#327 Siddhant Parmar and his Guinness record
By Faces of Rajkot, November 5, 2017
સિદ્ધાંત પરમાર
આમ જોવા જઈએ તો સાવ સામાન્ય વાત પણ ખરેખર તો દુનિયામાં નામ થયું કહેવાય. હીસ્ટરી અને ડિસ્કવરી જેવી ચેનલો જોવાનો ખુબ શોખ અને ત્યાંથી જ જાણવા મળ્યું કે લોકો કેવા અજબ ગજબના રેકોર્ડ્સ બનાવતા હોય છે. મને થયું હું પણ કેમ ન કરું કંઈક કે જેનાથી મારુ પણ નામ આવે ગિનિસ બૂક્સમાં.
સંશોધન કર્યું કે ગિનિસ બૂક્સમાં કેવા કેવા રેકોર્ડ્સ હોય છે અને એની પ્રોસેસ શું છે? કેવી રીતે રેકોર્ડ નોંધાવવો વગેરે. આખરે મેં રબર બેન્ડની લાંબી ચેન બનાવવાનું વિચાર્યું. અમેરિકાની એક છોકરીએ 2.12 કિલોમીટરનો રેકોર્ડ બનાવેલો અને મેં એ રેકોર્ડ તોડ્યો 3.20 કિલોમીટર લાંબી રબર બેન્ડ ચેન બનાવીને. જો આમ જોવ તો એક લાઈનમાં વાત પુરી થઇ ગઈ પરંતુ એની પાછળની મેહનત વિચારો તો ખરેખર ખબર પડે કે આ કામ એટલું સરળ તો નથી જ.
લંડન ગિનિસ બુકની સંસ્થા સાથે સંપર્ક કરવો, એના સ્ટાન્ડર્ડ્સ પ્રમાણે વિડિઓ, એફીડેવીડ, નોટરી વગેરે કરાવવું, સર્વેયર આવે અને ચેક કરે. રાજકોટના રેસકોર્ષ પર જઈને આખી ચેન ખોલી અને તેનો વિડિઓ બનાવીને મોકલવાનો. ક્યાંય કોઈ પણ જાતની ખામી કે નુકસાન ન આવે એનું ધ્યાન રાખવું. એન્જિજીઅરીંગ કરતાં કરતાં આ કામ કરેલું એટલે સાંજે જયારે વાંચવા બેસું કે જરા અમથો પણ સમય મળે તો આ બનાવવા બેસી જતો. ઘણી વખત એવું ધાય કે લોકો હસી કાઢે અને મજાક બનાવે પરંતુ એનો જવાબ ગિનિસ બૂક્સનું સિર્ટીફીકેટ અને બુકમાં મારુ નામ છે.
ઇલેટ્રોનિક્સ એન્જીનીઅર બની ગયો અને અત્યારે એક પ્રાઇવેટ કંપનીમાં જોબ કરું છું, મારા નામ ની પેટન્ટ પણ પ્રોસેસમાં છે. જયારે કોઈ પાર્ટી પ્લોટમાં કે કોઈ ફન્કશનમાં મોટી સ્ક્રીન ચલાવવા લેપટોપ મૂક્યું હોય અને એનું ધ્યાન રાખવા એક માણસ રાખવો પડે એના કરતાં મેં એક મોબાઈલની સાઈઝનું ડિવાઇસ બનાવ્યું છે જે લેપટોપનું કામ કરી બતાવે. ઉપરાંત કંપનીમાં પણ મોબાઈલ કે ટેબ્લેટથી આખા ઘરની લાઈટ અને પંખા ઓપરેટ થાય એવા સેન્સર્સ અને ડિવાઇસ બનાવીયે છીએ.
આવા નાના નાના પગથિયાં ઉપર પગ મૂકીને એક દિવસ ઊંચે જઈશ, રાજકોટના સૌથી અમીર કે સૌથી સાહસિક માણસનું પણ નામ ગિનિસ બૂક્સમાં નહિ હોય પરંતુ મારુ છે આ એક સિદ્ધિ નહિ તો બીજું શું છે.
પડતા હથોડા લાખ અહિ પથ્થર થયા પછી,
પૂજા થવા લાગી બધે ઘડતર થયા પછી.
– ભીખુભાઈ ચાવડા
Related
Recent Comments