![](https://i0.wp.com/facesofrajkot.in/wp-content/uploads/2017/10/22459542_893261880836268_6412460664433925416_o-e1507899301936.jpg?fit=750%2C750&ssl=1)
#325, Chandresh Gadhvi
By Faces of Rajkot, October 15, 2017
એ ટાઈમે વીસ રૂપિયાનો ગરબા જોવાનો પાસ મળી જતો તોય આનંદ દિલ ફાડીને બહાર આવી જતો. રમવાનો તો વિચાર પણ નોહ્તો થતો. પપ્પા કારખાનામાં કામ કરતા અને બીજી કોઈ આવક નોહતી. ઉપરથી હું બી.કોમ. સાત- સાત પ્રયત્નો છતાં નાપાસ થયો.
2004ની આ વાત, ચંદ્રેશ ગઢવી, ગરબા રમવાનો ગજ્જબનો શોખ પણ, ખિસ્સું જોર ના કરે. ગરબાના ક્લાસીસમાં ગરબા શીખવા ગયો અને સાથે બીજાને પણ શીખવતો, ધીમે ધીમે હિન્દી, ગુજરાતી કાર્યક્રમોમાં ભાગ લઇ ને નવી નવી વસ્તુઓ શીખતો ગયો . ગુજરાતી રંગમંચના ઘણા કલાકારો પાસેથી અલગ અલગ વસ્તુઓ શીખી. હિન્દી ફિલ્મ અને સિરિયલો માટે પણ કામ કર્યું. પરંતુ, જોઈએ તેવું હજી કશું જામ્યું નોહ્તું, કૈક ખૂટતું હોય એવું લાગ્યું. 2005 રાજકોટમાં પોતાના દાંડિયા ક્લાસીસ શરુ કર્યા. બાર વર્ષથી મન ભરીને ગરબા રમુ છું અને રમાડું છું.
દશ વખત રાજકોટના નામાંકિત દાંડિયા ક્લબ જેવી કે સુરભિ, રજવાડી, દિવ્ય ભાસ્કર વગેરેમાં પ્રિન્સ બન્યો અને આજે સ્કૂલ, કોલેજના વાર્ષિક ફંક્શન્સ, લગ્ન કે પછી શહેરના ડાન્સ પ્રોગ્રામોમાં કોરીઓગ્રાફર કે પછી એંકરિંગ કરું છું. મારી આગવી દાંડિયાની શૈલી વિકસાવી. મારી પાસે શીખેલા યુવાનો અને યુવતીઓ હોય કે પછી બાળકો, ગરબામાં ધૂમ મચાવે છે.
ગુજરાતના પ્રસિદ્ધ હાસ્યકલાકારો પાસેથી શીખી અને પ્રેરણા લઈને કાર્યક્રમોમાં ભાગ લેતો થયો. આ ઉપરાંત દૂરદર્શન ગિરનાર પર ગમ્મત ગુલાલ, રાજકોટ દૂરદર્શન પર રંગ જમાવો, આકાશવાણી રાજકોટ પર હસે એ હળવા રહે જેવા કાર્યક્રમોમાં આવી ચૂક્યો છું અને હેમુ ગઢવી હોલ માં ટિકિટ શો પણ કરું છું. આજે માર્કેટમાં મારી સી.ડી. પણ આવી ગઈ છે અને youtube પર પણ વિડિઓઝ છે.
હજી તો શરૂઆત કરી છે, ગુણવંતભાઈ ચુડાસમા, સાઈરામ દવે, વસંત પરેશ “બંધુ” ની જેમ સફળ થવું છે. આ કામ એટલું સહેલું નથી, જો તમે 2 મિનિટ પણ ઢીલા પડો તમારા પ્રોગ્રામમાં તો લોકોને ઇંટ્રેસ્ટ જતો રહે છે અને મોબાઈલ ચેક કરવા માંડે છે. એવામાં સતત કોઈને 30-40 મિનિટ વાતોથી જકડી રાખવા એ 2 કલાક જીમમાં કસરત કરવા કરતાં પણ અઘરું છે. હજી તો ઉડાન શરુ થઇ છે, ક્ષિતિજ પાર જવાનું છે.
એક વાર દુઃખમાં શું હસી લીધું,
ઈશ્વરને એમ કે આને ફાવી ગયું….
Related
Recent Comments