#324, Dharmesh Vyas and dhumkharidi.com

By Faces of Rajkot, October 1, 2017

ગંગા બનારસથી કલકત્તા જાય એતો ઠીક પણ જો કલકત્તાથી બનારસ જાય તો? દુબઈમાં આઈ.ટી.ની સારી જોબ છોડીને ભારત પાછા આવી ગયા.

 

કારણ? ધૂમખરીદી!!!

મારા બાપુજી દુબઇ આવ્યા પણ એમના માટે કોઈ જ મનોરંજનનું કોઈ જ માધ્યમ નહિ, એમને વાંચનનો શોખ પણ અહીં તો ગુજરાતી છાપું પણ ના મળે.

ત્યારે એમ થયું કે આ મુશ્કેલીતો બધા જ ભારતીયોને અહીં પડતી હશે. એક લાઈબ્રેરી આપણે ખોલીએ તો કેવી સગવડ થઇ જાય બધા માટે, કંઈક સારું કરવાના હેતુ થી બુકનું લિસ્ટ તૈયાર કર્યું અને ઓર્ડર કર્યો. આઠસો બુક્સથી શરૂઆત કરી પરંતુ આટલી બુક્સ લાવવા માટે આકાશ પાતાળ એક થઇ ગયા. દુબઇ કોઈ વસ્તુ પોહ્ચાડવી અને એ પણ આટલી બધી, સહેલું નોહ્તું. લાઈબ્રેરી શરુ થઇ અને લોકોની ડિમાન્ડ વધવા મંડી, કોઈ પુસ્તક વેંચાતું લેવા માંગતું તો કોઈ બીજી બુક્સની ડિમાન્ડ કરતુ. એટલે એક વેબસાઈટ બનાવી, ધૂમખરીદી, ગુજરાતીઓ માટે, ગુજરાતીમાં અને એક ગુજરાતી દ્વારા અનોખો પ્રયાસ.

ધુમખરીદીના નામમાં જ ધૂમ છે એટલે એને તો ધૂમ મચાવી દીધી. કોઈ પણ લિમિટેશન વિનાની એક માત્ર વેબસાઈટ એ સમયે તૈયાર થઇ કે જે દેશ વિદેશના કોઈ પણ ખૂણે તમને કેશ ઓન ડિલિવરી જેવી સગવડ સાથે બૂક્સ પોંહચાડે. કામ અત્યંત મુશ્કેલ હતું કારણ કે આપણી પોસ્ટ અને કુરીઅર વ્યવસ્થા એટલી સારી નોહતી અને ગ્રાહકોનો સંતોષ અને સહનશક્તિ બંને ઓછા હોય છે. જે વ્યાજબી છે કારણ કે તમે પૈસા ખર્ચો છો. ધીમે ધીમે કામ વધતું ગયું, બુક્સ સાથે ગુજરાતી નાસ્તા, નવરાત્રી અને દિવાળીની વસ્તુઓ, રાજકોટ, અમદાવાદ, જામનગરની સ્પેશિઅલ વસ્તુઓ બધું જ ધૂમખરીદી પર આવી ગયું. દુબઈથી એટલું બધું મેનેજ કરવું અઘરું થતું જતું હતું.

એક સમય એવો આવ્યો કે કંટાળી ગયા, જોબ, ધૂમખરીદી અને ફેમિલી વચ્ચે એવા ભીંસાયા કે ભારત યાદ આવી ગયું, નોકરી છોડી અને સંપૂર્ણ ધ્યાન ધૂમખરીદી પાર કેન્દ્રિત કરવા ભારત આવી ગયા. અહીં આવી ને બધું જ વ્યવસ્થિત સેટ કર્યું, પૂરતો સ્ટાફ રોક્યો અને મજબૂત ગ્રાહક વર્ગ બનાવ્યો. સારા સારા લેખકો અને સાહિત્યકારોએ ધૂમખરીદીનો આગ્રહ કર્યો જેનાથી આગવો પ્રીતિસાદ મળ્યો.

આજે ધૂમખરીદી ઉપર કેટકેટલી વસ્તુઓ દેશ વિદેશ જાય છે અને ભારતના છેવાડાના ગામ સુધી પણ પહોંચે છે. કોઈ નાની એવી મુશ્કેલીને પણ પ્રગતિની સીડી બનાવી એ રાજકોટના લોહીમાં છે. આ એનું જ્વલંત અને સફળ ઉદાહરણ છે.

મારા ને એના બેઉનાં મેં પારખાં કર્યાં,
પથ્થર મળ્યા તો ઊભા રહી, ચાંદલા કર્યા.
જ્ઞાનીઓ જે જગાને નરી બિનનિપજ કહે,
કુંભારે તે જ માટીમાંથી માટલાં કર્યા.
– સ્નેહી પરમાર

 

— with Dharmesh Vyas.