#332 Shweta Antani

By Faces of Rajkot, December 31, 2017

Shweta Antani

 

સ્ત્રીનું શરીર એક માયાજાળ છે. નાની અમથી બાબત મોટું સ્વરૂપ પકડી લે અને મોટી બાબત સ્ત્રીઓ દબાવીને વર્ષો સુધી રહેતી હોય છે. કોઈ ને કઈ પણ કીધાં વિના સહન કર્યે જતી હોય. “લાઈફ આફ્ટર ફોર્ટી” ચાલીસ વર્ષ પછીની જિંદગીમાં શું શું કાળજી રાખવી એના વિષે ફુલછાબમાં હું આર્ટિકલ લખું છું. બહુ જ સામાન્ય અને સરળ રીતે તમે તમારું ચાલીસ પછીનું જીવન સારી રીતે અને કોઈ પણ બીમારી કે તકલીફ વિના જીવી શકો.

 

આ ઉપરાંત બાળકોનું ડેવલપમેન્ટ અને સફળ પેરેન્ટીંગના વર્કશોપ પણ કરું છું. તમને જાણીને આશ્ચર્ય થશે કે રાજકોટમાં કેટકેટલા માતા પિતા એવા છે જે મારી પાસે કાઉન્સિલિંગ માટે આવે છે, દસમા ધોરણમાં ભણતો દીકરો એની માં ને બહાર જ ના જવા દે કારણ કે માતા પિતા એ એને ક્યારેય સમય જ નથી આપ્યો, એક ટીનેજર બાળક એની માં ને સખત નફરત કરે છે એ તો કાઉન્સિલિંગ માટે પણ આવવા તૈયાર નહિ. એના માટે એમના ઘરે જઈને એની જાણ બહાર અવલોકન કરવું પડે અને સારવાર આપવી પડે. આમાં વાંક કોનો? આપણો જ, બાળકનું મન તો કોરી પાટી જેવું હોય છે પરંતુ એ પાટી પર આપણે ચિત્ર વિચિત્ર ડિઝાઇન પાડવા એવા લિસોટા પાડી દઈએ છીએ કે પરિણામ આજે આપણી સામે જ છે. બાળક રડે એટલે મોબાઈલ પકડાવી દેવો, ટીવી સામે બેસાડીને જમાડવું, કાર્ટૂન શરુ કરી દેવું આ કોઈ સોલ્યૂશન નથી આ તો તકલીફની જાતે જ શરૂઆત કરીયે છીએ.

 

ખોટું બોલવું, મારામારી કરવી આ બધું બાળક અડધું પડધું તો ગર્ભાવસ્થા દરમિયાન જ શીખી લે છે માટે એ દરમિયાન પણ ખાસ ધ્યાન રાખવું પડે છે. એના માટે પણ હું ઘણા સેમિનાર કરું છું. આપણે ત્યાં છોકરીઓ અડધી માં તો 10 વર્ષની ઉમર પેહલા જ બની જાય છે જે પોતાના નાના ભાઈ બહેનોને કેડ પાર તેડીને ફરતી હોય છે. બીજું કે છોકરો બગડી ગયો તો પરણાવી દો એ સોલ્યૂશન, લગન એ કોઈ સોલ્યુસન નથી એ જવાબદારીની શરૂઆત છે. લગ્ન નથી ટકતા તો સોલ્યુસન અપાય છે કે છોકરા કરી નાંખો. આ પણ કોઈ સોલ્યુસન નથી છોકરા કરવાં એ એક બાગકામ કરવા જેવું છે. તમે કેવું કરો એના પર આધાર છે કે તમારા બગીચામાં ગુલાબ થશે કે જંગલી છોડ.

 

આ બધી વસ્તુઓ જાતે શીખીને હું બીજાને શીખવું છું જેથી તમારું પરિવાર હંમેશા હસતું રમતું રહે. બાળકોને માતા પિતા પ્રત્યે આદર અને પ્રેમ રહે. મેં મારા દીકરાને બહુ જ મોંઘી નિશાળમાં બેસાડ્યો જ્યાં એને વેન લેવા મુકવા આવતી. મારા કાળજાના ટુકડાને એક પણ ગુટખા ખાતા ડ્રાઈવરને હવાલે કરી દેતી. વેનની ગરમીમાં મારો દીકરો બફાઈ જતો પરંતુ કયારેય મને કશુ કહ્યું નહિ. પરંતુ એક દિવસ મેં મારી જાતે જ જોયું અને બસ હું જાતે જ મારા દીકરાને લેવા મુકવા જાઉં. એ જયારે મારી આંગળી પકડીને ઠેકડા મારતો એની રોજિંદી વાતો કરતો હોય તો મને લાગે કે મારુ માતૃત્વ સફળ છે. તમારી કૂણી કૂંપણની કાળજી તો તમારા હાથમાં છે.

 

— with Shweta Antani.