#323, Manya and Mona Thakkar
By Faces of Rajkot, September 24, 2017
ત્યાગની પરિભાષા એટલે એક સ્ત્રીથી વિશેષ ના કોઈ સમજી શકે કે ના કોઈ સમજાવી શકે. પુત્રી બનીને સપનાઓનો ત્યાગ, બહેન બનીને “ચોકલેટ” નો ત્યાગ, વહુ બની ને શોખનો ત્યાગ, પત્ની બનીને પરિવારનો ત્યાગ, કે માં બન્યા પછી અસ્તિત્વનો ત્યાગ. જો કોઈ તાળો મળે તો જણાવજો!
મારી દીકરી માન્યા એ માનવામાં ના આવે એવું કામ કરી બતાવ્યું છે, જયારે જન્મી ત્યારે હાથ-પગ વાંકા હતા, જમણી તરફ ત્રાંસી અને મોં માં થી લાળો પડતી. એક વર્ષે તો પડખું ફરતા અને 3 વર્ષે બોલતા શીખી. પણ, પોઝિટિવિટી ગજબની, પડી જાય, લાગી જાય તો ય હસ્તી જોવા મળે.
ફિઝિઓથેરાપી જન્મથી જ શરુ અને આજ દિવસ સુધી ચાલુ, કોઈ પણ જાતની ચીડ, ગુસ્સા કે ફરિયાદ વિના માન્યા જિંદગીને હંફાવતી જાય છે. રામકૃષ્ણ આશ્રમના ફિઝિઓ વિભાગના ડોક્ટરોને દિલથી સલામ જેને મારી દીકરીના હાથ અને શરીરના બીજા અંગો સીધા કર્યા.
વરકતૃત્વ, સ્પર્ધા, કાવ્યપઠન, પેઇન્ટિંગ, એક્ટિંગ, કોઈ પણ સ્પર્ધા હોય , માન્યા હંમેશા પ્રથમ. ઘરમાં શિલ્ડ અને પ્રાઈઝની હરોળ જોવા મળે છે.
માન્યાની ઈચ્છા છે કે એક દિવસ કથક શીખવું છે. મારી જોબ છે પરંતુ માન્યા પોતાની રીતે ફિઝિઓની કસરત કરે છે, હોમવર્ક કરે છે અને પોતાના શોખને આગળ વધારે છે. એક જોબ કરતી વ્યક્તિ જેટલું જ વ્યસ્ત માન્યાનું રોજીંદુ જીવન છે પણ મજાલ છે કે તમે એ છોકરીના મોઢા પર એક ફરિયાદ જોવા મળે.
માન્યાને મોટા થઇ ને ડોક્ટર બની અને એના જેવા બીજા બાળકોની મદદ કરવાની તમન્ના છે. મારી દીકરી ડોકટરના બને તો પણ અફસોસ નથી પણ એની હિમંત તો મને આજે પણ ડોક્ટર બન્યા જેટલો જ ગર્વનો અનુભવ કરાવે છે. એક વાર કોઈએ મને મેણું મારેલું કે પાપ કર્યા હોય એટલે ભોગવવા પડે, ભગવાન આવી દીકરી રૂપે સજા આપી છે. પરંતુ રોકકળતા બાળકો કે પછી સંતાનોની ફરિયાદ કરતા માં-બાપને જોઉં તો એમ થાય કે આ પાપનું પ્રતાપ છે કે કોઈ પુણ્યની ભગવાને આપેલી રશીદ છે!!
પ્હોંચતા આંખો સુધી થઇ જાય છે ભારે પછી,
આમ તો હોતું નથી ચિઠ્ઠીમાં શ્યાહીનું વજન.
Related
Recent Comments