#331 Harsh Patel and his antique collection

By Faces of Rajkot, December 21, 2017

સમય બહુ બળવાન છે એટલું તો આપણે બધાં જ જાણીયે છીએ પળમાં રાજાને રંક અને રંક ને રાજા બનાવી દે.

 

એક સમયે જે વસ્તુ નકામી કે કોડીના ભાવે વેચાતી આજે એ આપણો અમૂલ્ય વારસો બની ગયો છે અને આ પેઢી કે આવનાર પેઢીને શાયદ જોવા પણ માત્ર ફોટોમાં મળે.

પરંતુ, હર્ષ પટેલે આ સમયને સાચવીને રાખ્યો છે જેથી આવનાર પેઢી અતુલ્ય ભારતનો વારસો અને ઇતિહાસ જાણી અને અનુભવી શકે. સૂરતની ચોરબજારમાં એક વાર ફરવા ગયેલો અને ત્યાં અમૂલ્ય વારસો રોડ પર વેંચાતો જોઈને મને સાચવી લેવાનું મન થયું. બસ, ત્યારથી શોખ કહો કે આદત જૂની વસ્તુનો સંગ્રહ કરવાનું શરુ થયું. શોખનું કોઈ મૂલ્ય નથી હોતું પરંતુ કિંમતતો ચૂકાવી પડે છે. ક્યારેક મિત્રોની મદદથી કોઈ ખરેખર મોંઘી કે અદભુત વસ્તુ ખરીદી લાઉ છું. ભારતના જ નહિ પરંતુ વિદેશમાંથી પણ ભારતીય ઇતિહાસની પારંપરિક વસ્તુઓની ઘરવાપસી જાણે મારો શોખ બની ગયો છે.

 

એક મ્યુઝિયમ બની શકે એટલો સંગ્રહ છે મારી સાથે. છઠ્ઠી સદીની બુદ્ધની ઉપવાસ કરતી મૂર્તિ, નેપાળથી એક મૂર્તિ જે માત્ર 9 ઇંચની છે પરંતુ એમાં વપરાયેલ અષ્ટધાતુને લીધે એનું વજન લગભગ 11-12 કિલો જેટલું છે એ ઉપરાંત એક ચોલવંશ સમયની એક મૂર્તિ અમે પુરાતત્વ વિભાગને ડોનેટ કરી છે જે ગાંધીનગર મ્યુઝિયમમાં મુકાશે. ઉપરાંત માટીના રમકડાં કે જેના વિષે અપને હડપ્પા અને લોથલ સંસ્કૃતિમાં ભણી ગયા પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે ગુજરાતમાં ઘણા સમૃદ્ધ ટિમ્બાઓ હતા જે માટીના રમકડા માટે પ્રખ્યાત હતા જેમ કે ગોંડલનું રોજડી, મોરબી વગેરે. સિક્કાઓ, હથિયારો જે યુદ્ધમાં વપરાતા અને આજે શાયદ ઊંચકીને ચાલવું પણ મુશ્કેલ બને જે એ વખતે લોકો હાથમાં લઈને યુદ્ધ કરતાં એ જોવું અને જાણવું એક ગૌરવની બાબત છે.

 

રાજકોટની મ્યુનિસિપલ નિશાળોમાં અમે અમારો સંગ્રહ લઇ ને જઈએ છીએ અને બાળકોને ભારતનો અમૂલ્ય વારસો અને સમૃદ્ધ ઇતિહાસ બતાવીયે છીએ. વીતી ગયેલો સમય તો પાછો નથી આવાનો પરંતુ એની છાપ સાચવી લઈએ તો ઇતિહાસને વાગોળી શકાય.

 

હશે, ટેવ કોઈ, નઠારી… નડે છે
ઘણી આદતો અમને સારી નડે છે

 

અભણને તો અજ્ઞાન અટકાવી રાખે
ને વિદ્વાનને હોશિયારી નડે છે

– રઈશ મનીઆર

 

Harsh Patel

— with Harsh Patel.