#326, Dinesh Pandya, Inspiration, motivation

By Faces of Rajkot, October 29, 2017

દિનેશ પંડ્યા

 

જયારે સપનાઓનો શીશમહેલ ચકનાચૂર થાય ત્યારે એની કરચ આંખોમાં જિંદગીભર ખૂંચતી રહે છે. એક સમયે મહિને લાખો કમાનાર હું પોતે મારી ગર્ભશ્રીમંત પત્નીના ખભે હાથ મૂકીને વીસ રૂપિયાની એક ફિનાઈલની બોટલ વેંચવા રાજકોટ માર્કેટયાર્ડમાં જાતે ઉભો રહેલો. સમય સમયને માન છે. ઘણા એને પ્રારબ્ધ કહેશે તો કોઈ પરિશ્રમ, પણ હું કહીશ 100% પરિવારનો સહકાર અને મારી આવડતનો સંગમ.

12 ધોરણ સુધી બટેટા, છાપા વેંચીને ભણ્યો, ગુજરાત બોર્ડમાં સાઈન્સમાં 8માં ક્રમે આવ્યો. 1 થી 12 ધોરણ સુધીમાં ગણિતમાં ક્યારેય 100 માંથી 100 કરતાં ઓછા માર્ક્સ નથી આવ્યા. પરંતુ, આગળ ભણવા માટે પૈસા નહોતા. બેન્કની પરીક્ષામાં 100 માંથી 98 માર્ક્સ લાવીને સૂરતમાં જોબ મળી. જોબ કરતાં કરતાં માર્કેટિંગ કરતી એક કંપનીમાં હાથ અજમાવ્યો. જયારે મેં સૌથી પહેલું કેલ્કયુલેટર વેંચ્યું, એજ દિવસે એક જ કલાકમાં બેન્કમાંથી રાજીનામું આપી દીધું. મને મારી જાત પર ભરોસો હતો, લોકો કહે છે કે મહિને પચાસ હજાર કમાવાની વાતો કરતી આ લોભામણી જાહેરાતો ખરેખર ખોટી હોય છે. પરંતુ, મને એમાં ખરેખર સચ્ચાઈ લાગી. 1992માં જોઇન કરેલ કંપનીનમાં હું ખુદ મહિને લાખો કમાતો અને એજ કંપનીમાં હું સૌથી નાની ઉંમરનો ડાઈરેકટર બની ગયો.

આટલેથી સંતોષ ન થતા, મારી ખુદની કંપની શરુ કરી. ભારતમાં 90 જગ્યાએ બ્રાન્ચ સ્થાપી અને 2500 થી વધુ છોકરા છોકરીઓને રોજગાર અપાવ્યો. કિસ્મતે પલ્ટી મારી અને એક નાનકડા અકસ્માતમાં બંને આંખો જતી રહી. લાખો રૂપિયા કામનારો હું રોડ પર આવી ગયો, બહુ પ્રયત્નો કર્યા બહુ જ હાથપગ માર્યા પરંતુ કોઈ જ કિનારો નહોતો દેખાતો. મારી પત્ની કે જે ખુબ જ શ્રીમંત પરિવાની દીકરી છે જેને ક્યારેય જમીને થાળી પણ નથી ઉપાડી એને મારી સાથે આવીને માર્કેટમાં ફિનાઈલો વેંચી. ભગવાન સોગંદ બંને ખુબ જ રડ્યા એ દિવસે પરંતુ પછી નક્કી કરી લીધું કે હવે કમર કસવી પડશે અને આવી રીતે હારી જવાથી કશું નહિ વળે.

ધીમે ધીમે ગોંડલમાં ફરીથી કંપની શરુ કરી અને એક બહુ જ ખાસ મિત્રની મદદથી આગળ આવ્યો. વાંચીને શાયદ હસવું આવે પરંતુ ફરીથી કિસ્મત પલ્ટી અને પાર્ટનરે દગો કર્યો, બધું જતું રહ્યું. ફરીથી રોડ પર, ફરી મેહનત કરી અને ફરીથી પોતાની જાતને સ્થાપી. આયુર્વેદનો ખૂબ અભ્યાસ કરી થીસીસ લખ્યા અને ભણવાની બધી જ ઈચ્છાઓ પુરી કરી.

સમય સાથે વહેતા ખેડૂતોના સંપર્કમાં આવ્યો અને જમીન, પાક, ઋતુ વિષે માહિતી ભેગી કરી, નૈસર્ગીક ખેતી તરફ પ્રયાસો કર્યા. પચાસ હજારથી વધુ ખેડૂતોને કેમિકલ રહિત ખેતી માટે પ્રેર્યાં અને જમીની ગુણવત્તા વધારી. 2500 થી વધુ ગ્રામ્યસભાઓ કરીને દુનિયાની ગોલ્ડન બૂક્સ ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું. ખેડૂતમિત્ર, જમીન, ખેતી, પાક અને ખાસ કરીને ધરતી અને પર્યાવરણ માટે અથાગ પ્રયત્નો કર્યા છે.

આજે મારા સંતાનો,પત્ની અને મિત્રોના સહકારથી મારુ ભવિષ્ય એટલું સુરક્ષિત કરી લીધું છે કે મને તો શું પણ એમને પણ વાંધો નહિ આવે. માર્કેટિંગ કરવું એ પણ એક આવડત છે. આપણે, ખાસ કરીને ગુજરાતીઓને બહુ બોલવામાં થોડીક તકલીફ થાય પરંતુ બોલ્યા વિના તો બોર પણ ન વેંચાય. મારી હાથ નીચે કેટકેટલાય માર્કેટિંગ મેનેજર તૈયાર કર્યા છે.

કરોડપતિમાંથી રોડપતિ અને ફરી ઉલ્ટી સફર એક વાર નહિ અનેકવાર કરી ચુકેલો હું આજે પ્રારબ્ધ, પરિવાર અને પરિશ્રમના ત્રિવેણી સંગમના ઘાટનું મજબૂત ઉદાહરણ આપી શકું. કહેવું સહેલું છે એક લાઈનમાં પરંતુ ક્યારેક કોશિશ કરજો અંધારા રૂમમાં આંખો બંધ કરીને એક માચીસ શોધવાની, મારી રોડપતિ થી કરોડપતિના સફરની એકાદ ઝલક મળી જશે.

 

અમને નાખો જિંદગી ની આગ માં, આગ ને પણ ફેરવીશું બાગ માં.
સર કરીશું આખરે સૌ મોરચા, જિંદગી ને પણ આવવા દો લાગ માં.
—-શેખાદમ આબુવાલા

 

— with Jigar Pandya, Dinesh Pandya and Dev Pandya.