તમને નથી લાગતું કે જીવન ક્યારેક કિસ્મત થી ચાલે છે, એકલા મગજ થી ચાલતુ હોત તો અકબર ની જગ્યાએ બીરબલ રાજા હોત !! કંઈક એવી જ વાત છે નરેન્દ્ર વાઘેલાની.
93′ ની સાલમાં રેલવેમાં ટી.ટી. ની પરીક્ષા પાસ કરી અને મુંબઈ ઇન્ટરવ્યૂ માટે ગયો. ત્યાં ઇન્ટરવ્યૂ પાસ કર્યું પણ આપણા બધા ડોકયુમેન્ટ્સ તો ગુજરાતીમાં હોય, એટલે એમણે કીધું કે આ ડોકયુમેન્ટ્સ અંગ્રેજી અથવા તો હિન્દીમાં ટ્રાન્સલેટ કરીને 15 દિવસની અંદર મોકલો એટલે નોકરી નો નિમણુંક પત્ર મોકલી આપશું. આપણે તો ભાઈ ખુશ થતા રાજકોટ આવ્યા અને બધા કાગળિયા તૈયાર કરીને પોસ્ટ કર્યા, પણ, નસીબ !! બીજા દિવસે પોસ્ટ ખાતાની દેશવ્યાપી હડતાલ થઇ જે 15 દિવસ ચાલી અને મારા ડોક્યુમેન્ટ્સ સમયસર ના પહોંચ્યા. નોકરી હાથમાંથી ગઈ અને જાણે નસીબ થપ્પડ મારીને ભાગી ગયું હોય એવી શૂળ જેવી પીડા થઇ.
નાનપણમાં સામાજિક અને આર્થિક પછાત વિસ્તારમાં રહેતા હોવાથી માં બાપને થયું કે છોકરો કોઈ ખરાબ સંગત માં પડે એના કરતા કંઈક કરે એ સારું એમ વિચારીને એક ડોક્ટરને ત્યાં કામે લગાડી દીધો. બપોરે નિશાળેથી આવીને ડોક્ટર સાહેબના દવાખાનામાં મદદ કરતો. ભણવામાં હંમેશા અવ્વલ નંબર આવતો પણ માબાપને આર્થિક પરિસ્થિતિ ના હોવાથી નિશાળ 1995 માં બારમા ધોરણ પછી છૂટી ગઈ. એ બંને કારખાનામાં મજૂરીએ જતાં.
એક સ્કૂલમાં નોકરી મળી અને સખત મેહનત કરી પણ એક વાર એક મિટિંગમાં ટ્રસ્ટીઓને કોઈ વાત પર સૂચન આપ્યું તો એમણે રોકડું પરખાવી દીધું કે ડિગ્રી વિનાના માણસોને શું સમજ પડે ! સાહેબ, હાડોહાડ લાગી આવ્યું અને સવિનય નોકરી છોડી ને 10 વર્ષ પછી 2005 માં ફરીથી ભણવાનું શરુ કરી સ્નાતક થયો. અને બીજા દસ વર્ષ બાદ સમય મળતા 2015માં પત્રકારત્વમાં માસ્ટર ડિગ્રી કરી. હાલ દૂરદર્શનમાં “હેલો કૃષિદર્શન” કાર્યક્રમમાં છેલ્લા ૬ વર્ષથી એંકરિંગ કરું છું. જેમાં ખેડૂત મિત્રો ફોન પર લાઈવ સવાલો કરે અને એક્સપર્ટ લોકો દ્વારા માહિતી પુરી પાડવામાં આવે છે.
એક પમ્પ બનાવતી ફેકટરીમાં જોબ મળી અને ત્યાં રેગ્યુલર કામ ની સાથે ખેતી વિષયક માહિતી આપતું એક મેગઝીન શરુ કર્યું. મારી મેહનત અને લગન રંગ લાવી. ખુબ જ પ્રયાસો કરીને માહિતી મેળવીને પ્રકાશિત કરી. જેમ કે, વર્ટિકલ ફાર્મિંગ, હાઇડ્રોપોનિક્સ, ગ્રીન રૂફ ટેકનોલોજી, બાયો ટેકનોલોજી વગેરે જે બહુ જ ક્રાંતિકારી ખેતીનો પ્રકાર છે એ માહિતી સાદી – સરળ ગુજરાતીમાં ખેડૂતોને પહોંચાડી.
આ તો થયું કોઈ બીજા માટે… પણ આખરે નોકરી એ નોકરી… પણ પછી થયું મારુ કોઈ મેગઝીન કેમ ના કરું? ઓગસ્ટ-2013 માં શરું થયેલ મારું “સમૃદ્ધ ખેતી” નામનું મેગેઝીન આજે પંદર હજાર ના સર્ક્યુલેશન સાથે ખેતીનું અવ્વલ નંબરનું સામાયિક બની ગયું છે. ખેડૂતો સાથે એમની ભાષામાં વાત કરતુ સામાયિક આજે 5માં વર્ષમાં પ્રવેશ કરી ચૂક્યું છે. ખેડૂતો પોતાના વિચારો એમાં લખે, માહિતીની આપ-લે થાય. એક તંત્રી તરીકે મારા મેગેજીનમાં લખતા કૃષિ પત્રકારોને કોઈથી ડર્યા વગર ખુલ્લું સત્ય લખવાની છૂટ આપેલી છે. અત્યાર સુધીના કેન્દ્રીય કૃષિ મંત્રીઓનું લિસ્ટ જે ભારત સરકારની વેબ સાઈટ પર પણ નહોતું, જે મેં માહિતી એકત્રિત કરીને બહાર પાડ્યું,
ક્યારેય વાડી-ખેતર તો ઠીક પણ ઘરના આંગણે પાંચ-દસ છોડ ઉગે તેટલી જગ્યા નહોતી…. પણ આજે ગુજરાતનાં અને દેશના ખેડૂતો માટે કાર્યરત છું. મારી ટીમ સાથે ખેડૂત મિત્રોને પાક, જીવાત, ટેકાના ભાવ, વેજ્ઞાનિક ખેતી, ટેક્નોલોજી અને બીજી અનેક બાબતો માટે સૂચનો પુરા પાડું છું. તેમજ આ મેગઝીન ઉપરાંત, વોટ્સઅપ ગ્રુપ, ઓનલાઇન માહિતી અને હેલ્પલાઇન પણ પુરી પાડું છું.
કૂખ કુંતીની જ કારણ દેહનું તોયે છતાં,
પાર્થમાં ગણના તમારી ને અમારી કર્ણમાં.
Recent Comments