર આવ્યો. જૂનાગઢથી શરૂઆત કરી અને આ વર્ષે રાજકોટમાં 2 મંદિરથી શરૂઆત કરી છે. દૂધના કેન છલોછલ ભરાય જાય છે અને ભગવાન જરૂર ખુશ થતો હશે કે દૂધ અંતે કોઈને કામ લાગ્યું.. એક મંદિર એવું પણ છે જ્યાંથી કેન હંમેશા ખાલી આવે છે, એક ટીપું પણ નહિ. કારણ કે પૂજારી કેન સંતાડી દે છે. નામ ના લઈએ કોઈનું પણ હિસાબ તો બધો જ થાય છે. અંતે દૂધનું દૂધ અને પાણી નું પાણી તો થતું જ હોય છે.
“ઓન્લી ઇન્ડિયન” તમને કોઈવાર સાઇકલ પર તિરંગા સાથે જોવા મળે તો હાથ જરૂર મિલાવજો, કેમ કે આ માણસથી મોટું સેવાનું કોઈ તીર્થ નથી.
“તમે આજની જીંદગીમાં જે
પર્વત ઉપાડીને ચાલી રહ્યા છો…
એ…
ઉપાડવાના નહોતા…
માત્ર ઓળંગવાના હતા..!!”
Related
Recent Comments